પુત્રી સાથે રમતી વખતે બીભસ્ત ચેનચાળા કર્યાની શંકાએ કાકાએ જ 16 દિવસ પહેલા 5 વર્ષના ભત્રીજાની હત્યા કરી

વાંકાનેરનાં દેવાબાપાની જગ્યા પાસે ગત 27મીનાં રોજ 5 વર્ષના પ્રિન્સનું અપહરણ થયું હતું. ઘટનાના ત્રીજા દિવસે બાળકની કુવામાંથી લાશ મળી આવી હતી. જે મામલે તપાસ કરતાં 5 વર્ષના પ્રિન્સની હત્યા તેના કૌટુંબિક કાકાએ જ કરી હોવાનું સામે આવ્યું છે. આરોપીએ પોલીસ સમક્ષ જણાવ્યું હતું કે પોતાની પુત્રી સાથે પાંચ વર્ષનો પ્રિન્સ રમતી વેળાએ બીભત્સ ચેનચાળા કરતો હતો એટલે મોતને ઘાટ ઊતારી દીધો.

પોલીસ જ્યારે સમગ્ર મામલે તપાસ કરી રહી હતી તે દરમિયાન કૌટુંબીક કાકા રસિકભાઈ છેલુભાઈ નાકીયાની શંકાસ્પદ હરકત સામે આવતા તેની આગવી ઢબે પુછ પરછ હાથ ધરી હતી. પુછપરછ દરમિયાન બાળકનું અપહરણ અને હત્યા કરી હોવાનું કબુલ કર્યું હતું. પોલીસે વધુ પૂછપરછ કરતા કબુલ કર્યું હતું કે પ્રિન્સ અને તેની પુત્રી અપહરણના એક સપ્તાહ પહેલા સાથે રમતા રમતા પુત્રીની ઉંમર નાની હોય અને બાદ રમતમાં શારીરિક ચેષ્ટા કરતા જોઈ ગયો હતો અને તેને ગુસ્સો આવ્યો હતો જે તે વખતે બાળકને મારી ધમકાવી કાઢી મુક્યો હતો. જોકે તેના મગજમાં બાળક પ્રત્યે ગુસ્સો ખુબ વધી ગયો હતો. જેથી તેને પતાવી દેવાનું નક્કી કર્યું હતું.

અગાઉ બે ત્રણ દિવસ સુધી વોચ રાખી હતી અને અપહરણના દિવસે દેવાબાપાની જગ્યામાં ભજન કાર્યક્રમ ચાલતો હતો. લોકો બહોળી સંખ્યામાં હાજર હતાં. જેથી તકનો લાભ લઇ પ્રિન્સને મંદિરથી નાસ્તો કરવાનાં બહાને લઇ ગયો હતો અને બાદમાં તેની વાડી પાસે મો બાંધી કુવાના પત્થર સાથે માથું ભટકાડી હત્યા કરી નાખી હતી અને લાશને રોઝડા ભગાડવા માટે બાંધેલ ચુંદડી વડે બાંધી કુવામાં ફેકી દીધી હતી જોકે તરતી લાશ બહાર આવી ગઈ હતી. બીજી તરફ સાયબર સેલ અને મોરબી એ ડીવીઝન પોલીસ મથકના સીસીટીવી મોનીટરીંગના નિર્મળસિંહ દ્વારા મંદિરનાં સીસીટીવી ફૂટેજનું બારીકાઇથી અભ્યાસ કરી તમામ લોકોની હરકત પર નજર દોડાવી હતી. જેમાં આરોપી રસિક ઘટના સમયે ગાયબ માલુમ પડતા તેની પર શંકા વધુ દ્રઢ બની હતી. બનાવ અંગે પોલીસે આરોપીની વધુ પુછપરછ કરી હત્યામાં વપરાયેલ ચીજ વસ્તુ જ્પ્ત કરવા તજવીજ હાથ ધરી હતી. અને આરોપીને કોર્ટમાં રજુ કરી રીમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી હતી.

દેવાબાપાની જગ્યા પાસે બાળકની હત્યા થયા બાદ અનેકવિધ ચર્ચાઓ શરૂ થઈ હતી. એકવાત એવી પણ જોરશોરથી ચર્ચાઈ હતી કે તાંત્રિક વિધિ માટે બાળકની હત્યા થઈ હોવી જોઈએ. જો કે મોરબી પોલીસે આરોપીને પકડીને હત્યાનો ભેદ ઉકેલી નાખ્યો છે અને હત્યા કરવા પાછળનું કારણ એવું જણાવાયું છે કે, પાંચ વર્ષનો બાળક આરોપીની પુત્રી સાથે રમતા રમતાં બીભત્સ ચેનચાળા કરતા હોવાથી તેની હત્યા કરી નખાઈ છે. પરંતુ અહિંયા પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે કે, પાંચ વર્ષનો બાળક બીભત્સ ચેનચાળા કરી શકે?, પાંચ વર્ષના બાળકને એ ખબર પડે કે બીભત્સ ચેનચાળા કોને કહેવાય? જો કે પોલીસે તો હાલ આરોપીની વાત માની લીધી છે.