પૂર્વ CMના પુત્ર અને અભિનેતા રિતેશ દેશમુખના ભાઈએ નોટા (NOTA)ને હરાવ્યો, જીતી લીધી આ સીટ

મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીના પરિણામો ચોંકાવનારા છે. એક્ઝિટ પોલની હવા નીકળી ગઈ છે. એક્ઝિટ પોલ કરતાં પણ કોંગ્રેસ-એનસીપીની જોડીએ વધુ સીટ મેળવી લીધી છે. મતગણતરી દરમિયાન કેટલીક બેઠકોના આંકડા રસપ્રદ રહ્યા તો કેટલાક ચોંકાવનારા રહ્યા હતા.

મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી વિલાસરાવ દેશમુખના પુત્ર અને ફિલ્મ અભિનેતા રિતેશ દેશમુખના ભાઈ લાતુર વિધાનસભાથી ચૂંટણી લડ્યા હતા. લાતુર ગ્રામીણ વિધાનસભા સીટ પરથી ધીરજ દેશમુખે કોંગ્રેસના ઉમેદવાર તરીકે ઝંપલાવ્યું હતું.

કોંગ્રેસની ટિકિટ પર ચૂંટણી લડતાં, દેશમુખે ચૂંટણી જીતવા માટે 1.3 લાખ મતો મેળવ્યા હતા. જો કે, તે ‘અપનો ઉપરોક્ત (નોટા)’ વિકલ્પ હતો કે જેણે મતદારક્ષેત્રના બીજા ક્રમના સૌથી વધુ મત મેળવ્યાં. લાતુર રૂરલમાં આશરે 26,899 નોટા મત આપવામાં આવ્યા હતા.

કોંગ્રેસના સિમ્બોલ પર ચૂંટણી લડતા ધીરજ દેશમુખને 1.33 લાખ વોટ મળ્યા હતા. જ્યારે નન ઓફ એબોવ(નોટા)ના ઓપ્શન પર આ વખતે લાતુરના લોકોએ વધુ પ્રમાણમાં પસંદગી ઉતારી હતી. લાતુરમાં ધીરજ દેશમુખની સામે શિવસેના ઉમેદવાર રવિ રામરાજે દેશમુખ હતા. હવે અહીંયા શિવસેનાના ઉમેદવારને નોટા કરતાં પણ ઓછા મત મળ્યા હતા અને લાતુરના લોકોએ નોટાનું બટન વધુ દબાવ્યું હતું. નોટામાં સરેરાશ 26,899 વોટ ગયા હતા. નોટામાં આટલા મોટા પ્રમાણમાં વોટ જતાં શિવસેના ઉમેદવાર ત્રીજા નંબરે આવ્યા હતા. રવિ રામરાજેને 13,113 વોટ મળ્યા હતા.

આમ નોટા બીજા નંબરે આવ્યું હતું અને શિવસેના ત્રીજા નંબરે ધકેલાઈ ગઈ હતી. મતલબ એ છે કે ધીરજ દેશમુખે નોટા સામે જીત હાંસલ કરી છે. દેશમાં આવો પ્રથમ બનાવ નોંધાયો હોવાનું માની શકાય છે.