સુપ્રીમ કોર્ટનો મોટો ફેંસલો, હવે ચીફ જસ્ટીસની ઓફીસ પણ આવશે RTIના દાયરામાં

સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશની કચેરી પણ માહિતી અધિકાર (આરટીઆઈ) ના કાર્યક્ષેત્રમાં આવશે. જો કે, પ્રાઈવસી સહિત અન્ય બાબતોમાં ગોપનીયતાનો અધિકાર રહેશે. મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈની અધ્યક્ષતાવાળી બંધારણીય બેંચે બહુમતીથી આ ફેંસલો આપ્યો હતો.

આ ફેંસલો ન્યાયાધીશ સંજીવ ખન્નાએ લખ્યો હતો અને મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઇ અને ન્યાયાધીશ રમ્મનાએ સંમતિ આપી હતી. જોકે, સુપ્રીમ કોર્ટ અને ચીફ જસ્ટીસની કચેરી કેટલીક શરતો સાથે આરટીઆઈના દાયરામાં આવશે. એટલે કે સુપ્રીમ કોર્ટે દિલ્હી હાઈકોર્ટના નિર્ણયને સમર્થન આપ્યું છે.

સુપ્રીમ કોર્ટના આ નિર્ણય બાદ હવે કોલેજિયમના નિર્ણયો સુપ્રીમ કોર્ટની વેબસાઇટ પર મુકવામાં આવશે. ચુકાદો વાંચતા જસ્ટિસ રમ્મનાએ કહ્યું કે આરટીઆઈનો જાસૂસીના માધ્યમ તરીકે ઉપયોગ કરી શકાતો નથી.

સુપ્રીમ કોર્ટે પોતાના નિર્ણયમાં કહ્યું છે કે આરટીઆઈ હેઠળ પારદર્શિતામાં વધારો થશે. ન્યાયિક સ્વાયત્તતા, પારદર્શિતાને મજબૂત બનાવશે. કોર્ટે કહ્યું કે કોઈ પણ વ્યક્તિ કાયદાથી પર નથી, સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ પણ નથી.

સુપ્રીમ કોર્ટની બંધારણીય બેંચે દિલ્હી હાઈકોર્ટના નિર્ણયને પડકારતી અરજી પર આ ચૂકાદો જાહેર કર્યો છે. આ વર્ષે એપ્રિલમાં સુપ્રીમ કોર્ટે આ કેસમાં પોતાનો આદેશ સુરક્ષિત રાખ્યો હતો.

લગભગ એક દાયકા પહેલા, દિલ્હી હાઇ કોર્ટે ચુકાદો આપ્યો હતો કે ચીફ જસ્ટીસની ઓફીસ અને સુપ્રીમ કોર્ટને આરટીઆઈ હેઠળ માહિતી દેશના અન્ય જાહેર સંસ્થાઓની જેમ જ આપવી જોઈએ. 2007માં કાર્યકર્તા સુભાષચંદ્ર અગ્રવાલે ન્યાયાધીશોની સંપત્તિ જાણવા આરટીઆઇ દાખલ કરી હતી.

જ્યારે આ મામલે માહિતી નકારી કાઢવામાં આવી ત્યારે આ મામલો સેન્ટ્રલ ઇન્ફર્મેશન કમિશનર સુધી પહોંચ્યો. સીઆઈસીએ માહિતી માંગી. આ પછી આ મામલાને દિલ્હી હાઈકોર્ટમાં પડકારાવામાં આવ્યો હતો. દિલ્હી કોર્ટે આદેશને યથાવત રાખ્યો હતો.

2010માં સુપ્રીમ કોર્ટના જનરલ સેક્રેટરી અને સુપ્રીમ કોર્ટના કેન્દ્રીય જાહેર માહિતી અધિકારી, હાઇકોર્ટના આ આદેશની વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં ગયા હતા.