શું હેલ્મેટ-PUCની મુદ્દત વધારાશે? પહેલી નવેમ્બરથી અમલ થશે? વાહન વ્યવહાર મંત્રીની મોટી જાહેરાત

કેન્દ્ર સરકારે જાહેર કરેલા ટ્રાફીકના નવા નિયમને લઈ ગુજરાત સરકાર હવે કોઈ પણ રાહત આપવાના મૂડમાં જણાઈ આવી રહી નથી. લોકોનો વિરોધ જોઈ 31મી ઓક્ટોબર સુધી ટ્રાફીકના નવા નિયોમના અમલને મોકુફ રાખવામાં આવ્યા બાદ હવે 31મીની છેલ્લી ડેટ લાઈનમાં કોઈ ફેરફાર કરવામાં આવશે નહીં અને પહેલી નવેમ્બરથી નવા નિયમોનું અમલીકરણ કરવામાં આવશે તેવી જાહેરાત ગુજરાતના વાહન વ્યવહાર મંત્રી આરસીફળદુએ રાજકોટના ગુજરાતી દૈનિક સાથેની વાતચીતમાં જણાવ્યું છે.

ટ્રાફીકના નવા નિયમોને લઈ ગુજરાત સરકાર દ્વારા અલગથી નિયમો અને દંડની રકમમાં ફેરફાર કર્યા છે. કેન્દ્ર સરકારની દંડની તોતીંગ જોગવાઈમાં ફેરફાર કરી ગુજરાત સરકારે પોતાની જોગવાઈ સાથે નિયમો બનાવ્યા છે. આ અંગે વાહન વ્યવહાર મંત્રી આરસી ફળદુએ કહ્યું છે કે સરકારની દ્રષ્ટિએ દરેક માનવ જીવન ખૂબ કિંમતી છે. લોકોનું જીવન અમૂલ્ય છે. હેલ્મેટ લોકોના હિત માટે છે. સરકારે PUC. મેળવી લેવા અને હેલ્મેટ ખરીદવા માટે લોકોને પૂરતો સમય આપ્યો છે.

તેમણે કહ્યું કે 31મી ઓકટોબરે મુકિતની મુદ્દત પૂરી થઇ રહી છે. હવે મુદ્દત વધારવાની સરકારની કોઇ વિચારણા નથી. પહેલી નવેમ્બર એટલે કે લાભ પાંચમથી સરકાર ટ્રાફીકના તમામ નવા નિયમોનો અમલ કરાવવા માંગે છે. લોકો સરકારની લાગણી સમજી સહકાર આપે તેવી વાહન વ્યવહાર મંત્રી મંત્રી ફળદુએ અપીલ કરી છે.