અખબારી જગતમાં ભૂકંપ: પ્રસિદ્વ ગુજરાતી અખબારની મુંબઈ એડિશન બંધ થઈ રહી છે? અટકળો જોરમાં

પાછલા પાંચ વર્ષથી મુંબઈમાં ગુજરાતી ભાષાના અખબાર દ્વારા મુંબઈ એડિશન શરૂ કરવામાં આવી છે અને આજે આ અખબારની મુંબઈ એડિશન બંધ થવાની આરે આવીને ઉભી રહી ગઈ છે. જાણવા મળ્યા મુજબ અખબારી જૂથની મુંબઈ એડિશનની એડ એજન્સીઓ પાસેથી પહેલી તારીખ પછીની જાહેરખબરો લેવાનું બંધ કરી દેવામાં આવતા આ ચર્ચાએ જોર પકડ્યું છે.

વિશ્વસનીય સૂત્રો કહી રહ્યા છે કે ગુજરાતના મુખ્ય શહેરો સહિત વિદેશોમાં પણ એડિશન ધરાવતા સુપ્રભાતીય દૈનિકને મુંબઈ એડિશન આમ તો નો પ્રોફીટ-નો લોસ પર ધમધમી રહી હતી પરંતુ અચાનક મેનેજમેન્ટ દ્વારા જાહેરખબરો લેવા પર રોકથામ કરવામાં આવતા અટકળો અને અફવાએ જોર પક્ડયું છે. જોકે, અખબારી જૂથ દ્વારા હજુ સુધી આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.

અખબારી જૂથે 30 વર્ષના સમયગાળા દરમિયાન ગુજરાતી ભાષાના દૈનિક તરીકે બહુ મોટી નામના હાંસલ કરી છે અને ગુજરાતની સમસ્યાઓ તથા રાજકીય દિશા-નિર્દેશ તરફ પણ આ અખબારી જૂથની વિશેષતર સેવાઓ રહી છે. સફળતાપૂર્વક ગુજરાતમાં જ પાંચ-પાંચ એડિશન થકી ખ્યાતિ હાંસલ કરનારા અખબારી જૂથની મુંબઈ એડિશન અંગે વહેતી થયેલી અટકળો અખબારી જગતમાં ભૂકંપ આણનારી બની રહી છે.

જાણવા મળ્યા મુજબ મુંબઈમાં એડ એજન્સીઓને મુંબઈ એડિશનની જાહેરખબર નહીં સ્વીકારવાનું કહી દેવામાં આવ્યું છે. ઓલ એડિશન જે જાહેરખબર છે તેમાં મુંબઈ એડિશનને બાકાત કરી માઈનસ-પ્લસ કરવામાં આવી રહ્યું છે. મુંબઈના જ નહીં પણ ગુજરાતના અન્ય અખબારી જૂથો માટે આ ન્યૂઝ ખરેખર શોકીંગ બની રહ્યા છે. સમકાલીન ઈચ્છે છે કે આ અખબારી જૂથ વધુને વધુ સફળ થાય અને મુંબઈ એડિશનની વાતો માત્ર અફવા સાબિત થાય.