ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા જયરાજસિંહને આ મહિલા નેતાએ આપ્યું સમર્થન, સાતવ ગુજરાત દોડી આવ્યા

ગુજરાત કૉંગ્રેસ પાર્ટીના આંતરિક કલહના અને જૂથવાદને કારણે ઘણા નેતાઓ ભાજપમાં જોડાઈ ગયા છે. આવા સંજોગોમાં કૉંગ્રેસન પ્રદેશ પ્રવક્તા જયરાજસિંહ પરમારને ખેરાલુ વિધાનસભાની ટિકિટ ન મળતા તેમણે પ્રદેશ નેતા નેતૃત્વ સામે બાંયો ચડાવી છે. હવે વધુ એક પ્રદેશ કોંગ્રેસ પ્રવક્તાએ જયરાજસિંહ પરમારના સમર્થનમાં આવ્યા છે.વિધાનસભાની પેટા ચૂંટણી પહેલા કૉંગ્રેસનો આંતરિક જૂથવાદ ચરમસીમા પર પહોંચ્યો છે.

કોંગ્રેસ પ્રદેશ પ્રવક્તા જયરાજસિંહ પરમારને ખેરાલુ વિધાનસભા બેઠક પર ટિકિટ ન મળતા તેમણે પ્રદેશ નેતૃત્વ સામે અનેક સવાલો ઉભા કર્યા છે. હવે જયરાજ સિંહના સમર્થનમાં પ્રદેશ કોંગ્રેસ પ્રવક્તા પૂજા પ્રજાપતિ પણ મેદાને આવ્યા છે.પૂજા પ્રજાપતિએ ફેસબુક પર પોસ્ટ કરતા જણાવ્યું છે કે, જયરાજસિંહ જેવા જમીની નેતાઓ પાર્ટીની પ્રથમ હરોળમાં આવે છે. નેતા તેને કહેવામાં આવે છે જેમને લોકો પસંદ કરી છે, એવા લોકોને નહીં જેમને ચાપલુસીથી ટિકિટ આપી દેવામાં આવે છે.

જયરાજસિંહ પાકા કોંગ્રેસી છે. તેમને હું સમર્થન કરું છું. પ્રદેશ નેતૃત્વએ આ મામલાને ગંભીરતા લેવો જોઈએ.જયરાજસિંહની નારાજગી બાદ બદરૂદીન શેખ અને હવે પૂજા પ્રજાપતિએ પણ પ્રદેશ નેતૃત્વ પર સવાલ ઉભા કર્યા છે, ત્યારે જોવાનું રહેશ કે શું કોંગ્રેસ ઘીના ઠામમાં ઘી રાખવા પ્રયાસ કરે છે કે નહી?

કોંગ્રેસમાં કકળાટ શરૂ થઈ જતાં ગુજરાત કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવ ગુજરાતમાં દોડી આવ્યા હતા. પેટા ચૂંટણીની ટિકિટને લઈ જયરાજસિંહ પરમાર અને બદરૂદ્દીન શેખે રાજીનામું આપી દેતાં અને કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા સ્થિતિને સંભાળવામાં નિષ્ફળ જતાં સાતવ ગુજરાત દોડી આવ્યા હતા. અને રાતોરાત બેઠક કરીને દિલ્હી પરત ફરી ગયા હતા.

પેટા ચૂંટણી પહેલાં તુટતી કોંગ્રેસને રોકવામાં પ્રમુખ નિષ્ફળ જતા પ્રભારી મેદાનમાં આવ્યા છે. પેટા ચૂંટણીમાં કોંગ્રેસને થતા સંભવિત નુકસાનને રોકવા માટે પ્રભારી રાજીવ સાતવે બેઠક કરી હતી. પ્રભારી રાજીવ સાતવ રાતોરાત અમદાવાદમાં બેઠક કરી દિલ્હી પરત પણ ફરી ગયા હતા. સાતવે કરેલી બેઠકથી ગુજરાતના મોટા નેતાઓને અજાણ રાખવામાં આવ્યા હતા.

રાજીવ સાતવે કેટલાક સિલેક્ટેડ આગેવાનો સાથે બેઠક કરીને માર્ગદર્શન આપ્યું હતું. સાતવે બેઠકમાં પેટાચૂંટણી સુધી કોંગ્રેસને નુકસાન ન થાય તેવું કામ કરવા સૂચના આપી છે. ઉલ્લેખનીય છે કે, પેટા ચૂંટણીમાં ટિકિટને લઈ કોંગ્રેસમાં ઘમાસાણ મચ્યું છે. જયરાજસિંહ પરમારે બાયડ બેઠક પર ટિકિટ ન મળતાં રોષે ભરાયા હતા. તો અમદાવાદના બહેરામપુરાના કોર્પોરેટર બદરૂદ્દીન શેખે આયાતી ઉમેદવારને લઈને રાજીનામું આપ્યું હતું.