રાફેલ ડીલમાં મોદી સરકારને ક્લિનચીટ, રાહુલ ગાંધી વિરુદ્વ બદનક્ષીનો કેસ પડતો મૂકાયો

રાફેલ વિમાન ડીલને પડકારતી રીવ્યૂ પીટીશન ફગાવી દઈ સુપ્રીમ કોર્ટે મોદી સરકારને ક્લિન ચીટ આપી હતી અને આની સાથે જ સુપ્રીમ કોર્ટે ‘ચોકીદાર ચોર હૈ’ના સૂત્ર અંગે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીના નિવેદન પર તેમને સલાહ સૂચન કર્યા છે. કોર્ટે રાહુલ ગાંધીને બદનક્ષીના કેસમાં રાહત આપી છે.

સુપ્રીમ કોર્ટે રાહુલ ગાંધીની માફીનો સ્વીકાર કર્યો છે અને ભવિષ્યમાં આવા પ્રકારના નિવેદનોથી દૂર રહેવા માટેની સલાહ આપી છે. કોંગ્રેસ નેતા વિરુદ્ધ કોર્ટની અવમાનના કરવા બદલ તેમના પર છેલ્લા ઘણા સમયથી માનહાનિનો કેસ ચાલી રહ્યો હતો.

ભાજપા સાંસદ મીનાક્ષી લેખીએ રાહુલ ગાંધીના ‘ચોકીદાર ચોર હૈ’ના નિવેદનને સુપ્રીમ કોર્ટ સાથે જોડવા પર માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. રાફેલ મામલામાં મોદી સરકાર પર હુમલો કરવા માટે રાહુલ ગાંધીએ સુપ્રીમ કોર્ટને ટાંકીને આ અંગે ટિપ્પણી કરી હતી. આ તમામ વિવાદ ત્યારબાદ જ શરૂ થયો હતો.

ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ, જસ્ટિસ સંજય કિશન કૌલ અને જસ્ટિસ કે એમ જોસેફની ખંડપીઠે રાહુલ ગાંધી વિરુદ્ધના માનહાનિ કેસ પર સુનાવણી પૂર્ણ કરી. ગુરૂવારના રોજ સુપ્રીમ કોર્ટે સુનાવણી દરમિયાન કહ્યું કે, ‘મિસ્ટર રાહુલ ગાંધીએ ભવિષ્યમાં વિચારીને અને સંભાળીને બોલવાની જરૂર છે.’ સુપ્રીમ કોર્ટે રાહુલ ગાંધીને સલાહ આપી કે ભવિષ્યમાં કોર્ટ સાથે સંકળાયેલા કોઈ પણ મામલામાં કોઈ પણ પ્રકારનું રાજકીય ભાષણ આપવામાં સતર્કતા વર્તવી.

આ વિવાદ થયો તે સમયે રાહુલ ગાંધી કોંગ્રેસના અધ્યક્ષ તરીકે ફરજ બજાવી રહ્યા હતા તે સમયે તેમણે એક ભાષણ દરમિયાન કહ્યું હતું કે ‘સુપ્રીમ કોર્ટે એક વાત સ્પષ્ટ કરી દીધી છે કે ચોકીદારે જ ચોર છે. સુપ્રીમ કોર્ટનું માનવું છે કે રાફેલ મામલામાં ક્યાંકને ક્યાંક તો ભ્રષ્ટાચાર થયો જ છે.’ રાહુલ ગાંધીના આ નિવેદન બાદથી વિવાદોનો વંટોળ શરૂ થયો હતો.