હિન્દુ મહાસભાના નેતા કમલેશ તિવારીની ધોળે દિવસે હત્યા, મીઠાઈના ડબ્બામાં હથિયાર, હત્યા પહેલાં ચા-પાણી પીધા હતા

યુપીની રાજધાની લખનૌમાં હિન્દુ સમાજ પાર્ટીના અધ્યક્ષ કમલેશ તિવારીની ધોળે દિવસે હત્યાથી હાહાકાર મચી ગયો છે. કમલેશ તિવારીને તેમની ઓફિસમાં ગળું કાપીને રહેંસી નાંખવામાં આવ્યા છે. ગળું કાપતા પહેલાં તેમને પણ ગોળી મારવામાં આવી હતી.

એવું કહેવામાં આવી રહ્યું છે કે કમલેશના ઘરમાં જ તેમની ઓફીસ આવેલી છે અને હત્યારાઓએ મુલાકાત સમયે ચા-પાણી પણ કર્યા હતા ચા-પાણી કર્યા બાદ હત્યા કરી આરોપીઓ ફરાર થઈ ગયા હતા.  આ ઘટના લખનૌના નાકા વિસ્તારની છે. કમલેશે પોતાને હિન્દુ મહાસભાના નેતા ગણાવતા હતા પોલીસ હાલમાં હત્યાને અંગત અદાવતનો કેસ માની રહી છે.

મળતી માહિતી મુજબ નાકા વિસ્તારમાં આવેલા ખુર્શીદ બાગની ઓફિસમાં કમલેશ તિવારીને મળવા માટે બે લોકો આવ્યા હતા. તે બંને મીઠાઇનો ડબ્બો લઇને આવ્યા હતા, જેમાં ચાકૂ અને અન્ય હથિયાર હતા. કહેવામાં આવી રહ્યું છે કે બંને કમલેશ તિવારીને મળ્યા હતા. વાતચીત દરમ્યાન બંને હત્યારાઓએ કમલેશ સાથે ચા પણ પીધી હતી. આ પછી, તેમને ગોળી મારી દીધી હતી, પણ ગોળી વાગી ન હતી આ પછી હત્યારાઓએ કમલેશના ગળામાં ચાકૂ મારી રહેંસી નાંખ્યા હતા અને અનેક વાર કર્યા હતા જે જીવલેણ સાબિત થયા હતા.  .

કમલેશ તિવારીને તાત્કાલિક લખનૌમા ટ્રોમા સેન્ટર ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેને મૃત જાહેર કરાયા હતા. કમલેશ તિવારીને મળતા પહેલા હત્યારાઓએ તેમને ફોન કર્યો હતો. પોલીસ હાલમાં તે નંબરને  ટ્રેસ કરી રહી છે. આ ઉપરાંત પોલીસ કમલેશ સાથે રહેત નોકરની પણ પૂછપરછ કરી રહી છે.

એવું કહેવામાં આવી રહ્યું છે કે કમલેશને બચાવવા માટે એક સૈનિક પણ તૈનાત કરાયો હતો પરંતુ તે ઘટના સમયે હાજર નહોતો. આ ઉપરાંત પોલીસને સીસીટીવી ફૂટેજ પણ મળી આવ્યા છે જેમાં બંને હત્યારાઓ હત્યા કર્યા બાદ બાઇક પરથી ભાગી રહ્યા છે. કમલેશ તિવારીએ સીતાપુરમાં તેમની પૂર્વજોની જમીન પર ગોડસે મંદિર બનાવવાની જાહેરાત કરી હતી.

આ ઉપરાંત રામ જન્મભૂમિ કેસમાં સુપ્રીમ કોર્ટમાં કમલેશ તિવારી થોડા દિવસો માટે હિન્દુ મહાસભા વતી પક્ષકાર પણ હતા. કમલેશ તિવારીએ ચોક્કસ ધર્મ વિશે વિવાદિત નિવેદનો કર્યા હતા અને વિવાદમાં આવ્યા હતા. તેમની વિરુદ્વ રાસુકાની કલમ પણ લગાવવામાં આવી હતી.