મહારાષ્ટ્રનું દંગલ: આવતીકાલે 10.30 વાગ્યે સુપ્રીમ કોર્ટ આપશે ચૂકાદો, ફડણવીસ સરકારને 24 ક્લાકની મેહતલ

મહારાષ્ટ્રનું રાજકીય દંગલ સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યું છે. કોંગ્રેસ, એનસીપી, શિવસેનાએ ફડણવીસ સરકારની શપથવિધિને પડકારી છે. સુપ્રીમ કોર્ટમાં તમામ પાર્ટીઓના વકીલોએ આક્રમક દલીલો કરી છે. હવે સુપ્રીમ કોર્ટ આવતીકાલે 10.30 વાગ્યે આ કેસમાં સીધો ચૂકાદો આપશે.

છેલ્લા એક મહિનાથી મહારાષ્ટ્રમાં જે રાજકીય નાટક ચાલે છે તે હજી પૂરું થયું નથી. દરેકની નજર સુપ્રીમ કોર્ટ પર છે. કોર્ટ રાજ્યના રાજકીય ભાવિ અંગે નિર્ણય આપશે. સુપ્રીમ કોર્ટમાં ઉગ્ર ચર્ચા થઈ હતી. મુકુલ રોહતગી, તુષાર મહેતા, કપિલ સિબ્બલ, અભિષેક મનુ સિંઘવી સહિત અનેક વકીલો વચ્ચે ઉગ્ર ચર્ચા ચાલી હતી. શનિવારે સવારે દેવેન્દ્ર ફડણવીસ અને અજિત પવારે શપથ લેવાની રીત સામે વિપક્ષે અરજી કરી હતી.

વકીલ મુકુલ રોહતગીએ સુપ્રીમ કોર્ટમાં કહ્યું કે રાજ્યપાલે ફ્લોર ટેસ્ટ માટે 14 દિવસનો સમય આપ્યો છે. તેમણે કહ્યું કે પ્રોટેમ સ્પીકર પછી સ્પીકરની પસંદગી કરવી જરૂરી છે, પરંતુ વિપક્ષ પ્રોટેમ સ્પીકર સાથે કામ કરવા માંગે છે. મુકુલ રોહતગીએ કહ્યું હતું કે, ફ્લોર ટેસ્ટ આવતા સાત દિવસમાં થઈ શકશે નહીં, આજે પણ ફ્લોર ટેસ્ટનો ઓર્ડર ન આપવો જોઇએ.

કોર્ટમાં દલીલ દરમિયાન દરમિયાન વકીલ તુષાર મહેતાએ જણાવ્યું હતું કે મહાવિકાસ અઘાડીએ ધારાસભ્યોની યાદીમાં ગરબડી કરી છે. આ અંગે સિંઘવીએ કહ્યું હતું કે ફ્લોર ટેસ્ટ કરશોતો ઉંધા માથે પછડાશો, તમે હારશો. આ દરમિયાન કોર્ટે પૂછ્યું કે તમે શું માગી રહ્યા છો.

વકીલ અભિષેક મનુ સિંઘવીએ કહ્યું કે અમે ફ્લોર ટેસ્ટની માંગ કરી રહ્યા છીએ. આ અંગે જસ્ટીસ રમનાએ કહ્યું કે અમને ખબર છે કે શું ઓર્ડર આપવો. મુકુલ રોહતગીએ કહ્યું કે વિધાનસભાની કેટલીક પરંપરાઓ છે, જેનું પાલન થવું જોઈએ. પ્રથમ પ્રોટેમ સ્પીકર, સભ્યોની શપથ લેવી, સ્પીકરની ચૂંટણી, રાજ્યપાલનું અભિભાષણ અને ત્યારબાદ ફ્લોર ટેસ્ટ.

અજિત પવારના વકીલ મનિન્દરસિંહે કહ્યું હું એનસીપી છું અને હું નેતા છું. તુષાર મહેતાએ કહ્યું કે રાજ્યપાલને પણ જોવાનું રહેશે કે કાયમી સરકાર કોણ આપશે? અજિત પવારના વકીલે કહ્યું કે મેં આપેલી યાદી સંપૂર્ણ રીતે સાચી છે. જે કોઈ પણ આદેશ આપવામાં આવે તે કોર્ટ અથવા રાજ્યપાલ દ્વારા તેની કાર્યવાહી કરવામાં આવે.

અભિષેક મનુ સિંઘવી એનસીપી વતી દલીલો કરી હતી અને કહ્યું કે જો બંને પક્ષો ફ્લોર ટેસ્ટ માટે તૈયાર છે તો પછી કેમ વિલંબ થાય છે. તેમણે કહ્યું કે જો કોઈ વસ્તુ છુપાવવામાં આવી રહી છે તો તે છેતરપિંડી છે. અજિત પવારનો પત્ર સંપૂર્ણ રીતે નકલી છે. અભિષેક મનુ સિંઘવી દ્વારા પત્રને નકલી ગણાવાતા  મુકુલ રોહતગી ગુસ્સે થઈ ગયા અને તેમણે જોરદાર વાંધો ઉઠાવ્યો હતો.

આ દરમિયાન અભિષેક મનુ સિંઘવીએ 48 એનસીપી, 56 શિવસેના અને કોંગ્રેસના 44 ધારાસભ્યોને ટેકોના પત્રો સોંપવાની વાત કરી હતી. મુકુલ રોહતગીએ આ સામે વાંધો ઉઠાવ્યો હતો, જેના પર કોર્ટે કહ્યું હતું કે જો તમે આ ફાઇલ કરશો તો મારે તેમની(ધારાસભ્યો) પાસેથી જવાબ લેવો પડશે. જે બાદ અભિષેક મનુ સિંઘવીએ પત્ર પાછો ખેંચી લીધો હતો. અભિષેક મનુ સિંઘવીએ દલીલ કરી છે કે કોર્ટે તુરંત જ ફ્લોર ટેસ્ટ કરવાનો આદેશ આપવો જોઈએ, પહેલા પ્રોટેમ સ્પીકરની નિમણૂક થવી જોઈએ.

વકીલ તુષાર મહેતાએ આખોય તબેલો ગાયબ થવાના દાવો કર્યો હતો તો કપિલ સિબ્બલે તેનો જવાબ આપતા કહ્યું કે તબેલો ગાયબ નથી, પણ માત્ર ધોડેસ્વાર જ ગાયબ થયો છે. મુકુલ રોહતગીએ કહ્યું કે ધારાસભ્યોને હોટલમાં બંધ કરી દેવામાં આવ્યા છે, નિર્ણય ઝડપથી લેવો જોઈએ. તેમણે કહ્યું કે જો 24 કલાક કે 48 કલાકમાં આદેશ આપવામાં આવે તો કોને અપાશે?  વિધાનસભાની કાર્યવાહી તો સ્પીકર જ જોશે.

કપિલ સિબ્બલે કહ્યું કે 22 મીની રાત્રે પ્રેસ કોન્ફરન્સ થઈ હતી, જેમાં કોંગ્રેસ-એનસીપી અને શિવસેનાએ સરકાર બનાવવાની વાત કરી હતી. બધાએ કહ્યું કે ઉદ્ધવ મુખ્યમંત્રી બનશે પરંતુ ફડણવીસ સવારે પાંચ વાગ્યે મુખ્યમંત્રી બન્યા. તેમણે કહ્યું કે કટોકટીની કઇ સ્થિતિ હતી કે સવારે પાંચ વાગ્યે રાષ્ટ્રપતિ શાસન દૂર કરવામાં આવ્યું અને શપથ લીધા. ઇમરજન્સીનો ખુલાસો થવો જોઈએ.