હાર્લી ડેવિડસને ઇલેક્ટ્રિક મોટરસાયકલનું ઉત્પાદન બંધ કર્યું, કારણ જાણો

હાર્લી ડેવિડસને તેની પ્રથમ ઇલેક્ટ્રિક મોટરસાઇકલ લાઇવવાયરનું ઉત્પાદન અને શિપિંગ અસ્થાયીરૂપે બંધ કરી દીધું છે. ધ વોલ સ્ટ્રીટ જર્નલના અહેવાલ મુજબ, બાઇકના ચાર્જિંગ સાધનોમાં મુશ્કેલી હોવાને કારણે કંપનીએ આ નિર્ણય લીધો છે. કંપનીએ જણાવ્યું છે કે લાઇવવાયર બાઇક સવારી માટે હજી પણ સંપૂર્ણપણે સલામત છે. જોકે, કંપનીએ ગ્રાહકોને ડીલર પાસેથી જ ઇલેક્ટ્રિક મોટરસાયકલ ચાર્જ કરવા જણાવ્યું છે.

હાર્લી ડેવિડસને જણાવ્યું છે કે ઈલેક્ટ્રીક બાઈક લાઈવવાયરને ઘરના લોઅર વોલ્ટેજ આઉટલેટ્સમાં ચાર્જ કરવામાં પ્રોબ્લેમ આવી શકે છે. કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું છે કે, ‘અંતિમ ગુણવત્તાની તપાસ દરમિયાન નોન-સ્ટાન્ડર્ડ કંન્ડીશન જોવા મળી છે, ત્યારબાદ અમે ઉત્પાદન અને ડિલિવરી બંધ કરી દીધી છે અને વધારાના પરીક્ષણો શરૂ કર્યા છે.’

કંપનીએ સપ્ટેમ્બરમાં લાઇવવાયર મોટરસાયકલોનું શિપિંગ શરૂ કર્યું હતું. જોકે, કંપનીએ હજી સુધી જણાવ્યું નથી કે આ બાઇકનું નિર્માણ ફરી ક્યારે શરૂ થશે.

હાર્લી ડેવિડસનની ઇલેક્ટ્રિક બાઇક લાઇવવાયરને 2014માં કોન્સેપ્ટ મોટરસાયકલ તરીકે રજૂ કરવામાં આવી હતી. આ પછી પ્રોજેક્ટ કેટલાક વર્ષોથી હેડલાઇન્સથી ગાયબ થઈ ગયો. નવેમ્બર 2018માં કંપનીએ પ્રોડક્શન-રેડી લાઇવવાયરને ફરીથી રજૂ કરી હતી. હાર્લી ડેવિડસન બાઇકની કિંમત આશરે 30 હજાર ડોલર (આશરે 22 લાખ રૂપિયા) છે. ઇલેક્ટ્રિક બાઇક લાઇવવાયર 15.5 કેડબ્લ્યુએચની બેટરી અને મેગ્નેટિક મોટરથી સજ્જ છે, જે 105 એચપી પાવર ઉત્પન્ન કરે છે. આ બાઇકની સિટી રેંજ 234 કિમી છે.

કંપનીનો દાવો છે કે આ બાઇક 3 સેકન્ડમાં 0-100 કિમી પ્રતિ કલાકની સ્પીડ આપે છે અને તેની ટોપ સ્પીડ 177 કિમી પ્રતિ ક્લાક  છે. જો તમે ચાર્જિંગની વાત કરો તો કંપનીના મતે આ બાઇક 40 મીનીટમાં 80 ટકા અને 1 કલાકમાં 100 ટકા ચાર્જ થાય છે.