ભગવી પાર્ટીઓમાં ભંગાણ: શિવસેના-NCP સાથે, કોંગ્રેસનો ટેકો, ઉદ્વવ CM? Dy.CM અજીત પવાર?

મહારાષ્ટ્રમાં બે ભગવા પાર્ટીમાં ભાગલા થયા છે. ભાજપ અને શિવસેના વચ્ચેનું 30 વર્ષ જૂનું ગઠબંધન તૂટી ગયું છે. મોદી સરકારમાંથી શિવસેનાનાં ક્વોટામાંથી મંત્રી બનેલા અરવિંદ સાવંતે રાજીનામું આપી જાહેરાત કરી છે કે શિવસેના હવે એનડીએમાંથી બહાર આવી ગઈ છે. 30 વર્ષમાં બીજી વાર ભાજપ અને શિવસેનાના રસ્તા અલગ અલગ થયા છે.

શિવસેના દ્વારા સરકાર રચવાના ચક્રોગતિમાન કરવામાં આવ્યા છે અને એનસીપીના સમર્થનથ સરકાર રચવા માટે દાવો કરવામાં આવશે. ઉદ્વવ ઠાકરેને મુખ્યમંત્રી બનાવવામાં આવે તેવી શક્યતા જોવા મળી રહી છે. કોંગ્રેસ બહારથી સમર્થન આપે છે કે સરકારમાં જોડાય છે તે વિશેનો નિર્ણય આજ સાંજ સુધીમાં થાય તેવી શક્યતા છે.

શિવસેનાને અચાનક રાહુલ ગાંધી ઉપર પ્રેમ ઉભરાયો છે અને ‘સામના’માં રાહુલ ગાંધીના ભરપૂર વખાણ કરવામાં આવ્યા છે. લખાયુ છે કે, સુપ્રીમ કોર્ટના ફેંસલાનુ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ અત્યંત શાલીનતાથી સ્વાગત કર્યુ. એ નિર્ણયનું સન્માન કરવાની તેમણે કરેલી જાહેરાત ઉદારતાવાદી છે. શિવસેનાના મુખપત્રમાં રાહુલના ઘણા લાંબા સમય પછી વખાણ થયા છે. સવાલ ઉઠે છે કે આનો અર્થ એ છે કે મહારાષ્ટ્રમાં હવે શિવસેના કોંગ્રેસનો પણ ટેકો લેશે.

સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર એનસીપી સાથે થયેલી ડીલ અનુસાર શિવસેના પ્રમુખ ઉદ્ઘવ ઠાકરે પોતે જ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી બની શકે છે. શરદ પવારના ભત્રીજા અજિત પવારને નાયબ મુખ્યમંત્રીનું પદ મળી શકે છે. જયંત પાટિલને ગૃહમંત્રીનું પદ આપી શકાય છે. સરકારને ટેકો આપવાના બદલામાં કોંગ્રેસને વિધાનસભા અધ્યક્ષનું પદ આપી શકે છે.

સૂત્રો અનુસાર શિવસેના પ્રમુખ ઉદ્ઘવ ઠાકરે અને એનસીપી પ્રમુખ શરદ પવાર વચ્ચે થયેલી વાટાધાટોમાં મંત્રીમંડળનું સ્વરૂપ પણ ફાઈનલ થઈ ચૂકયું છે. શિવસેના રાજયસભા સાંસદ સંજય રાઉતે રવિવારે સાંજે જણાવ્યું કે, પાર્ટી અધ્યક્ષ ઉદ્ઘવ ઠાકરેએ જણાવ્યું કે, હવે પછીનો મુખ્યમંત્રી શિવસેનાનો બનશે. તેમણે એક વખત કહી દીધું એટલે સમજી લો કે કોઈ પણ કિંમતે બનશે.

જો ઉદ્ઘવ ઠાકરે પોતે મુખ્યમંત્રીનું પદ સંભાળે છે તો આ પ્રથમ ઘટના હશે જયારે ઠાકરે પરિવારનો કોઈ સભ્ય સરકારમાં સામેલ થશે. જોકે, મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં ઉદ્ઘવે આદિત્ય ઠાકરેને ઉતારીને સંકેત આપી દીધો હતો કે તેઓ હવે પરિવારની આ પરંપરાને તોડવા માગે છે. શિવસેનાના સંસ્થાપક બાલાસાહેબ ઠાકરે અગાઉ કહેતા હતા કે તેમના પરિવારમાંથી કોઈ પણ સરકારમાં જોડાશે નહીં. તેમના જીવતા રહેવા સુધી શિવસેનાના અન્ય નેતાઓ જ કેન્દ્ર કે રાજયની સરકારમાં ભાગીદાર રહ્યા છે.