અંબાજીઃ પ્રજ્ઞાચક્ષુ બે શિક્ષકોએ બે મહિના સુધી પ્રજ્ઞાચક્ષુ બે છાત્રા સાથે કર્યું દુષ્કર્મ

પાટણના કલંકિત પીટીસીકાંડની યાદ અપાવતી ઘટના અંબાજીની ખાનગી પ્રજ્ઞાચક્ષુ વિદ્યાલયમાં બની હોવાનું બહાર આવતાં ખળભળાટ મચી ગયો છે. ધો.૯માં અભ્યાસ કરતી ૧૫ વર્ષની અંધ છાત્રા ઉપર શાળાના જ બે પ્રજ્ઞાચક્ષુ શિક્ષકોએ બે-બે મહિના સુધી દુષ્કર્મ આચર્યું હતું અને તેમના કરતૂતો અંગે છાત્રાએ શાળાના અન્ય શિક્ષકોનું ધ્યાન દોરવા છતાં પોલીસ કાર્યવાહીના બદલે સંચાલકે દુષ્કર્મ આચનારા શિક્ષકો જયંતિ ઠાકોર અને ચમન ઠાકોરને શાળામાંથી હાંકી કાઢી સમગ્ર ઘટના ઉપર પડદો પાડી દીધો હતો. બે-બે મહિના સુધી શાળામાં પારેવાની જેમ ફફડતી અંધ છાત્રા દિવાળી વેકેશનમાં ઘરે ગયા પછી પરત જવા ઇન્કાર કરતાં પરિવારજનોએ કરેલી પૂછપરછમાં તેની સાથે બે શિક્ષકોએ આચરેલી હેવાનિયતનું વર્ણન કરતાં પરિવારજનો સમસમી ગયા હતા અને સોમવારે સાંજે અંબાજી પોલીસ મથકમાં બંને હવસખોર શિક્ષકો સામે દુષ્કર્મ સહિતની ફરિયાદ નોંધાવી હતી.

અંબાજીના કુંભારિયા નજીક આવેલી નવોદય વિકલાંગ વિકાસ ટ્રસ્‌ટ સંચાલિત પ્રજ્ઞાચક્ષુ વિદ્યાલયમાં રાધનપુરની ૧૫ વર્ષિય સગીરાએ ગત જુલાઇ માસથી ધોરણ-૯માં પ્રજ્ઞાચક્ષુ લિપિ અને સંગીતનો અભ્યાસ કરવા એડમિશન લીધું હતું અને અહીં જ હોસ્ટેલમાં રહેતી હતી. દરમિયાન, ૧ ઓગસ્ટથી ૨૦ ઓક્ટોબર સુધી ભાદરવા મહિનામાં રામાપીરના નોરતા દરમિયાન સંગીતના રૂમમાં શિક્ષક જયંતિ વિરચંદભાઇ ઠાકોરે દુષ્કર્મ આચર્યું હતું. જેના ત્રણ દિવસ બાદ બીજા શિક્ષક ચમન મૂળાજી ઠાકોરે તેણીને સંગીતરૂમમાં લઇ જઇ તેણે પણ હવસ સંતોષી હતી. આટલેથી આ નરાધમો અટક્યા નહીં અને નવરાત્રિના પ્રથમ નોરતાના આગલા દિવસે શિક્ષક ચમન ઠાકોરે છોકરીઓના રૂમમાં જઈ અને સાતમા નોરતે તેણીને ઉપવાસ હોવા છતાં શિક્ષક જયંતિ ઠાકોરે સંગીતરૂમમાં લઇ જઇ દુષ્કર્મ આચર્યું હતું.

આથી ગભરાઇ ગયેલી છાત્રાએ શિક્ષક અને છાત્રાના પવિત્ર સંબંધોને લજવનારા બે શિક્ષકોના કારસ્‌તાન અંગે તેણીએ શાળાના જ શિક્ષક રાહુલભાઇ, લલિતભાઇ અને માધવભાઇને જાણ કરી હતી. ત્યાર બાદ આ ઘટનાક્રમ અટક્યો હતો અને પછી પરીક્ષા પૂરી થતાં શાળાના સંચાલક લલ્લુભાઇ પ્રજાપતિએ ૨૦ ઓક્ટોબરના રોજ ફોનથી તેણીના પરિવારને દિવાળી વેકેશન હોઇ લઇ જવા જાણ કરી હતી.

છાત્રા દિવાળી વેકેશનમાં વતન ગઈ ત્યારે પરત સ્કૂલમાં જવાની ના પાડતાં તેની કાકીએ પૂછપરછ કરી હતી. જેમાં શાળાના બે શિક્ષકોએ તેની સાથે આચરેલા દુષ્કર્મની હકીકત જણાવતાં પરિવારજનો હચમચી ગયા હતા અને બંને નરાધમ શિક્ષકો જયંતિ ઠાકોર અને ચમન ઠાકોરને પાઠ ભણાવવા સોમવારે અંબાજી પોલીસ મથકમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી.

બાળકી પર દુષ્કર્મ ગુજારનારા ૨ શિક્ષકો પૈકી ચમન ઠાકોર નિવૃત્ત શિક્ષક છે અને નિવૃત્તિ બાદ આ શાળામાં સંગીત શિક્ષક તરીકે જોડાયો હતો. જેણે સંગીતરૂમમાં અને છોકરીઓના રૂમમાં બાળકીને લઈ જઈ ૨ વાર દુષ્કર્મ આચર્યું હતું.

ચારિત્ર્યહનનનો નગ્ન ખેલ જે સરસ્વતીના ધામમાં ખેલાયો તે પ્રજ્ઞાચક્ષુ શાળામાં ૩૫ માસૂમ બાળકો અભ્યાસ કરે છે. જેમાં ૬ દીકરીઓ છે. અહીં જન્મથી અંધ બાળકોને બ્રેઇલ લિપિ અને સંગીત શિખવવામાં આવતું હતું.

સંસ્થાના મંત્રી એલ.બી.પ્રજાપતિએ કહ્યું કે, શાળાના શિક્ષકો દ્વારા જ સગીરા પર બળાત્કાર થયો હોવાનું બહાર આવતાં બંને શિક્ષકને તાત્કાલિક ડિસમિસ કરી દીધા હતા.

શિક્ષણ જગતને કલંકિત કરનારી ઘટનામાં સ્કૂલ સંચાલકોની સમગ્ર ઘટનાને ડામી દેવાની કોશિશ સામે આવી છે. પ્રજ્ઞાચક્ષુ શાળાના મંત્રી એલ.બી. પ્રજાપતિએ જણાવ્યું કે, આ ઘટનાથી હું દુઃખી છું. ટ્રસ્‌ટને જ્યારે જાણ થઈ એવી તરત વાલીને જાણ કરી હતી અને બંને શિક્ષકોને કાઢી મુકાયા હતા. પોલીસ ફરિયાદ કેમ ન કરી તે અંગે પૂછતાં મંત્રીએ જણાવ્યું કે, પરિવારને જાણ કરી હતી અને અમે પોલીસ ફરિયાદમાં પૂરતો સહકાર આપ્યો છે. બીજીતરફ વાલીઓએ જણાવ્યું કે, શાળાના સંચાલકે ઘટના બની તે અંગે કંઈ કહ્યું ન હતું. માત્ર વેકેશનમાં બાળકીને લેવા આવવા કહ્યું હતું.

આ ઘટનામાં શાળા સંચાલકોએ દુષ્કર્મી શિક્ષકો તરફે આક્રમક વલણ અપનાવવાના બદલે અત્યંત જધન્ય કૃત્યને દબાવી આરોપીઓને ભાગી જવામાં પૂરતી મદદ કરી હોવાનો સૂર ઉઠયો છે. જાગૃત લોકોનું કહેવું છે કે, સંચાલકોએ જે- તે વખતે જ પોલીસનું ધ્યાન દોર્યુ હોત તો આ આરોપીઓ જેલના સળિયા ગણતા હોત.

અંબાજી પોલીસ સૂત્રોએ જણાવ્યું કે, હાલમાં દિવાળી વેકેશન ચાલતું હોઇ જ્યાં ઘટના ઘટી હતી તે ઘટના સ્થળની મુલાકાત લઇ પંચનામું કર્યું છે. બંને શિક્ષકોની ધરપકડની કાર્યવાહી હાથ ધરી છે.