સરકારે છેવાડાના માનવીઓ સુધી શિક્ષણના લાભો પહોંચાડયા છે : ભૂપેન્દ્રસિંહ ચુડાસમા

સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા ખાતે રમેશભાઈ ઓઝાના હસ્તે તથા કેન્દ્રીય રાજ્યમંત્રીશ્રી પરષોત્તમ રૂપાલા અને શિક્ષણ મંત્રીશ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાની ઉપસ્થિતિમાં યજ્ઞ નગર પ્રાથમિક શાળાનો નામકરણ – લોકાર્પણ સમારંભ યોજાયો હતો.

આ પ્રસંગે કેન્દ્રીય રાજ્યમંત્રી પરષોત્તમ રૂપાલાએ પ્રાસંગિક ઉદ્દબોધન કરતા જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર શિક્ષણ ક્ષેત્રે સરાહનીય કામગીરી કરી રહી છે, જેના કારણે વાલીઓનો સરકારી શાળા તરફનો ઝોક વધ્યો છે. આજે ખાનગી શાળાઓમાં ભણતા વિદ્યાર્થીઓને તેમના વાલીઓ ખાનગી શાળામાંથી ઉઠાડીને સરકારી શાળાઓમાં પ્રવેશ અપાવી રહ્યા છે. સરકારી શાળાઓમાં અત્યાધુનિક માળખાકીય સુવિધા તેમજ તાલીમબધ્ધ શિક્ષકોની ભરતીના કારણે આજે ગુજરાતમાં સરકારી શાળાના સ્તરમાં ગુણવત્તાપૂર્ણ સુધારો થયો છે.

તેમણે આ તકે શિક્ષણના કાર્યમાં દાતાઓના સહયોગને બીરદાવી વધુને વધુ લોકોને શિક્ષણના યજ્ઞકાર્યમાં સહયોગી બનવા અનુરોધ કર્યો હતો. આ પ્રસંગે શિક્ષણ મંત્રીશ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ પ્રાસંગિક ઉદ્દબોધન કરતાં જણાવ્યું હતું કે, શિક્ષણ એ સતત ચાલતી પ્રક્રિયા છે, આ પ્રક્રિયામાં સહભાગી થઇ શિક્ષણ ક્ષેત્રે ગુજરાત અગ્રેસર રહે તે માટે રાજય સરકારે છેલ્લા બે દાયકાથી સમગ્ર ગુજરાતમાં શિક્ષણનો મહાયજ્ઞ આરંભ્યો છે.

તેમણે ઉમેર્યું હતુ કે, છેવાડાના માનવી સુધી ગુણવત્તાયુક્ત શિક્ષણ મળી રહે તેવી નેમ સાથે આ સરકારે છેવાડાના વિસ્તારો સુધી શિક્ષણના લાભો પહોંચાડયા છે, જેના પરિણામે લોકોમાં શિક્ષણ પ્રત્યે જાગૃતિ આવતાં ગુજરાતમાં સાક્ષરતાનો દર નોંધપાત્ર વધ્યો છે.  આ પ્રસંગે ભાઈશ્રી રમેશભાઈ ઓઝાએ આશિર્વચન પાઠવ્યા હતા.

આ કાર્યક્રમમાં સાહિત્યક્ષેત્રના અગ્રણીઓ સર્વશ્રી શાહબુદ્દીન રાઠોડ, વિનોદ જોષી, ભદ્રાયુ વચ્છરાજાની અને જય વસાવડાએ પ્રાસંગિક ઉદ્દબોધન કર્યું હતુ. કાર્યક્રમના પ્રારંભમાં સ્વાગત પ્રવચન હાસ્ય કલાકાર શ્રી જગદીશ ત્રિવેદીએ કર્યું હતુ. આ કાર્યક્રમમાં ધારાસભ્યશ્રી ધનજીભાઇ પટેલ, અગ્રણીઓ સર્વશ્રી વીપીન ટોળિયા, વિજય ભગત, દિલીપભાઇ પટેલ, ચંદ્રશેખર દવે, પ્રવિણભાઇ માંકડીયા, દેવરામભાઈ પટેલ, દિનેશભાઈ ગુપ્તા, ધીરેનભાઇ ઠક્કર સહિત અધિકારી – પદાધિકારીશ્રીઓ, સાહિત્યકારો તથા મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહયાં હતા.