મહારાષ્ટ્રમાં મહાસંકટ: ભાજપ સરકાર નહીં બનાવે, રાજ્યપાલને આપી જાણકારી

હવે મહારાષ્ટ્રમાં સરકારની રચનાનું મહાસંકટ બની ગયું છે. ભાજપે સરકાર બનાવવાની ના પાડી દીધી છે. ભાજપના નેતાઓ તેમના વરિષ્ઠ નેતાઓ સાથેની બેઠક બાદ રાજ્યપાલને મળ્યા હતા.

રાજ્યપાલને મળ્યા બાદ મહારાષ્ટ્ર ભાજપનાં પ્રમુખ ચંદ્રકાંત પાટીલે કહ્યું કે શિવસેનાએ આદેશનું અપમાન કર્યું છે. અમે સરકાર બનાવવાની સ્થિતિમાં નથી. શિવસેના ઈચ્છે તો કોંગ્રેસ અને એનસીપીની સાથે સરકાર બનાવી શકે છે. કાર્યકારી મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ, ચંદ્રકાંત પાટીલ, વિનોદ તાવડે અને પંકજા મુંડે સહિત અનેક અગ્રણી નેતાઓએ રાજ્યપાલ સાથે મુલાકાત કરી હતી.

ચંદ્રકાંત પાટીલે કહ્યું કે, ‘તાજેતરની વિધાનસભા ચૂંટણીમાં ભાજપ અને શિવસેનાએ સાથે ચૂંટણી લડી હતી. રાજ્યના લોકોએ ખૂબ જ સરસ આદેશ આપ્યો હતો. આ આદેશ સરકાર બનાવવા માટે પૂરતો હતો. ગઈકાલે રાજ્યપાલે અમને સૌથી મોટા પક્ષ તરીકે સરકાર બનાવવા આમંત્રણ આપ્યું હતું. પરંતુ આદેશનો અનાદર કરતાં શિવસેનાએ સરકાર નહીં બનાવવાની ઇચ્છા વ્યક્ત કરી હતી.

તેમણે કહ્યું અમે એકલા સરકાર બનાવવાની સ્થિતિમાં નથી. અમે રાજ્યપાલને જાણ કરી છે. શિવસેના ઇચ્છે તો એનસીપી અને કોંગ્રેસ સાથે મળીને સરકાર બનાવી શકે છે. અમે બધાને શુભેચ્છા પાઠવીએ છીએ.

જ્યારે સૂત્રો કહે છે કે શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે મતોશ્રીમાં તેમના પક્ષના વરિષ્ઠ નેતાઓ સાથે બેઠક યોજી રહ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે બેઠક બાદ શિવસેના તરફથી મોટી જાહેરાત કરવામાં આવી શકે છે.