સાયકલોન મહા ઈફેક્ટ: આ સરહદી જિલ્લામાં પડ્યો ધોધમાર વરસાદ, ભાવનગર-જામનગરમાં તંત્ર સબાદું

’મહા’ વાવાઝોડાને કારણે રાજ્યનાં મોટાભાગનાં વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ છવાયું છે. ત્યારે આજે બપોરે કચ્છમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. મહા વાવાઝોડાની અસર દક્ષિણ ગુજરાત તથા સૌરાષ્ટ્ર અને કચ્છ પર વધુ દેખાઇ રહી છે. મોટાભાગના જિલ્લા અને શહેરોમાં બે દિવસથી વાદળિયું વાતાવરણ રહ્યા બાદ વરસાદ તૂટી પડ્યો હતો.

સૌરાષ્ટ્ર-કચ્છમાં અડધાથી એક ઇંચ પાણી વરસી જતાં લોકોને ચોમાસું પાછું ફર્યું હોય તેવો અહેસાસ થયો હતો.ખેડૂતો ફરીથી ચિંતામાં મૂકાયા હતા અને કપાસ, મગફળી, બાજરીનો તૈયાર પાક બચાવવાની વેતરણમાં જોતરાઇ ગયા હતા. મહા વાવાઝોડાને પગલે ગીર-સોમનાથ જિલ્લામાં ઊના તાલુકાનાં રાજપરા બંદરે લાંગેરલી બોટ મોજાની થપાટે ડુબી ગઇ હતી. ભાવનગર શહેરમાં સવારથી બપોર સુધીમાં પોણો ઇંચ અને ઘોઘામાં અડધો ઇંચ કસોસમી વરસાદ વરસી ગયો હતો.

જામનગરમાં પણ મહા વાવાઝોડાની અસરના ભાગરૂપે છેલ્લા ચાર દિવસથી સતત કમોસમી વરસાદ અને માવઠું જોવા મળી રહ્યું છે. દ્વારકાથી દીવ વચ્ચેના દરિયા પાસેથી મહા વાવાઝોડું પસાર થઇ શકે છે ત્યારે જામનગરનું તંત્ર પણ સાબદુ બન્યું છે.

જામનગર જિલ્લા કલેકટર દ્વારા તાકીદની બેઠક બોલાવી તમામ અધિકારીઓને કંટ્રોલરૂમ ન છોડવા આદેશ કરવામાં આવ્યો છે. તો માછીમારોને દરિયા ન ખેડવા માટેની પણ સૂચના આપવામાં આવી છે.જ્યારે જામનગરના નવા બંદર સહિતના તમામ બંદરો પર ગુજરાત મેરીટાઈમ બોર્ડ દ્વારા બે નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે. જામનગરમાં પણ બે થી ત્રણ દિવસ સુધી હળવાથી મધ્યમ તેમજ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે સતત કમોસમી વરસાદથી ખેડૂતોના પાકને નુકસાન થઈ રહ્યું છે.