દેશના 47મા ચીફ જસ્ટીસ બન્યા એસ.એ. બોબડે, રાષ્ટ્રપતિએ લેવડાવ્યા શપથ

જસ્ટીસ શરદ અરવિંદ બોબડેએ આજે સુપ્રિમ કોર્ટના 47મા ચીફ જસ્ટીસ ઓફ ઈન્ડિયા પદના શપથ લીધા છે. તેઓ 17મી નવેમ્બરે નિવૃત્ત થયેલા ચીફ જસ્ટીસ રંજન ગોગોઈની જગ્યા લીધી છે. જસ્ટીસ બોબડેનો કાર્યકાળ 17 મહિનાનો હશે. તેઓ 23 એપ્રિલ 2021 માં નિવૃત્ત થશે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે આજે તેમને શપથ અપાવ્યા હતાં.

જસ્ટીસ બોબડેનો જન્મ 20 એપ્રિલ 1956માં મહારાષ્ટ્રના નાગપુરમાં થયો હતો. તેમણે નાગપુર યુનિવર્સિટીથી કાયદાની ડીગ્રી લીધી હતી. ત્યારપછી વર્ષ 2000માં બોમ્બે હાઈકોર્ટના એડિશનલ જજ તરીકે તેમની નિમણૂક થઈ હતી. ત્યારપછી વર્ષ 2012માં તેમણે મધ્યપ્રદેશ હાઈકોર્ટના ચીફ જસ્ટિસ તરીકે પદ સંભાળ્યું હતું. એપ્રિલ 2013માં તેમની સુપ્રિમ કોર્ટમાં નિમણૂક થઈ હતી. જસ્ટિસ બોબડે પૂર્વ સીજેઆઈ ગોગોઈ વિરૃદ્ધ યૌન શોષણના આરોપની તપાસ માટે બનાવવામાં આવેલી સમિતિમાં સામેલ હતાં.

જસ્ટીસ બોબડેના અંગત લોકોએ જણાવ્યું છે કે, તેમને બાઈક રાઈડીંગનો ખૂબ શોખ છે અને તેમને ડોગ્સ ખૂબ પસંદ છે. તેઓ ફ્રી ટાઈમમાં પુસ્તકો વાંચવાનું પસંદ કરે છે. તેઓ ઘરે ખૂબ સાદગીથી રહે છે અને આ જ સાદગી તેમની દરેક જગ્યાએ જોવા મળે છે. પૂર્વ ચીફ જસ્ટિસ ગોગોઈએ 3 ઓક્ટોબર 2018માં 46મા ચીફ જસ્ટીસ ઓફ ઈન્ડિયા તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો. તેમનો કાર્યકાળ 13 મહિના 15 દિવસનો રહ્યો. જસ્ટીસ ગોગોઈ તેમના કાર્યકાળમાં કામાખ્યા દેવીના દર્શન માટે બે વાર ગયા હતાં. તેમણે અયોધ્યા વિવાદ પર ઐતિહાસિક ચૂકાદો આપ્યો હતો. રાફેલ મુદ્દામાં પુનઃવિચાર અરજી ફગાવી હતી. ચીફ જસ્ટીસને આરટીઆઈના કાયદામાં સામેલ કર્યા.