ડોન છોટા રાજન ગેંગનો ગેંગસ્ટર રવિ પુજારી સેનેગલથી ફરાર, નોંધાયા છે 200 ગુના, ગુજરાતમાં 26 કેસ

માફિયા ડોન છોટા રાજનની ગેંગનો ગેંગસ્ટર રવિ પૂજારી વિશેની તમામ અટકળોનો અંત આવ્યો છે. પોલીસે સ્વીકાર્યું છે કે આ વર્ષે સેનેગલમાં ધરપકડ કરાયેલો માફિયા ડોન આફ્રિકન દેશમાંથી ભાગી ગયો છે. સૂત્રોએ જણાવ્યું હતું કે રવિ પૂજારી સેનેગલમાં એન્થોની ફર્નાન્ડિઝના નામથી રહેતો હતો અને પોતાને બુર્કિના ફાસોના નાગરિક તરીકે ઓળખાવતો હતો. રવિ પૂજારી વિરુદ્ધ દેશભરમાં 200 જેટલા કેસ ચાલી રહ્યા છે.

ટાઈમ્સ ઓફ ઈન્ડીયાને બે પોલીસ અધિકારીઓએ કહ્યું કે, ‘ફરાર ગેંગસ્ટર રવિ પૂજારી સેનેગલથી બીજા આફ્રિકન દેશમાં કથિત રીતે ભાગી ગયો હોવા અંગે તપાસ ચાલી રહી છે. એક સમયે માફિયા ડોન છોટા રાજનના જમણા હાથ મનાતા રવિ પૂજારી પર ભારતમાં ખંડણી અને હત્યાના 200 કેસ છે. આમાંથી ગુજરાતમાં ખંડણીના 26 કેસ નોંધાયેલા છે.

રવિ પુજારી ઘણીવાર ગુજરાતના બિલ્ડરો, વેપારીઓ, રાજકારણીઓ અને ઝવેરીઓને ફોન કરી ધમકાવતો હતો અને પૈસાની માંગણી કરતો હતો. ક્રાઈમબ્રાંચના સૂત્રોએ જણાવ્યું હતું કે ગુજરાતના 70 લોકોને પુજારીએ નિશાન બનાવ્યા હતા. તેમણે કહ્યું કે 3 થી 4 કેસમાં પીડિતોએ ખંડણીની રકમ ચૂકવી હતી. અન્ય લોકોએ હજી સુધી તેને પૈસા આપ્યા છે કે નહીં તે જણાઈ આવ્યું નથી.

અમદાવાદ ક્રાઈમ બ્રાંચના એક ઉચ્ચ અધિકારીએ જણાવ્યું હતું કે, આણંદ જિલ્લામાં પ્રણેશ પટેલ પર ખંડણી અને ફાયરિંગના 26 કેસની તપાસ કરવામાં આવી રહી છે. આ કિસ્સાઓમાં રવિ પુજારીએ પોતે જવાબદારી સ્વીકારી છે. આ કેસોમાં પ્રત્યાર્પણની માંગ કરી હતી. ‘ સૂત્રોએ જણાવ્યું હતું કે ગુજરાત પોલીસ વિદેશ અને ગૃહ મંત્રાલય તથા સેનેગલ અધિકારીઓના સંપર્કમાં છે, જેથી ગેંગસ્ટરને શોધી શકાય.

ગુપ્તચર એજન્સીના ઉચ્ચ સ્ત્રોતોએ જણાવ્યું છે કે પુજારીએ તેની સામે જાણી જોઈને છેતરપિંડીનો કેસ દાખલ કર્યો હતો અને બાદમાં તે જામીન પર બહાર આવ્યો હતો. તેમણે કહ્યું, ‘જામીન પર બહાર આવ્યા બાદ રવિ પૂજારી બીજા આફ્રિકન દેશમાંથી ભાગી ગયો છે. નિયમો અનુસાર, જો જામીનની શરતોનું ઉલ્લંઘન કર્યા પછી જો કોઈ વિદેશી ભાગેડુ પકડાય છે, તો તેને પહેલા સેનેગલમાં સજા કરવી પડશે. આ પછી, તે તેના મૂળ દેશમાં પ્રત્યાર્પણ કરી શકાય છે. પૂજારી સામે રેડ કોર્નર નોટિસ ચાલુ છે. અમને આશા છે કે તે જલ્દીથી પકડાશે.