ડેંગ્યુનો બોગસ રિપોર્ટ આપતી લેબોરેટરી ઝડપાઈ, આવી રીતે સુરતમાં ચલાવાતો હતો ગોરખધંધો

સુરતના હજીરા વિસ્તારમાં આવેલા મોરા ગામમાંથી ડેન્ગ્યુના બોગસ રિપોર્ટ આપતી લેબોરેટરી ઝડપાઈ છે.એક્સએલએસ સેન્ટરમાંથી તમામ રિપોર્ટમાં ડેન્ગ્યુ દર્શાવવામાં આવતા રિપોર્ટ મંગાવી ક્રોસ વેરિફિકેશન કરવામાં આવ્યું જેમાં લેબના બોગસ રિપોર્ટનો ભાંડો ફૂટી ગયો હતો. હાલ સમગ્ર કૌભાંડમાં જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.

સુરતમાં ડેન્ગ્યુના દર્દીઓની સંખ્યામાં વધારો થવાની સાથે સાથે સામાન્ય તાવના દર્દીઓને પણ ડેન્ગ્યુના રિપોર્ટ આપી દેવામાં આવતાં હોવાનો ભાંડો ફૂટ્યો છે. હજીરા વિસ્તારના મોરા ગામમાં આવેલી એક્સએલએસ લેબોરેટરીમાં કોઈપણ તાવ આવતો હોય ડેન્ગ્યુનો રિપોર્ટ આપી દેવામાં આવતો હતો. જે પણ રિપોર્ટ કરવામાં આવે તેમાં ડેન્ગ્યુના પ્લેટલેટ કાઉન્ટ ઓછા દર્શાવવામાં આવતાં હતાં. જેથી એકએલએસ લેબોરેટરીના રિપોર્ટનું ક્રોસ વેરિફિકેશન કરવામાં આવતાં લેબ દ્વારા કૌભાંડ ચલાવવામાં આવી રહ્યાનું સામે આવ્યું હતું.

બોગસ રિપોર્ટ અંગે તંત્રનું ધ્યાન દોરવામાં આવતાં જિલ્લા આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું હતું. આરોગ્ય વિભાગના અધિકારીઓએ તમામ રિપોર્ટ નકલો મંગાવીને આ સેન્ટર વિરૂધ્ધ આકરા પગલાં ભરવા સાથે નોટિસ આપવાની પણ તજવીજ હાથ ધરવામાં આવી છે.