ભાજપ સરળતાથી શા માટે મહારાષ્ટ્રની સત્તા નહીં છોડે?

છેલ્લાં પાંચ વર્ષમાં ભાજપે મહારાષ્ટ્રમાં રાજકીય, સામાજિક અને આર્થિક દ્રષ્ટિએ સૌથી વધુ રોકાણ કર્યું છે. આમાં પાયાભૂત સુવિધા, ખેડૂતોની લોનમાફી, મરાઠા આરક્ષણ, દલિત-આદિવાસી યોજના અને દુકાળના નિવારણ માટે નદીજોડ યોજના વગેરેનો સમાવેશ છે. આ માટે કેન્દ્ર સરકારે મોટાપાયે મદદ કરી છે. રાજ્યમાં ભાજપની સરકાર નહીં આવે તો પણ મહારાષ્ટ્રને કેન્દ્ર તરફથી મદદ મળવાનું ચાલુ જ રહેશે એની કોઇ ખાતરી નથી. આ સિવાય નજીકના ભવિષ્યમાં દેશભરમાં વિકાસનું મૉડેલ દેખાડવું હોય તો મહારાષ્ટ્ર જેવું અન્ય બીજુ કોઇ રાજ્ય ભાજપ પાસે નથી.

મહારાષ્ટ્ર જેવા રાજયમાં હાથમાંથી સત્તા જાય તો ભાજપને મોટો ફટકો પડશે એમાં કોઇ શંકા નથી. કર્ણાટક, ગોવા, મણિપુર, ઉત્તરાખંડ, તમિળનાડુ, ત્રિપુરા જેવા રાજ્યમાં એડી-ચોટીનું જોર લગાવીને સત્તા મેળવનાર ભાજપ મહારાષ્ટ્રમાં શાંતિથી બેસી રહે એ વાત ગળે ઊતરે એવી નથી. આથી મુખ્ય પ્રધાનપદ પરથી દેવેન્દ્ર ફડણવીસે રાજીનામું આપ્યું હોવા છતાં રાજ્યમાં ભાજપ સરકાર જ સત્તામાં આવશે એવો વિશ્વાસ વ્યકત થઇ રહ્યો છે.

મહાગઠબંધનના સમગ્ર રાજકીય નાટકમાં સૌથી વધુ બેઠકો જીતનાર ભાજપ પણ સક્રિય દેખાઈ રહ્યો હતો.મુંબઈમાં દેવેન્દ્ર ફડણવીસના નિવાસ સ્થાને ભાજપ કોર કમિટીના થોડા કલાકોમાં જ બે બેઠક મળી હતી. આ બેઠક બાદ ભાજપના નેતા સુધીર મુનગંટીવારે જણાવ્યું હતું કે અમે આખી પરિસ્થિતિ જોઈ રહ્યા છીએ અને જે બનશે તે તમામ ઘટનાઓ પર અમે નજર રાખી રહ્યા છીએ. સુધીર મુનગંટીવારે જણાવ્યું કે અમે વેઈટ એન્ડ વોચ’ ની ભૂમિકા નિભાવવાનું નક્કી કર્યું છે.

ભાજપમાં પણ મીટીંગોનો દૌર ચાલી રહ્યો છે. શિવસેનાને વધુ સમય આપવાનો ઈન્કાર અને એનસીપીને સરાકર બનાવવા માટે આમત્રણ આપવા સહિતની ઘટનાઓ પર ભાજપની ચાંપતી નજર છે. જો શિવસેનાને કોંગ્રેસ અને એનસીપીનું સમર્થન નહીં મળે તો ભાજપની ભૂમિકા ફરી એકવાર મહત્વપૂર્ણ બની જશે અને સત્તાની ચાવી ફરી તેના હાથમાં આવી શકે છે.  શિવસેના, એનસીપી અને કોંગ્રેસ વચ્ચે પાકી રહેલી ખીચડી પર ભાજપ માત્ર નજર રાખી રહ્યું છે, પરંતુ સક્રિય પણ છે. આજે ફરી વાર ભાજપે પાર્ટી કોર કમિટીની ફરીથી બેઠક બોલાવી છે.