ICC T20 રેન્કીંગ: ટીમ ઈન્ડીયાને લાગ્યો જોરદાર ઝટકો, ટોપ ટેનના લિસ્ટમાંથી બોલરો આઉટ

ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) એ નવું ટી20 રેન્કિંગ જાહેર કર્યું છે. નિશ્ચિતરૂપે આઇસીસી દ્વારા બહાર પાડવામાં આવેલા નવા રેન્કિંગમાં ભારતીય ખેલાડીઓના આંકડા તદ્દન નિરાશાજનક છે. જ્યારે બેટ્સમેન કેટેગરીમાં ભારતના ફક્ત બે બેટ્સમેન ટોપ 10માં છે, તો બીજી તરફ ટીમ ઈન્ડિયાના કોઈ બોલરો ટોપ ટેનની કેટેગરીમાં જોવા મળતા નથી. જ્યારે પાકિસ્તાનનો કેપ્ટન બાબર આઝમ ટોચનો બેટ્સમેન છે, જ્યારે અફઘાનિસ્તાનનો કેપ્ટન રાશીદ ખાન બોલરોની યાદીમાં ટોચ પર છે.

ટીમ ઈન્ડિયાના વાઇસ કેપ્ટન રોહિત શર્મા એક પગથીયું નીચે ઉતરી ગયો છે અને આઠમા ક્રમે આવ્યો છે. જ્યારે કેએલ રાહુલ પણ અગાઉના આઠમા ક્રમમાંથી નીચે ઉતરી ગયો છે. વેસ્ટ ઇન્ડીઝના ઓપનર એવિન લુઇસે તાજેતરની આઇસીસી રેન્કિંગમાં જબરદસ્ત કૂદકો લગાવ્યો છે. સાત નંબરોને ઓળંગીને સાતમા ક્રમે પહોંચી ગયો છે. ટોચના 10 બેટ્સમેનની યાદીમાં ઓસ્ટ્રેલિયા, ભારત અને ઇંગ્લેન્ડના બબ્બે બેટ્સમેનનો સમાવેશ થાય છે, જ્યારે પાકિસ્તાન, ન્યુઝીલેન્ડ, અફઘાનિસ્તાન અને વેસ્ટ ઇન્ડીઝના એક-એક બેટ્સમેનનો સમાવેશ થાય છે.

ટોચના 10 બોલરોના લિસ્ટમાં ભારતીય ખેલાડીઓની વિદાય થઈ ગઈ છે અને ટોચના બે ક્રમે, અફઘાનિસ્તાનના કેપ્ટન રાશીદ ખાને પ્રથમ સ્થાન મેળવ્યું છે અને બીજા સ્થાને મુજીબ ઉર રહેમાનનો કબજો છે. મુજીબ ઉર રેહમાન 6 સ્થાનથી કૂદીને સીધા આઠમાંથી બીજા સ્થાને પહોંચ્યો છે.

ટોચના 10 ના લિસ્ટમાં અફઘાનિસ્તાન, પાકિસ્તાન, ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડના 2-2 બોલરો શામેલ છે જ્યારે ન્યુઝીલેન્ડ અને દક્ષિણ આફ્રિકાના એક-એક બોલરનો સમાવેશ થાય છે. આઇસીસી દ્વારા જાહેર કરાયેલા નવીનતમ ટી20 રેન્કિંગ માત્ર ભારતીય ખેલાડીઓ માટે જ નહીં, પણ કરોડો ક્રિકેટના ચાહકો માટે પણ આશ્ચર્યજનક છે.