મોબાઈલની બેટરી બનાવનાર વૈજ્ઞાનિકોને મળ્યું નોબેલ પ્રાઈઝ

વર્ષ 2019નો કેમિસ્ટ્રી (રસાયણ વિજ્ઞાન)નો નોબેલ પ્રાઈઝ ત્રણ વૈજ્ઞાનિકોને સંયુક્ત રીતે આપવામાં આવ્યો છે. જોન બી ગુડઈનફ, એમ સ્ટેનલી વિટંગમ અને અકીરા યોશિનો. જોન ગુડઈનફ અમેરિકન પ્રોફેસર છે. જ્યારે એમ સ્ટેનલી વિટંગમ ઈંગ્લિશ-અમેરિકન કેમિસ્ટ છે અને હાલ બિંગમ્ટન યુનિવર્સિટીમાં પ્રોફેસર છે. અકારી યોશિનો જાપાની વૈજ્ઞાનિક છે. તેમણે જ લીથિયમ આયન બેટરીની શોધ કરી હતી. લીથિયમ આયન બેટરીનો ઉપયોગ મોબાઈલ ફોન અને નોટબુકમાં કરવામાં આવે છે.

મોબાઈલ ફોનથી લઈ લેપટોપમાં ઉપયોગ
જ્યુરીએ કહ્યું કે,’આ હળવી, પુનઃ રિચાર્જ થઈ શકે તેવી અને શક્તિશાળી બેટરીઓનો ઉપયોગ હવે મોબાઈલ ફોનથી લઈને લેપટોપ અને ઈલેક્ટ્રોનિક વાહનો વગેરેમાં થાય છે. જેમાં સૌર અને પવન ઉર્જા પણ સારી એવી માત્રામાં સંગ્રહ કરી શકાય છે. જેથી પેટ્રોલ-ડીઝલ જેવા જીવાશ્મ ઈંધણથી મુક્ત સમાજ તરફ આગળ વધવું શક્ય છે.’

ફિઝિક્સ માટે ત્રણ વૈજ્ઞાનિકોને સંયુક્ત પ્રાઈઝ
આ પહેલા ફિઝિક્સના નોબેલ પ્રાઈઝનું એલાન થઈ ચૂક્યું હતું. આ પુરસ્કાર પણ ત્રણ લોકોને આપવામાં આવ્યો છે. જેમાં અમેરિકન વૈજ્ઞાનિક જેમ્સ પીબલ્સ, સ્વિત્ઝર્લેન્ડના વૈજ્ઞાનિક માઈકલ મેયર અને ડિડિયર ક્લોઝોવના નામનો સમાવેશ થાય છે. જેમ્સને કોસ્મોલોજીના સિદ્ધાંતની શોધ માટે અને અન્ય બે વૈજ્ઞાનિકોને આ પુરસ્કાર સુર્ય જેવા તારાના એક્ઝોપ્લેનેટ ઓર્બિટિંગ સંબંધિત શોધ માટે આપવામાં આવશે.

મેડિસિન ક્ષેત્રનો નોબેલ પુરસ્કાર
મેડિસિન ક્ષેત્રનો નોબેલ પુરસ્કાર પણ ત્રણ વૈજ્ઞાનિકોને આપવામાં આવશે. જેમાં વિલિયમ જી કોલિન, પીટર જે રેડક્લિફ અને ગ્રેગ અલ સેમેન્ઝાના નામનો સમાવેશ થાય છે. કોશિકાઓના ઓક્સિજનની ઉપલબ્ધતાનો આભાસ કરવા અને તેને અનૂકુળ બનાવવાની શોધ બદલ આ ત્રણેને નોબેલ પુરસ્કાર આપવામાં આવશે.