રિલાયન્સ સાથે ડીલ કરનારા સાઉદીના અરામકોના બે પ્લાન્ટમાં ડ્રોનથી બે વિસ્ફોટ કરાયા

દુનિયાની સૌથી મોટી તેલ ઉત્પાદક કંપની અરામકોના બે પ્લાન્ટમાં  શનિવારે ડ્રોનથી બે ધડાકા કરવામાં આવ્યા હતા. અબકૈક અને ખુરૈસમાં આ કંપનીના ઓઇલફિલ્ડ છે ત્યાં આ ધડાકા થયા હતા. સાઉદી અરબના ગૃહ મંત્રાલયે આ ઘટનાની જાણકારી આપી હતી. અત્યાર સુધી સરકાર અને અરામકો તરફથી આ ઘટનાને લઇને કોઇ નિવેદન નથી આવ્યું. ધડાકાની જાહેરાત સૌથી પહેલા દુબઈની ચેનલ અલ અરેબિયાએ આપી હતી. ત્યારબાદ ચેનલમાં જણાવાયું હતું કે ધડાકાથી લાગેલી આગ પર કાબૂ મેળવી લેવાયો છે.

અરામકો પાસે વિશ્વનો સૌથી મોટો ક્રૂડ ઓઇલ પ્રોસેસિંગ પ્લાન્ટ છે. અહીં ખરાબ ક્રૂડને પણ સ્વીટ ક્રૂડમાં બદલવામાં આવે છે. ત્યારબાદ ક્રૂડને વિદેશમાં નિકાસ કરવા માટે મોકલવામાં આવે છે. એક અનુમાન પ્રમાણે અરામકો એક દિવસમાં 70 લાખ બેરલ ક્રૂડ પ્રોસેસ કરે છે.

ગત વર્ષોમાં અરામકો પ્લાન્ટ આતંકવાદીઓના નિશાના પર રહ્યો છે. ફેબ્રુઆરી ૨૦૦૬માં અલકાયદાએ તેલ કંપની પર ફિદાયીન હુમલાની કોશિષ કરી હતી જેને નાકામ કરી દેવામાં આવી હતી.

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ઓઇલ રિફાઇનરી અને કેમિકલ બિઝનેસમાં સાઉદી અરામકો 1.06 લાખ કરોડ રૂપિયાથી 20 ટકા ભાગીદારી ખરીદશે. રિલાયન્સમાં આ અત્યાર સુધીનું સૌથી મોટું વિદેશી રોકાણ છે. દેશના મોટા રોકણમાં પણ તે સામેલ છે. આ ડીલનો કરાર 5 લાખ 32 હજાર 466 કરોડ રૂપિયાની વેલ્યૂએશન પર થયો છે. રિલાયન્સ ચેરમેન મુકેશ અંબાણીએ ઓગસ્ટમાં 42મી એજીએમમાં આ જાણકારી આપી હતી.

રિલાયન્સે જણાવ્યું કે અરામકોથી ડીલ પૂરી કરવા માટે રેગ્યુલેટરી અને અન્ય મંજૂરી લેવી પડશે. ડીલ અંતર્ગત અરામકો જામનગર(ગુજરાત) સ્થિત રિલાયન્સની બે રિફાઇનરીને પ્રતિ દિવસ 7 લાખ બેરલ ક્રૂડ સપ્લાય કરશે. અરામકો સાઉદી અરબની સરકારી તેલ કંપની છે.