આવતી કાલે PM મોદી દિલ્હીમાં ગરવી ગુજરાત ભવનનું ઉદ્ધાટન કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે એટલે કે બીજી સપ્ટેમ્બરે ગણેશ ચતુર્થીના પર્વે નવી દિલ્હીમાં 7066 ચોરસ મીટરના વિશાળ વિસ્તારમાં આકાર પામેલા ગરવી ગુજરાત ભવનનું ઉદઘાટન કરશે. આ સમયે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્ય મંત્રી નીતિન પટેલ, વિદેશ મંત્રી એસ જયશંકર, અન્ય મંત્રીઓ અને આમંત્રિતો સાંજે સાત વાગ્યે ઉદઘાટન સમયે ઉપસ્થિત રહેશે.

ઉલ્લેખનીય છે કે, નવી દિલ્હીના પ્રવર્તમાન ગુજરાત ભવન ઉપરાંત એક વધારાના ભવનની જરૂરિયાત જણાતા રાજ્ય સરકારની માંગ અનુસાર ભારત સરકારે 25-B, અકબર રોડ પર 7066 ચોરસ મીટર જમીન આ ભવન માટે ફાળવી આપી હતી. ત્યાં ગરવી ગુજરાત ભવન બે જ વર્ષના ટૂંકા સમય ગાળામાં નિર્માણ પામ્યું છે.

આ નવું ભવન પ્રધામંત્રીની સંકલ્પના મુજબ ગુજરાતની આગવી ઓળખ પ્રસ્થાપિત કરનારું બનાવવામાં આવેલું છે. ગરવી ગુજરાત ભવન નવી દિલ્હીમાં ગુજરાતીઓને માત્ર આવાસ સુવિધા જ નહીં સાથેસાથે ગુજરાતના પારંપરિક હસ્ત કલા કારીગીરી કસબની વસ્તુઓનું પ્રોત્સાહન કેન્દ્ર તેમજ પ્રવાસન અને ઔદ્યોગિક રોકાણ માટે નું પ્લેટફોર્મ પણ પૂરું પાડશે.