ભારે વરસાદને કારણે 114 ડેમો હાઈ ઍલર્ટ પર, 200 ગામડાં ઍલર્ટ

ગુજરાતમાં છેલ્લા અઠવાડિયાથી પડી રહેલા ભારે વરસાદને કારણે રાજ્યના 100થી વધુ ડૅમોને હાઈ ઍલર્ટ પર મૂકવામાં આવ્યા છે.સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ બાદ હાલ મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ભારે વરસાદ વરસી રહ્યો છે.ચોમાસામાં મોડેથી શરૂ થયેલા પરંતુ સતત વરસી રહેલા વરસાદને કારણે ગુજરાતના મોટા ભાગના ડૅમો ભરાઈ ગયા છે.ડૅમોના ઉપરવાસમાં થઈ રહેલા વરસાદને કારણે રાજ્યને તેના અડધા ડૅમોને હાઈ ઍલર્ટ પર મૂકવાની ફરજ પડી છે.ગુજરાતમાં આવેલા 204 ડૅમોમાંથી 114 ડૅમોને હાઈ ઍલર્ટ પર મૂકવામાં આવ્યા છે. જેમાં તેની કુલ કૅપેસિટીના 90 જેટલું પાણી આવી ગયું છે.

સરદાર સરોવર ડૅમની સ્થિતિ શું છે?

નર્મદા નદી પર આવેલા સરદાર સરોવર ડૅમમાં પણ તેની કુલ કૅપેસિટીના 90 ટકા પાણી આવી ગયું છે.સરદાર સરોવર ડૅમની કુલ કૅપેસિટી 138.6 મીટર છે, જ્યારે હાલની તેની પાણીની સપાટી 136 મીટર સુધી પહોંચી ગઈ છે.મધ્ય પ્રદેશમાં પડી રહેલા ભારે વરસાદને કારણે સરદાર સરોવર ડૅમ તેની ફુલ કૅપેસિટી સુધી થોડા જ દિવસોમાં પહોંચી જાય તેવી શક્યતા છે.ડૅમમાંથી એક મિલિયન ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. ડૅમમાંથી છોડવામાં આવતા પાણીને કારણે નર્મદા, ભરૂચ અને વડોદરા જિલ્લાનાં કુલ 200 ગામને ઍલર્ટ કરવામાં આવ્યાં છે.

ગુજરાતમાં 100 ટકા કરતાં પણ વધારે વરસાદ

ગુજરાતમાં હાલ સરેરાશ પડતા વરસાદ કરતાં 13 ટકા વધુ વરસાદ થયો છે.ગુજરાતમાં અત્યાર સુધી કુલ 926.59 મિલીમિટર વરસાદ થયો છે, જે રાજ્યની લાંબાગાળાની સરેરાશ 816 મિલીમિટર કરતાં પણ વધારે છે.આ વર્ષે ગુજરાતમાં જૂન અને જુલાઈ મહિનામાં અનુક્રમે 108 મિલીમિટર અને 222 મિલીમિટર વરસાદ થયો હતો.જ્યારે ઑગસ્ટ મહિનામાં વરસાદે જોર પકડ્યું હતું અને મહિનાના અંતે રાજ્યમાં કુલ 446 મિલીમિટર વરસાદ થયો હતો.હાલના સપ્ટેમ્બર મહિનામાં 10 તારીખ સુધી 150 મિલીમિટર વરસાદ પડી ચૂક્યો છે.