ડીલ ફાઈનલ: મહારાષ્ટ્રમાં શિવસેનાને કોંગ્રેસ આપશે બહારથી શરતી ટેકો, માંગ્યુ સ્પીકરનું પદ

મહારાષ્ટ્રમાં શિવસેના દ્વારા સરકારની રચના કરવાની ગતિવિધિઓએ ખાસ્સું સસ્પેન્સ જગાવ્યું હતું. કોંગ્રેસ અને એનસીપીનું સમર્થન મેળવવા માટે શિવસેના પ્રમુખ ઉદ્વવ ઠાકરેએ એનસીપી ચીફ શરદ પવાર સાથે વાતચીત કરી હતી. ત્યાર બાદ કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધી સાથે ફોન પર વાત કરી હતી.

કોંગ્રેસે નિર્ણય કર્યો છે કે મહારાષ્ટ્રમાં શિવસેના સરકારને બહારથી સમર્થન આપશે. અગાઉ 14-14 મંત્રી અને બે ડેપ્યુટી સીએમની ફોર્મ્યુલા અંગે સૂત્રોએ માહિતી આપી હતી પણ હવે કોંગ્રેસ શિવસેના-એનસીપીને બહારથી સમર્થન આપશે એવું સૂત્રોએ જણાવ્યું છે. કોંગ્રેસ પર કેરળ કોંગ્રેસનું ભારે પ્રેશર હતું કે શિવસેનાને ટેકો આપવામાં આવે નહીં. કારણ કે કોંગ્રેસની પરંપરાગત વોટ બેન્ક મુસ્લિમ અને દલિતો અને ઉત્તર ભારતીયો નારાજ થઈ શકે છે.

કોંગ્રેસના નેતા મલ્લિકાર્જુન ખડગે અને અહેમદ પટેલે ધારાસભ્યો સાથેના પત્રો સોનિયા ગાંધીને સુપરત કર્યા હતા. એવું કહેવાય છે કે મહારાષ્ટ્ર કોંગ્રેસના ધારાસભ્યોએ પણ શિવસેનાને સપોર્ટ આપવાનું જણાવ્યું હતું. કોંગ્રેસે શરતી ટેકો આપ્યો છે અને લટકામાં સ્પીકરનું પદ માંગ્યું છે.

રાજ્યપાલ કોશ્યારીએ શિવસેનાને આજે સાંજે સાડા સાત વાગ્યા સુધી બહુમતિના આંકડા સાથે સરકાર રચવાનો દાવો કરવાનો આદેશ આપ્યો હતો. શિવસેનાએ આજ દિવસભર સરકાર માટેની કવાયત હાથ ધરી હતી. શિવસેનાના ધારાસભ્યો સાથે આદિત્ય ઠાકરેએ આખી રાત મીટીંગ કરી હતી અને સતત  ચર્ચા વિચારણા કરી હતી.

બીજી તરફ ભાજપની કોર કમિટીની મીટીંગ કાર્યકારી મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના નિવાસે ચાલી હતી. ભાજપના ટોચના નેતાઓ તેમાં જોડાયા હતા. કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ સોનિયા ગાંધીએ મહારાષ્ટ્ર કોંગ્રેસના નેતાઓને દિલ્હી તેડાવ્યા હતા. જેમાં પૂર્વ મુખ્યમંત્રી સુશીલ કુમાર શિંદે, પૃથ્વીરાજ ચૌહાણ અને અશોક ચૌહાણ ઉપરાંત મહારાષ્ટ્ર કોંગ્રેસ કમિટીના પ્રમુખ બાલા સાહેબ થોરાટનો સમાવેશ થાય છે.

કોંગ્રેસના નેતા સંજય નિરૂપમે ત્રણ પક્ષો સાથેની ગઠબંધનવાળી સરકાર અંગે કહ્યું કે આ સરકાર લાંબી ચાલશે નહી અને શિવસેનાને ટેકો આપવાનો નિર્ણય કોંગ્રેસ માટે આત્મઘાતી બન્યા વગર રહેશે નહીં. શું કોંગ્રેસ હવે શિવસેના સાથે ગઠબંધન કરીને ચૂંટણી લડશે.

શિવસેનાને ટેકો આપવા મામલે મહારાષ્ટ્ર કોંગ્રેસની નેતાગીરી બે ભાગમાં વહેંચાયેલી જોવા મળી હતી. એનસીપીએ સ્પષ્ટ કર્યું હતું કે કોંગ્રેસ નિર્ણય કરશે ત્યાર બાદ જ એનસીપી પોતાનો નિર્ણય જાહેર કરશે. કોંગ્રેસ-એનસીપીમાં પહેલે આપ, પહેલે આપ જેવી રમત જોવા મળી હતી.

શિવસેનાના નેતા સંજય રાઉતને તકલીફ થતાં તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા તે પહેલાં રાઉતે ભાજપ પર નિશાન સાધી કહ્યું કે કેન્દ્ર સરકાર મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવાની ફિરાકમાં છે અને રાજ્યપાલે શિવસેનાને સરકાર રચવા માટે પૂરતો સમય આપ્યો નથી. જે સમય આપ્યો છે તે ઓછો પડી શકે છે.