સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ મૂકી વડોદરા કોર્પોરેશને કહ્યું “આ વસ્તુ વાપરો હવે”

સ્વચ્છ ભારત મિશન હેઠળ સિંગલ યુઝ પ્લાસ્ટિકના ઉપયોગ કરવા ઉપર વડોદરા શહેરમાં મ્યુનિસિપલ કોર્પોરેશન પ્રતિબંધ મૂકતી જાહેર નોટિસ જારી કરી છે.

મ્યુનિસિપલ કમિશનરે જારી કરેલી આ નોટિસમાં કહ્યું છે કે સ્વચ્છ ભારત મિશન હેઠળ ભારત સરકારે તારીખ 18 માર્ચ 2016ના રોજ પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ નિયમો જાહેર કર્યા છે. જે સંદર્ભે કોર્પોરેશન પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ બાયલોઝ મંજૂર કર્યા છે. કેન્દ્ર સરકારના પર્યાવરણ વન અને જળવાયુ પરિવર્તન મંત્રાલય દ્વારા તારીખ 21 જાન્યુઆરીથી સિંગલ યુઝ પ્લાસ્ટિકનો વપરાશ બંધ કરી ઇકો ફ્રેન્ડલી ચીજવસ્તુઓનો વપરાશ વધે તે માટે ગાઇડલાઇન પ્રસિદ્ધ કરી છે.

પ્લાસ્ટિક ફ્રી ભારત અભિયાન અંતર્ગત વડોદરા શહેરની પ્લાસ્ટિક ફ્રી સીટી બનાવવા ઝુંબેશ શરૂ કરાશે. જે માટે જાહેર કાર્યક્રમો અને સ્થળોએ સિંગલ યુઝ પ્લાસ્ટિક એટલે કે એક વખત ઉપયોગમાં લેવાતું પ્લાસ્ટિક જેમકે પ્લાસ્ટિકના કપ, પ્લાસ્ટિકની ડીશ, ગ્લાસ, ચમચી, સ્ટ્રો, બાઉલ, કન્ટેનર, થરમોકોલ, કપ, ડીશ, ફુડ પેકેજીંગ, પ્લાસ્ટિક, પ્લાસ્ટિકના ફૂલો, ઝંડા, બેનર, ફોલ્ડર, કેરી બેગ વગેરેનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ મુકાયો છે.

જો કોઈ વ્યક્તિ કે સંસ્થા સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ કરશે તો કોર્પોરેશન તેની સામે દંડાત્મક કાર્યવાહી કરશે. સિંગલ યુઝ પ્લાસ્ટિકને બદલે ઇકો-ફ્રેન્ડલી વસ્તુઓ વાપરવા સુચના આપી છે.