ઉદ્વવ ઠાકરેએ કહ્યું” કોંગ્રેસના નેતાઓ સાથે શું વાત થઈ એ કેવી રીતે કહી શકાય”

શિવસેનાના નેતા ઉદ્ધવ ઠાકરેએ બુધવારે બપોરે કોંગ્રેસના નેતાઓ સાથે વાત કરી હતી. ઉદ્ધવ ઠાકરેએ કોંગ્રેસના નેતાઓ સાથે હોટલમાં મુલાકાત કર્યા બાદ બહાર આવ્યા ત્યારે તેમણે માત્ર એટલું કહ્યું કે કોંગ્રેસના નેતાઓની સાથે શું વાત થઈ તે હું તમને કેવી રીતે કહી શકું? તમને જણાવી દઈએ કે એનસીપી, કોંગ્રેસ અને શિવસેના બધા મીનીમમ કોમન પ્રોગ્રામ બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.

મહારાષ્ટ્રમાં દર મીનીટે સત્તાનું ગણિત બદલાતું રહે છે. શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેની કોંગ્રેસના નેતાઓ સાથેની મુલાકાત મુંબઈની ટ્રાઇડન્ટ હોટલમાં થઈ હતી. આમાં સરકારની રચનાને લઈ વાતચીત આગળ વધી હોવાની સંભાવના છે. ઉદ્ધવ ઠાકરેએ કોંગ્રેસની કોઓર્ડિનેશન કમિટી સાથે બેઠક કરી હતી. જેમાં કોમન મનીમમ પ્રોગ્રામ અંગેની વાતને અંતિમ ઓપ આપવામાં આવી હોવાની ધારણા છે.

શિવસેનાના નેતા સંજય રાઉત લીલાવતી હોસ્પિટલમાંથી બહાર આવ્યા છે. હોસ્પિટલમાંથી બહાર આવતાની સાથે જ સંજય રાઉતે કહ્યું છે કે તેમની તબિયત હવે ઠીક છે અને તેઓ કામ પર પાછા ફર્યા છે. તેમણે કહ્યું કે એક વાત ચોક્કસ છે કે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન શિવસેનાના હશે.

બીજી તરફ કોંગ્રેસના ધારાસભ્યોએ કહ્યું છે કે હાઈકમાન્ડ જે પણ નિર્ણય લેશે, અમે તેને સ્વીકારીશું. આ ધારાસભ્યો છેલ્લા કેટલાક દિવસોથી જયપુરના રિસોર્ટમાં રોકાયા હતા. જોકે કેટલાક ધારાસભ્યોએ સીધા કહ્યું હતું કે શિવસેના સાથે મળીને સરકાર બનાવવી જોઈએ, વિચારધારા આગળ આવશે નહીં. ધારાસભ્યોનું કહેવું છે કે તેઓ ભાજપને દૂર રાખવા કોઈપણની સાથે જશે.

મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ થયા બાદ ભાજપે ત્રણ દિવસીય બેઠક બોલાવી છે. ભાજપની આ બેઠકમાં મહારાષ્ટ્ર ભાજપના તમામ ધારાસભ્યો સામેલ થશે, આ બેઠક મુંબઇમાં થશે. જેમાં મધ્યાવધિ ચૂંટણીઓ જેવા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે.

બીજી તરફ, કોંગ્રેસના ધારાસભ્યો કે જે લાંબા સમયથી જયપુરમાં રહ્યા છે, તેઓ હવે મુંબઇ જવા માટે રવાના થયા છે. કોંગ્રેસે તેના તમામ ધારાસભ્યોને જયપુરના એક રિસોર્ટમાં રાખ્યા હતા.