પ્રતિબંધ છતાં બીઆરટીએસ ટ્રેકમાં લોકોની અવરજવર, બસના ડ્રાઈવરે વિડીયો બનાવ્યો

બીઆરટીએસ ટ્રેક પર છાશવારે અકસ્માત સર્જાતા હોય છે. બીઆરટીએસની અડફેટે આવીને કેટલાક લોકોએ જીવ પણ ગુમાવ્યા છે. ત્યારે આવા સમયે બીઆરટીએસ બસોના ડ્રાઈવર પર પ્રશ્નો ઉભા થાય છે. આ ડ્રાઈવર્સની સ્પીડ, ટ્રાફિક રુલ્સ પાળતા નહિ તેવા સવાલો પણ ઉભા થાય છે. ત્યારે સુરતમાં બીઆરટીએસના ડ્રાઈવરે એક વીડિયો બનાવ્યો છે, જેમાં બીઆરટીએસ ટ્રેકમાં અવરજવર કરી રહેલા લોકો દેખાઈ રહ્યાં છે.

જ્યારે કે, આ ટ્રેકમાં લોકો અને અન્ય વાહનોના અવરજવર પર પ્રતિબંધ છે. તેમ છતાં લોકો બિન્દાસ્ત અંદર ચાલી રહ્યા છે.  સુરતમાં બીઆરટીએસ ટ્રેકનો વીડિયો વાયરલ થયો છે. જેમાં મોટી સંખ્યામાં લોકો ટ્રેકમાં અવરજવર કરી રહ્યાં છે. પાંડેસરા વિસ્તારમાં બીઆરટીએસના ડ્રાઈવર દ્વારા બસની અંદરથી આ વીડિયો બનાવવામાં આવ્યો છે. બીઆરટીએસ ટ્રેકમાં લોકોના અકસ્માતની વારંવાર ઘટના બને છે. ત્યારે પ્રતિબંધ હોવા છતાં લોકો આ ટ્રેકમાં અવરજવર કરે છે તેવું આ વીડિયો દ્વારા ડ્રાઈવર કહેવા માંગે છે.