ઠેર-ઠેર પડેલા ખાડાઓ હવે પોલીસથી પણ સહન થતા નથી, પાવડા લઈ રોડ પર ઉતરી પડી પોલીસ

આ વખતના વરસાદમાં ગુજરાતનો ભગ્યે જ કોઈ રસ્તો બાકી હશે કે ત્યાં ખાડા નહીં પડ્યા હોય. ઠેર-ઠેર ખાડાઓના કારણે વાહન વ્યવહાર તો ઠીક કેટલીક જગ્યાએ તો ચાલવાનું પણ દુષ્કર બની ગયું છે. આમ તો આ કામ જે તે નગર પાલિકા કે જિલ્લા પંચાયતનું છે પણ પોલીસ કરી રહી છે તે એક ઉદાહરણરૂપ બન્યું છે. લોકોને મુશ્કેલીમાંથી રાહત આપવાનું કાર્ય કરવામાં આવ્યું છે.

આવી સ્થિતિમાં નડીયાદ પોલીસે પીપલાદ હાઈવે પર પડેલા ખાડાને પુરવાનું કામ કર્યું છે. પીપલાદ પાસે આવેલી ખાડાને જોઈને ખુદ પોલીસે પાવડા લઈને ખાડાઓને સરખું કરવા લાગી ગઈ હતી.

આ અંગેના ફોટો સોશિયલ મીડિયા પર ખાસ્સા વાયરલ પણ થયા છે. ફોટોમાં પોલીસ કર્મચારીઓ અને અધિકારી ખાડા પુરતા જોવા મળી રહ્યા છે.

આમ તો પોલીસ પર અનેક રીતે માછલા ધોવામાં આવે છે. હાલમાં ટ્રાફીકના ચાલાનમાં પોલીસ પર જ સૌથી વધુ ટીકાઓ અને વિવાદોનો મારો ચાલ્યો છે ત્યારે પોલીસની લોક સેવાની આ એક ઉજળી બાજુ નોંધપાત્ર બની રહી છે.