સુરતમા આવેલ કિરણ હોસ્પિટલ પર પ્રતિબંધ પછી બીજા જ દિવસે MA અને PMJAYના કાર્ડ ફરી માન્ય

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ 2017માં જે હોસ્પિટલનું ઉદ્ઘાટન કરતી વખતે કહ્યું હતું કે કિરણ હોસ્પિટલનું કામ આખા દેશને ખબર પડવી જોઇએ એટલે હું હિન્દીમાં બોલીશ. તે હોસ્પિટલ એક ખરાબ બાબતને લઇને મંગળવારે વિવાદમાં આવી હતી. આ હોસ્પિટલમાં પ્રધાનમંત્રી જનઆરોગ્ય યોજના (PMJAY)અને મુખ્યમંત્રી અમૃતમ યોજના ( MA)ના કાર્ડ ધરાવતા દર્દીઓ પાસેથી પણ રૂપિયા લેવાતા હોવાના આરોપસર પ્રતિબંધ મૂકી દીધો હતો.

આરોગ્ય કમિશનર ડો. એમ.ડી સુખાનંદીએ એક પત્ર લખી જણાવ્યું હતું કે આ યોજનાઓ હેઠળ ઘણા દર્દીઓ પાસેથી પૈસા ઉઘરાવાતા હોવાની ફરિયાદ મળતા 8 ઓક્ટોબરથી પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. આ ખબર બહાર આવતા જ રૂ. 500 કરોડના ખર્ચે તૈયાર કરાયેલી આ હોસ્પિટલની ભારે બદનામી થઇ હતી. તેના કર્તાધર્તા અને પદ્શ્રી મથુરભાઇ સવાણી પર માછલા ધોવાયા હતા કે તેઓ સમાજ સેવાના નામે નફો કરવા દઇ રહ્યા છે. આ હોસ્પિટલ શરૂ થઇ તેના મૂળમાં જ એ હતું કે લોકોને વ્યાજબી ભાવે સારવાર મળી રહે. પરંતુ જ્યારે આરોગ્ય કમિશનરે આવા પગલા લીધા ત્યારે બધાને આશ્ચર્ય થયું હતું. જો કે 10 તારીખે આ વિવાદમાં મોટો વળાંક આવ્યો.

હોસ્પિટલ સૂત્રોના જણાવ્યા અનુસાર કિરણ હોસ્પિટલ પર રાજ્ય સરકારે લગાવેલા પ્રતિબંધ ઉઠાવી લીધો છે. કેટલાક દર્દીઓને ગેરસમજ થતા આ વિવાદ ઊભો થયો હતો અને હવે તેનો અંત આવી ગયો છે. આ બાબતની ખરાઇ કરવા મથુરભાઇ સવાણીને ફોન કરતા તેમણે કહ્યું હતું કે બુધવાર બપોરે 1 વાગ્યાથી હોસ્પિટલમાં તમામ સરકારી સહાયોના કાર્ય માન્ય છે. લોકો લાભ લઇ શકે છે. અમે જ્યારે પૂછ્યું કે તો પ્રતિબંધ ખોટો લાગ્યો હતો. તો તેમણે કહ્યું કે ગેરસમજના કારણે આવું બન્યું હતું. એક દર્દીએ પહેલા પેટના દુખાવાની સારવાર કરાવી જેની ફી તેણે ભરી દીધી હતી. ત્યાર પછી એપેન્ડિક્સની ખબર પડી ત્યારે તેણે મા કાર્ડ હોવાની વાત કરી. દર્દીએ પછીથી જાણ કરતા વિવાદ ઊભો થયો હતો. જેનું સમાધાન થઇ ગયું છે.

જોકે, અમે સરકાર તરફથી ખરેખર પ્રતિબંધ ઉઠાવી લેવાયો છે તે જાણવા સરકારના પ્રતિનિધિ એવા આરોગ્ય રાજ્યમંત્રીને પૂછયું તો તેમણે કહ્યું કે ટ્રસ્ટીઓ મને મળવા આવ્યા હતા. તેમણે જે રજૂઆત કરી તે આધારે નિર્ણય લેવાયો છે. આરોગ્ય રાજ્યમંત્રી કુમાર કાનાણીએ કહ્યું કે ટ્રસ્ટીઓ મળ્યા અને તેમણે રજૂઆત કરી હતી કે એકાદ કેસમાં ગેરસમજના કારણે પૈસા લેવાયા હતા. જેનું સમાધાન થઇ ગયું છે.

જોકે, અહીં રાજ્યના આરોગ્ય ખાતા પર સવાલ ઊભા થયા છે. શું તેણે કોઇપણ જાતની તપાસ કર્યા વગર જ આટલી મોટી હોસ્પિટલની બદનામી કરાવી દીધી. જો આવું હોય તો આરોગ્ય રાજ્યમંત્રીએ જે તે અધિકારીઓ પર પગલા લેવા જોઇએ.