અમદાવાદ, વડોદરા, સૌરાષ્ટ્ર અને સુરત સહિત દ.ગુજરાતમાં દેમાર વરસાદ, જાણો ક્યાં કેવી સ્થિતિ સર્જાઈ?

હવામાન વિભાગે હજુ 48 કલાક ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી કરી છે. અરબી સમુદ્ર પર સાયક્લોનિક સરક્યુલેશન અને લો-પ્રેશર સક્રિય હોવાના કારણે હવામાન વિભાગ સતર્ક છે. ભારે વરસાદની આગાહી વચ્ચે ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં હળવોથી ભારે વરસાદ પડી રહ્યો છે. દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે.

હવામાન વિભાગે હજુ 48 કલાક ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી કરી છે. અરબી સમુદ્ર પર સાયક્લોનિક સરક્યુલેશન અને લો-પ્રેશર સક્રિય હોવાના કારણે હવામાન વિભાગ સતર્ક છે. ભારે વરસાદની આગાહી વચ્ચે ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં હળવોથી ભારે વરસાદ પડી રહ્યો છે. દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે.

અમદાવાદમાં ધોધમાર વરસાદ પડ્યો છે. શહેરના દક્ષિણ ઝોનમાં સૌથી વધુ 3 ઈંચ વરસાદ થયો છે. જ્યારે પૂર્વ ઝોન અને દક્ષિણ પશ્ચિમ ઝોનમાં અઢી-અઢી ઈંચ વરસાદ થયો છે. જ્યારે ઉત્તર ઝોનમાં 2 ઈંચ જ્યારે પશ્ચિમ ઝોનમાં પોણા બે ઈંચ વરસાદ થયો છે. આ તરફ ઉત્તર પશ્ચિમ ઝોન અને ઉત્તર ઝોનમાં દોઢ-દોઢ ઈંચ વરસાદ થયો છે.

અમદાવાદ શહેરના પશ્ચિમ વિસ્તારની વાત કરીએ તો ભારે વરસાદથી ઠેર-ઠેર પાણી ભરાયાં છે. જેને લઇને સેટેલાઇટ, શિવરંજની, બોપલ, ઘુમા, સોલા વિસ્તારમાં પાણી ભરાયાં છે. શહેરના અનેક અંડરબ્રિજમાં ભારે વરસાદના કારણે પાણી ભરાઇ ગયા હતા. અમદાવાદ પૂર્વના જશોદાનગર, સરસપુર, ગોમતીપુર, મણિનગર ઉપરાંત પશ્ચિમના સૅટેલાઇટ, શિવરંજની, બોપલ, શીલજ સહિતના વિસ્તારોમાં ઘૂંટણસમાં પાણી ભરાયાં હતાં. એસ. જી. હાઇવેનો સર્વિસ રોડ પણ પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. અમદાવાદમાં અનરાધાર વરસાદ થતાં ઠેર ઠેર ટ્રાફિક જૅમનાં દૃશ્યો સર્જાયાં છે.

સૌરાષ્ટ્રના દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જામનગર, રાજકોટ તથા દક્ષિણ ગુજરાતના સુરત, વલસાડ અને મધ્ય ગુજરાતના વડોદરા સહિતના જિલ્લાઓમાં અનેક સ્થળોએ ભારે વરસાદ પડ્યો છે.સ્કાયમેટ વેધરના રિપોર્ટ અનુસાર છેલ્લા 24 કલાકમાં રાજકોટમાં 66, કંડલામાં 65, અમદાવાદમાં 46, ઓખામાં 45, વેરાવળમાં 39 અને પોરબંદરમાં 21 મિલીમિટર વરસાદ પડ્યો છે.

અમદાવાદ ઉપરાંત ગાંધીનગરમાં પણ વરસાદ વરસી રહ્યો છે. ગુજરાતમાં આ વરસે મેઘકૃપા થતાં રાજ્યના ૩૩ પૈકીના બાવીસ જિલ્લામાં ૧૦૦ ટકાથી વધુ વરસાદ વરસી ચૂક્યો છે. ઝોન મુજબ ઉત્તર ગુજરાતને બાદ કરતાં દક્ષિણ, મધ્ય તેમ જ સૌરાષ્ટ્ર અને કચ્છમાં સીઝનનો સંપૂર્ણ વરસાદ વરસી ચૂક્યો છે. જળાશયો પણ છલકાઈ ગયાં છે.

વડોદરા શહેર અને જિલ્લામાં રાત દરમિયાન ૪ ઇંચ સુધી વરસાદ ખાબક્યો હતો, જેને પગલે વડોદરા શહેર અને જિલ્લામાં સર્વત્ર પાણી-પાણી થઈ ગયું છે. આજવા ડૅમના કૅચમેન્ટ એરિયામાં ૬૧ મિ.મી. જેટલા વરસાદને પગલે ડૅમની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે, જેનું પાણી વિશ્વામિત્રી નદીમાં ઠલવાઈ રહ્યું છે, જેથી વિશ્વામિત્રી નદીની સપાટીમાં રાતથી જ વધારો થઈ રહ્યો છે. કૅચમેન્ટ એરિયામાં ભારે વરસાદને પગલે આજવા ડૅમની સપાટી હાલ ૨૧૨.૭૫ ફીટ પર પહોંચી છે અને વિશ્વામિત્રી નદીની સપાટી ૧૨.૭૫ ફીટ પર પહોંચી છે. ભારે વરસાદને પગલે વડોદરા જિલ્લામાંથી પસાર થતી ઢાઢર નદી હાલ બે કાંઠે વહી રહી છે, જેને પગલે કંટેશ્વર ગામમાં જવાનો રસ્તો બંધ થઈ ગયો છે.

સૌરાષ્ટ્ર, પૂર્વ-મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાતમાં થશે ભારે વરસાદની આગાહી કરી છે. તેના સિવાય સોમનાથ, જૂનાગઢ, અમરેલી, નવસારીમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. બીજી બાજુ ભારે વરસાદની આગાહીના પગલે હવામાન વિભાગે સુરત, ભરૂચ અને ગાંધીનગરમાં NDRFની ટીમો તૈનાત કરી દીધી છે.