2030 સુધી અર્થવ્યવસ્થાને 10 હજાર અરબ ડોલર પહોચાડવાનો લક્ષ્ય : રાજનાથ સિંહ

રક્ષા મંત્રી રાજનાથસિંહે મંગળવારે કહ્યું હતું કે, સરકારનું લક્ષ્ય 2030 સુધીમાં 10 હજાર અરબ ડોલરની અર્થવ્યવસ્થા બનાવવાનું છે અને સંરક્ષણ ક્ષેત્ર એ આ દિશામાં ફાળો આપતું મહત્વનું ક્ષેત્ર છે. સિંહે સોસાઇટી ઓફ ઇન્ડિયન ડિફેન્સ મેનુફેક્ચર્સ (એસઆઈડીએમ) ની વાર્ષિક સામાન્ય સભામાં કહ્યું કે ઘણા કારણોસર ભારતીય રક્ષા ઉદ્યોગ ભૂતકાળમાં તેની સંપૂર્ણ સંભાવના દર્શાવી શક્યો નથી.તેમણે કહ્યું કે જેને કારણે દેશ આયાત કરવામાં આવી રહેલ શસ્ત્રો પર આધારીત બન્યો.

આ બેઠકની થીમ ‘મેક ઇન ઇન્ડિયા 26 અરબ ડોલરનાં રક્ષા ઉદ્યોગ તરફ’ હતી. રક્ષા મંત્રીએ કહ્યુ કે, મેક ઇન ઇન્ડિયા જેવા પગલાથી તાજેતરમાં સ્થિતિને બદલવા માટે કોઇ પગલા ઉઠાવવામા આવ્યા છે જેથી ભારત વિશ્વમાં ન માત્ર હથિયારોનો મોટો નિર્માતા બને પરંતુ રક્ષા નિર્યાતક પણ બને. તેમણે વધુમાં કહ્યુ કે, ભારત જે પ્રકારનું આકાર ધરાવે છે અને વિશ્વમાં તેની જેવી પ્રતિષ્ઠા છે તે જોતા ભારતની સાર્વભૌમત્વનું રક્ષણ કરવું મહત્વપૂર્ણ છે અને વિદેશ નીતિ માટે આયાત કરવામાં આવેલ શસ્ત્રો પર વિશ્વાસ કરી શકાય તેમ નથી.

સિંહે કહ્યું કે, ‘મેક ઇન ઇન્ડિયા’ પહેલ અંતર્ગત સંરક્ષણ ક્ષેત્રને એક અગ્રણી ક્ષેત્ર તરીકે માન્યતા આપવામાં આવી છે, તેમણે કહ્યું કે ભારતીય અર્થવ્યવસ્થાનું વર્તમાન કદ આશરે 2700 અરબ ડોલર છે અને અમારો ઉદ્દેશ 2024 સુધીમાં તેને વધારીને 5,000 અરબ ડોલર કરવાનું છે. અને 2030 સુધીમાં અર્થતંત્રને 10,000 અરબ ડોલર બનાવવાનું છે. રક્ષા મંત્રી કહ્યું કે આ પ્રગતિમાં ફાળો આપવા માટે અર્થવ્યવસ્થાનાં ઘણા ક્ષેત્રોની ઓળખ કરવામાં આવી છે, જ્યારે સંરક્ષણ ક્ષેત્રને ‘મેક ઇન ઇન્ડિયા’ પહેલ અંતર્ગત સૌથી પ્રતિષ્ઠિત ક્ષેત્ર તરીકે ઓળખવામાં આવે છે.