ક્યાર વાવાઝોડું:  ગુજરાત પરથી ખરેખર ઘાત ટળી ગઈ? યાદ રાખો સાયક્લોન વાયુએ બહુ પજવ્યું હતું

અરબી સમુદ્રમાં સર્જાયેલા ક્યાર વાવાઝોડાના કારણે સુરત અને સૌરાષ્ટ્ર-પોરબંદરના દરીયા કાંઠા વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. દરિયો તોફાની બન્યો છે અને છથી સાત ફૂટ ઉંચા મોજા ઉછળી રહ્યા છે ત્યારે હવામાન ખાતાએ ગુજરાત પરથી ક્યારની ઘાત ટળી ગઈ હોવાનું જણાવ્યું છે અને વાવાઝોડું ઓમાનના સલાલા તરફ ફંટાઈ ગયું હોવાનુ કહ્યું છે.

પણ અરબી સમુદ્રમાં સર્જાતા વાવાઝોડાનો ઈતિહાસ સસ્પેન્સથી ભરપુર છે. તાજેતરમાં વાયુ વાવાઝોડાએ ગુજરાતને લાંબા સમય સુધી પજવ્યું હતું અને લાંબી મુસાફરી કર્યા બાદ નબળું પડીને ગુજરાતના દરિયા કાંઠા પર ટકરાયું હતું.

સ્કાયમેટના નિષ્ણાતો જણાવી રહ્યા છે કે હાલ ક્યાર વાવાઝોડાની દિશા ઓમાન તરફની છે પણ ગુજરાત કે ભારત દેશના દરીયા કાંઠા માટે નિશ્ચિત થઈ જવાનું જોખમ હાલ લઈ શકાય નહીં. વાવાઝોડાની ગતિ ખૂબ જ ધીમી છે અને છ ક્લાકમાં 13 કિમી અંતર કાપી રહ્યું છે.

સ્કાયમેટના નિષ્ણાતો વધુમાં કહે છે કે અરબી સમુદ્રમાં પવનની દિશા અને દશામાં સતત ફેરફાર થતાં રહે છે અને જ્યાં સુધી વાવાઝોડું સંપૂર્ણ નષ્ટ ન થાય ત્યાં સુધી સબ સલામતની વાત કરવી ઉતાવળી ગણી શકાય એમ છે. અરબી સમુદ્રમાં પવન ફુંકાવાના અટપટા ગણિતના કારણે વાવાઝોડાની સ્થિતિ પર સતત મોનીટરીંગ કરવામાં આવી રહ્યું છે.

સ્કાયમેટ દ્વારા જારી કરાયેલા ફોટોમાં પણ જોઈ શકાય છે કે ક્યારનો ટ્રેક ઓમાન તરફનો છે, પણ નિષ્ણાતો કહી રહ્યા છે કે હવે પછીનો આધાર પવનની દિશા પર નિર્ભર રહેલો છે. પવનની દિશા બદલાય તો વાવાઝોડાની દિશા પણ બદલાઈ શકે છે. એટલે ગુજરાત અને અન્ય પ્રદેશોએ સાવધ રહેવાની આવશ્યક્તા રહેલી છે.