ગુજકોટોકને રાષ્ટ્રપતિની મંજુરી, પોલીસને મળ્યા અબાઘિત અધિકારો, જાણો વધુ

ગૃહ રાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું છે કે ગુજરાત જેવા સરહદી રાજ્યમાં આતંકવાદ સહિત સંગઠિત ગુનાખોરીનું નિયંત્રણ થાય તે માટે ગુજરાત આતંકવાદી કૃત્ય અને સંગઠિત ગુના નિયંત્રણ કાયદા વિધેયકને રાષ્ટ્રપતિએ મંજૂરી આપી છે જેના કારણે રાજ્યની સુરક્ષામાં નોંધપાત્ર વધારો થશે અને પોલીસ અધિકારીઓને પુરતું બળ પણ મળશે.

ગૃહ મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ ઉમેર્યુ કે, સંગઠીત ગુના ખોરી કે જેને કોઇ રાષ્ટ્રીય સિમાઓ લાગુ પડતી નથી તેને નિવારવા માટે ગુજરાતને આગવો કાયદો મળી રહે તે માટે ગુજરાત સરકારે વિધાનસભામાં કાયદો પસાર કર્યો છે જેને આજે મંજૂરી મળી છે. આ કાયદાના અમલથી સોપારી આપવી (કોન્ટ્રાક્ટ કિલીંગ), ધાક ધમકીથી પૈસા પડાવવા, પ્રતિબંધિત માલની દાણચોરી કરવી, ગેરકાયદે કેફી દ્રવ્યોનો વેપાર કરવો, ખંડણી માટે અપહરણ કરવા, રક્ષણ માટે નાણાં વસુલવા, નાણાંકીય લાભો મેળવવા માટે લોકોને છેતરવાના આશયથી પોન્ઝિ સ્કીમ (કપટયુક્ત યોજના) અથવા મલ્ટી લેવલ માર્કેટીંગ સ્કીમ ચલાવવા જેવા ગુનાઓ નિયંત્રીત થશે.

આ ઉપરાંત કોઇપણ સ્વરૂપે થતાં સાયબર ગુનાઓ પ્રત્યે નિયંત્રણની સાથે સાથે સરહદની પેલે પાર ત્રાસવાદી સંગઠનો દ્વારા નાર્કો ત્રાસવાદને જે ઉત્તેજન આપવામાં આવે છે તેનું પણ નિયંત્રણ થશે. સંગઠિત ગુનાખોર સિન્ડીકેટ તેમની ગુનાહિત પ્રવૃત્તિઓમાં ટેકનોલોજીનો જે ઉપયોગ કરીને સંદેશાવ્યવહારનો ઉપયોગ કરે છે તે સંદર્ભેની તપાસમાં તથા પુરાવો એકત્રિત કરવામાં પણ કાયદાનું પીઠબળ મળવાથી સફળતા મળશે.

પ્રદિપસિંહ જાડેજાએ ઉમેર્યુ કે, ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરિઝમ એન્ડ ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ એક્ટ (GUJCTOC)ને મંજૂરી મળતાં રાજ્યના પોલીસ અધિકારીઓને વધુ સત્તાઓ મળશે તથા ગુના નિયંત્રણ માટે વિશ્વાસ દ્રઢ બનશે. આ કાયદાની વિવિધ કલમોમાં આતંકવાદી કૃત્યો અને સંગઠિત ગુના માટે શિક્ષાની જોગવાઇ કરાઇ છે. સાથે સાથે સંગઠિત ગુના સિન્ડીકેટના સભ્યો વતી બિન હિસાબી મિલકતનો કબજો ધરાવવા માટે શિક્ષાની જોગવાઇ કરાઇ છે. ઉપરાંત ગુનાની ઇન્સાફી કાર્યવાહી માટે વિશેષ કોર્ટની રચના અને વિશેષ કોર્ટની હકુમત માટેની જોગવાઇ કરાઇ છે.

વિવિધ ગુના સંબંધમાં વિશેષ કોર્ટની સત્તાની જોગવાઇ પણ છે. પબ્લીક પ્રોસિક્યુટર, વધારાના પબ્લીક પ્રોસિક્યુટર અને ખાસ પબ્લિક પ્રોસીક્યુટર નિમણૂક કરાશે જે આતંકવાદીને લગતા તથા સંગઠિત ગુના નિયંત્રણના કેસો જ લડશે. ઉપરાંત કાયદાકીય કાર્યવાહી કરવા માટે વિશેષ કોર્ટની રચના કરાશે. જો આવી કોર્ટો કાયદાકીય કાર્યવાહી કરી શકે તેમ ન હોય તો તે નિયમીત કોર્ટને તબદીલ કરી શકાશે. વિશેષ કોર્ટની રચના ન થાય ત્યાં સુધી આ ગુનાઓ સામે કાયદાકીય કાર્યવાહી કરવાની સત્તાઓ ડિવીઝન સેશન્સ કોર્ટ પાસે રહેશે. વિશેષ કોર્ટના હુકમ સામે અપીલની પણ જોગવાઇ કાયદામાં કરાઇ છે.

આતંકવાદ તથા સંગઠિત ગુના સંદર્ભે સંદેશા વ્યવહારને આંતરીને મેળવાયેલ પુરાવા ગ્રાહ્ય રખાશે તેમજ પુરાવા માટે ખાસ નિયમો પણ ઘડાશે. પોલીસ અધિકારી સમક્ષ આરોપીએ કરેલ કબુલાતને પણ વિચારણામાં લેવાશે તથા સાક્ષીઓને પૂરતું રક્ષણ પણ પૂરુ પાડવામાં આવશે. સંગઠિત ગુનાની ઉપજમાંથી સંપાદિત કરેલ મિલકતને ટાંચમાં લેવા અને સરકારને હસ્તક્ષેપ થવાની જોગવાઇ કાયદામાં કરાઇ છે. મિલકતની તબદીલીઓ પણ રદબાતલ કરવાની જોગવાઇ સહિત ફોજદારી કાર્યરીતિના નિયમોમાં પણ ફેરફાર કરી શકાશે તેમજ ગુનાની ન્યાયિક નોંધ લેવાની અને તપાસ માટેની સરકારી કર્મચારીઓ પોતાની ફરજોના પાલનમાં ચૂક કરે તો શિક્ષાની જોગવાઇ, શુદ્ધ બુદ્ધિથી લીધેલા પગલાઓને રક્ષણની જોગવાઇ પણ કાયદામાં કરાઇ છે.

તેમણે ઉમેર્યુ કે, રાજ્ય સરકાર દ્વારા આતંકવાદી પ્રવૃત્તિઓ તથા સંગઠિત ગુનાઓના નિયંત્રણ માટે સતત ચિંતા કરીને જે પ્રયાસો થઇ રહ્યા છે. તેને આ કાયદાથી પૂરતું બળ મળશે અને રાજ્યની સુરક્ષા સાથે નાગરિકોને વધુ સલામતી પ્રાપ્ત થશે.