ગુજરાત સરકારે પરીક્ષા રદ્દ કરતા વિદ્યાર્થીએ કહ્યું “આત્મહત્યા કરવાનું મન થાય છે”: રેશ્મા પટેલે શેર કરી વાતચીત

ગુજરાત રાજ્ય ગૌણ સેવા પસંદગી મંડળે 20મી ઓક્ટોબરનાં રોજ લેવાનારી બિનસચિવાલય ક્લાર્ક અને ઓફિસ આસિસ્ટન્ટ માટેની ભરતી પરીક્ષા રદ રાખવાનો નિર્ણય કર્યો છે. જોકે, નવી તારીખ અંગે કંઇ જ સ્પષ્ટતા કરવામાં આવી નથી. આ ઉપરાંત પરીક્ષા કેમ રદ કરવામાં આવી છે તેનું કારણ જાહેર કરવામાં આવ્યું નથી. જેના કારણે રાજ્યભરનાં વિદ્યાર્થીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. આ પરીક્ષા 10 લાખથી વધુ લોકો આપવાનાં હતાં.

અનેક લોકોએ એક વર્ષ સુધી જીવનની અન્ય મહત્વની વાતો બાજુમાં મુકીને વાંચવામાં ધ્યાન આપ્યું હતું. કોઇએ પોતાની નોકરી છોડી હતી તો કોઇએ પોતાનાં લગ્ન અને સગાઇ પાછી ઠેલી હતી. આવા તો અનેક કારણો ઉમેદવારો પાસે છે પરંતુ અધિકારીઓ પાસે આ પરીક્ષા રદ કરવાનું કોઇ જ કારણ નથી.

ગુજરાત રાજ્ય ગૌણ સેવા પસંદગી મંડળે બિન સચિવાલયની પરીક્ષા રદ્દ કરવામાં આવ્યા બાદ એનસીપીના નેતા રેશ્મા પટેલે બાયડના નાનકડા ગામ જીતપુરના વિદ્યાર્થી દિગ્વિજયની સાથે ટેલિફોન પર થયેલી વાતચીતનો ઓડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. આ ઓડિયોમાં વિદ્યાર્થી દિગ્વિજય ભારે તનાવમાં હોવાનું જણાય છે અને આપઘાત કરવાનું મન બનાવી રહ્યું હોવાનું કહે છે. રેશ્મા પેટલ આ વિદ્યાર્થીને ધરપત આપતા સંભળાય છે કે આત્મહત્યા કરવા જેવું કોઈ આકરું પગલું ભરવાની જરૂર નથી અને અન્યાય થયો છે તેની સામે લડત અને સંઘર્ષ કરવામાં આવશે

ઓડિયોમાં વિદ્યાર્થી દિગ્વિજય કહે છે કે પરીક્ષના 10 દિવસ બાકી છે ત્યારે પરીક્ષા રદ્દ કરી દેવામાં આવી અને હવે શૈક્ષણિક લાયકાત ગ્રેજ્યુએશન કરવામાં આવી છે. વ્યાજે રૂપિયા લઈને પરીક્ષાની તૈયારી કરી છે અને ભારે માનસિક તાણમાં આવી ગયો છું અને સ્યુસાઈડ કરવાનું મન થાય છે. હવે ટૂંકા ગાળામાં ગ્રેજ્યુએશન કેવી રીતે પાસ કરવામાં આવે. સમય આપવો જોઈએ પણ સરકારે સમય આપ્યો નથી.

દિગ્વિજયને રેશ્મા પટેલ આશ્વાસન આપે છે અને સમજાવે છે કે આનો કોઈ રસ્તો કાઢવામાં આવશે અને ગુજરાત સરકાર દ્વારા રદ્દ કરાયેલી પરીક્ષા અંગે જરૂરથી કાર્યવાહી કરવામાં આવશે.