રાજ્યસભામાં સીટ કેમ બદલી? સંજય રાઉત ભડક્યા, વેંકૈયા નાયડુને લખ્યો પત્ર, લખ્યું “હજુ પણ NDAમાં”

શિવસેનાના સાંસદ સંજય રાઉતે રાજ્યસભા ચેમ્બરમાં તેમનું સ્થાન બદલવા અંગે નારાજગી વ્યક્ત કરી છે. સંજય રાઉતે રાજ્યસભાના અધ્યક્ષ એમ.વેંકૈયા નાયડુને પત્ર લખીને કહ્યું છે કે શિવસેનાની ભાવનાઓને ઠેસ પહોંચાડવા અને પાર્ટીની અવાજને દબાવવા માટે જાણી જોઈને આ નિર્ણય લેવામાં આવ્યો છે.

સંજય રાઉતે પત્રમાં લખ્યું છે કે, એનડીએથી અલગ થવાની કોઈ ઔપચારિક ઘોષણા થઈ ન હોવાથી બિનજરૂરી કાર્યવાહીનું કારણ મને સમજાતું નથી. આ નિર્ણયથી ગૃહનું ગૌરવ પ્રભાવિત થયું છે. હું વિનંતી કરું છું કે અમેન પ્રથમ, બીજી કે ત્રીજી લાઈનમાં સીટ આપવામાં આવે અને ગૃહનું સૌજન્ય જાળવી શકાય.

હકીકતમાં, મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીઓ એક સાથે લડ્યા પછી, શિવસેનાએ જીદ્દ કરીને મુખ્ય પ્રધાનપદની માંગણી કરી અને એનસીપી-કોંગ્રેસ જોડે સરકાર બનાવવાની સંભાવનાની શોધખોળ કરીને ભાજપ સાથેનો નાતો તોડી નાંખ્યો છે. જોકે, શિવસેના રાજકીય ગણિતમાં સફળ થઈ શકી નથી અને કદી એનસીપી તો કદી કોંગ્રેસ તરફથી ચોંકાવનારા નિવેદનો આવી રહ્યા છે.

આજે પણ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી મહારાષ્ટ્રમાં શિવસેના અને એનસીપી સાથે સરકાર બનાવવાના પ્રશ્ને ‘કોઈ ટિપ્પણી નહીં’ કહીને રહસ્ય અકબંધ રાખ્યું છે. આજે એનસીપીના વડા શરદ પવાર સંસદમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પણ મળ્યા છે. જોકે સંજય રાઉતે દાવો કર્યો છે કે ગુરુવારે બપોર સુધીમાં શિવસેના-એનસીપી-કોંગ્રેસ જોડાણ વચ્ચે અંતિમ સહમતી જાહેર કરવામાં આવશે, કેમ કે સરકારની રચનામાં તમામ અવરોધો સમાપ્ત થઈ ગયા છે.