ગરીબીથી કંટાળીને કરી હતી આત્મહત્યાની કોશિશ, આજે છે 700 કરોડની માલિક

કેટલાકો લોકોનું જીવન કોઈ ફિલ્મની વાર્તાથી કંઈ ઓછું હોતું નથી. તેમના જીવનમાં એટલા ઉતાર-ચઢાવ હોય છે તે સાંભવીને તમે વિશ્વાસ નહીં કરી શકો. કંઈક આવી જ વાત છે મહારાષ્ટ્રના અકોલા જિલ્લાના નાનકડા ગામના ગરીબ દલિત પરિવારમાં જન્મેલી કલ્પના સરોજની. કલ્પનાને બાળપણથી જ ગરીબીનો સામનો કરવો પડ્યો હતો. નાની-નાની જરૂરિયાતો પણ પૂરી થઈ શકતી નહોતી. દલિત સમાજની હોવાને કારણે તેને અને પરિવારને સમાજની ઉપેક્ષાનો સામનો કરવો પડ્યો. આ સાથે બાળલગ્નની કુપ્રથાનો શિકાર થવું પડ્યું. કલ્પના સરોજનું ઘર બદલાયું પરંતુ પરિસ્થિતિ તેવી જ રહી. પોતાનું ગુજરાન ચલાવવા માટે 2 રૂપિયા પ્રતિ દિવસ મજૂરી કરવી પડી.

બાળપણથી જ મુશ્કેલીઓનો સામોન કરતી કલ્પનાની હિમ્મતે એક સમયે જવાબ આપી દીધો અને આપઘાત કરવાનો નિર્ણય કર્યો. જીવ આપવા માટે ઝેર પી લીધું પરંતુ નસીબને કંઈક અલગ જ મંજૂર હતું. ત્યાર બાદ તેણે ફરી પાછુ વળીને ક્યારેય જોયું નથી. પોતાની મહેનત અને લગનના દમ પર કલ્પના આજે 700 કરોડની કંપનીની માલિક છે. કલ્પના કરોડોનું ટર્નઓવર કરતી કંપની ‘કમાની ટ્યૂબ્સ’ની ચેરપર્સન અને પદ્મશ્રી એવોર્ડથી સમ્માનિત છે. આ ઉપરાંત કલ્પના સરોજ કમાની સ્ટીલ્સ, કેએસ ક્રિએશન્સ, કલ્પના બિલ્ડર એન્ડ ડેવપર્સ, કલ્પના એસોસિએટ્સ જેવી અનેક કંપનીઓની માલકિન છે.

પિતા પોલીસ કોન્સ્ટેબલ હતા
કલ્પના સરોજનો જન્મ વર્ષ 1961માં મહારાષ્ટ્રના નાનકડા ગામ રોપરખેડાના ગરીબ દલિત પરિવારમાં થયો હતો. કલ્પનાના પિતા પોલીસ કોન્સ્ટેબલ હતા અને તેમનો પગાર માત્ર 300 રૂપિયા હતો. આટલી આવકમાં તેમણે કલ્પના સહિત તેના 2 ભાઈ, 3 બહેન, દાદા-દાદી અને કાકાનો ખર્ચ પણ ઉઠાવવો પડતો હતો. આખો પરિવાર પોલીસ ક્વાટર્સમાં રહેતો હતો. ઘરની પરિસ્થિતિ ખરાબ હતી અને જેથી કલ્પના છાણા બનાવીને વેચતી હતી. કલ્પના નજીકમાં આવેલી સરકારી શાળામાં અભ્યાસ કરવા જતી હતી.

12 વર્ષે જ લગ્ન કરી મુંબઈ પહોંચી ગઈ
કલ્પના જે સમાજમાંથી આવતી હતી ત્યાં છોકરીઓને ‘ઝેરની પોટલી’ ગણવામાં આવતી હતી. ઘરના લોકો બાળકીઓને બોજ સમજી તેના જલદી લગ્ન કરાવી દેતા હતા. કલ્પના જ્યારે 12 વર્ષની અને ધોરણ 7માં ભણતી હતી ત્યારે સમાજના દબાણને કારણે તેના પિતાએ અભ્યાસ છોડાવી દીધો અને તેનાથી 10 વર્ષ મોટા છોકરા સાથે લગ્ન કરાવી દીધા. લગ્ન બાદ તે મુંબઈની ઝુંપડપટ્ટીમાં આવી પહોંચી. સાસરીમાં પણ તેને ત્રાસ આપવામાં આવતો હતો. લગ્નના 6 મહિના પછી તેના પિતા મળવા માટે મુંબઈ આવ્યા તો પુત્રીની હાલત જોઈને તે રોઈ પડ્યા અને કલ્પનાને પોતાની સાથે ગામ પરત લઈ આવ્યા.

આપઘાત કરવા માટે પી લીધી જંતુનાશક દવા
કલ્પના સાસરી છોડીને પિયરમાં આવી જતા તેની સજા પરિવારને ભોગવવી પડતી હતી. સમાજે પંચાયત બોલાવીને પરિવારનો બહિષ્કાર કર્યો. જેથી કલ્પનાને તમામ રસ્તા બંધ દેખાવા લાગ્યા અને જીવન જીવવાનો કોઈ હેતુ ન લાગ્યો. જેથી કંટાળીને તેણે આત્મહત્યા કરવાનો નિર્ણય કર્યો.  એક દિવસ 3 બોટલ જંતુનાશક દવા પી લીધી પરંતુ એક મહિલાએ તેનો જીવ બચાવી લીધો.

નવા સપના સાથે ફરી મુંબઈ આવી
આત્મહત્યાની કોશિશ બાદ કલ્પના 16 વર્ષની ઉંમરે ફરી મુંબઈ પરત આવી, પરંતુ આ વખતે નવી આશાઓ સાથે આવી હતી. કલ્પનાને કપડાની સિલાઈ કરતા આવતી હતી જેથી એક ગારમેન્ટ કંપનીમાં નોકરીમાં લાગી ગઈ. જ્યાં એક દિવસની 2 રૂપિયા મજૂરી મળતી હતી. નોકરી સાથે કલ્પનાએ ઘરે પણ બ્લાઉઝ સિવવાનું શરૂ કર્યું. એક બ્લાઉઝના 10 રૂપિયા મળતા હતા. આ દરમિયાન કલ્પનાની બીમાર બહેનને સારવાર ન મળતા તેનું મોત થયું. આ ઘટનામાં કલ્પના ફરી ભાંગી પડી. જેથી તેણે વિચાર કર્યો કે રોજ 4 બ્લાઉઝ સીવે તો 40 રૂપિયા મળે અને ઘરે પણ મદદ કરી શકાય. તેણે વધુ મહેનત કરી અને દિવસમાં 16 કલાક કામ કરી પૈસા બચાવી પરિવારના લોકોની પણ મદદ કરી. કલ્પનાએ જોયું કે સિલાઈ અને બુટીકના કામમાં ઘણી તક છે. તેણે દલિતોને મળતી 50 હજારની સરકારી લોન લઈ એક સિલાઈ મશીન અને અન્ય સામાન ખરીદ્યો અને બુટીક ઓપન કર્યું. દિવસ રાત મહેનત કરી અને બુટીક શોપમાં સારી કમાણી થતા તે પરિવારવાળાઓ મદદ માટે પૈસા મોકલવા લાગી.

17 વર્ષથી બંધ કંપનીને ફરી બેઠી કરી
ધીરે ધીરે પૈસા એકઠા કરીને કલ્પનાએ એક ફર્નીચર સ્ટોર પણ ઓપન કર્યો, જેને ખૂબ સારો રિસ્પોન્સ મળ્યો. તેની સાથે તેણે બ્યૂટી પાર્લર પણ ખોલ્યું અને સાથે રહેલી છોકરીઓને કામ શિખવાડ્યું. કલ્પનાએ ફરી લગ્ન કર્યા પરંતુ પતિનો સાથ લાંબો સમય મળ્યો નહીં. બે બાળકોની જવાબદારી કલ્પના પર છોડી બીમાર પતિનું મોત થઈ ગયું. આ વચ્ચે કલ્પનાને ખબર પડી કે 17 વર્ષ જૂની બંધ પડેલી ‘કમાની ટ્યૂબ્સ’ને સુપ્રિમ કોર્ટે ફરી શરૂ કરવા માટે કહ્યું. કંપનીના કામદારો કલ્પનાને મળ્યા અને કંપનીને ફરી શરૂ કરવામાં મદદ કરવા માટે કહ્યું. આ કંપની અનેક વિવાદો બાદ 1988થી બંધ પડી હતી. કલ્પનાએ વર્કરો સાથે મળીન મહેનત કરી અને બંધ પડેલી કંપનીને ફરી બેઠી કરી.

પદ્મશ્રી અને રાજીવ ગાંધી રત્ન એવોર્ડ મળ્યાં
કલ્પનાની મહેનતનો કમાલ છે કે આજે ‘કમાની ટ્યૂબ’નું કરોડોનું ટર્નઓવર કરી રહી છે. કલ્પના જણાવે છે કે તેમણે ટ્યૂબ બનાવવા અંગે કોઈ માહિતી નહોતી. પરંતુ વર્કરોના સહયોગ અને શિખવાની તૈયારીને કારણે કંપનીને ફરી સફળ બનાવી. સામાજસેવા અને ઉદ્યોગ સાહસિકતા માટે કલ્પનાને પદ્મશ્રી અને રાજીવ ગાંધી રત્ન ઉપરાંત દેશ-વિદેશમાં અનેક પુરસ્કાર મળી ચૂક્યા છે.

સાઉદીમાં ટુરિસ્ટોને ટુંકા કપડા અને જાહેરમાં કિસ પર પ્રતિબંધ

સાઉદી અરબે પહેલીવાર ટુરિસ્ટ વીઝાની શરુઆત કરી છે. પરંતુ આ સાથે પ્રવાસીઓ માટે કેટલીક શરતો પણ રાખી છે. આ શરતો ત્યાં આવતા ટુરિસ્ટોની રહેણી-કહેણી અંગે રાખવામાં આવે છે.

આ શરતો મુજબ જો પ્રવાસીઓ નાના કપડા પહેરે છે. સાર્વજનિક જગ્યાએ કિસ કરતા પકડાશે તો તેમને દંડ ભરવો પડશે. આ નિયમ અંતર્ગત 19 પ્રકારના કામને અપરાધની શ્રેણીમાં સામેલ કરવામાં આવ્યા છે. જેમાં આલ્કોહોલનું સેવન પણ સામેલ છે.

મીડિયા અહેવાલ મુજબ ટુરિસ્ટ વિઝા માટે બનાવવામાં આવેલ વેબસાઇટ પર આ અંગે જાણકારી આપી છે. આ અપરાધોમાં કચરો ફેલાવવો, થુંકવું, વાહનની લેન તોડવી, મંજૂરી વગર લોકોના ફોટો-વીડિયો લેવા અને નમાજ દરમિયાન ગીત વગાડવું વગેરે સામેલ છે. તેમજ એ બાબતની જાણકારી નથી કે અવિવાહીત વિદેશી યુવક-યુવતી હોટેલમાં એકસાથે રહી શકે છે કે નહીં.

નિયમ તોડવા પર 50 રિયાલથી 6 હજાર રિયાલ સુધીનો દંડ થઈ શકે છે. મહત્વનું છે કે ગત દિવસોમાં સાઉદી અરબે 49 દેશો માટે ટુરિસ્ટી વીઝાની શરુઆત કરી છે. આ પહેલા સાઉદી અરબ જતા મુસ્લિમ શ્રદ્ધાળુ, બિઝનેસમેન અને પ્રવાસી કામદારોની સંખ્યા વધારે હતી.

UNમાં ભાવ ન મળ્યો તો ઈમરાન ખાને સ્થાયી પ્રતિનિધિ મલીહા લોધીને હટાવી

જમ્મુ-કાશ્મીરમાં અનુચ્છેદ 370 દૂર કર્યા પછી આકુળ વ્યાકુળ પાકિસ્તાને અનેક દેશો પાસે કાલાવાલા કર્યાં અને યુએનમાં પણ મામલો ઉઠાવ્યો પરંતુ તેને ક્યાંય પણ ભાવ મળ્યો નહોતો. હવે અમેરિકાની ટૂરથી પરત ફર્યા પછી પાકિસ્તાની પ્રધાનમંત્રી ઈમરાન ખાને યુએનમાં પોતાના સ્થાયી પ્રતિનિધિને હટાવ્યાં છે. તેમણે સંયુક્ત રાષ્ટ્ર ન્યુયોર્કમાં પાકિસ્તાનની સ્થાયી પ્રતિનિધિ મલીહા લોધીને હટાવવાની જાહેરાત કરી છે. મલીહાની જગ્યાએ મુનીર અકરમ પાકિસ્તાનનું પ્રતિનિધિત્વ કરશે. યુએનમાં ભાવ ન મળવાના કારણે પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે સોમવારે આ નિર્ણય કર્યો છે.

 

અનિલ અંબાણીની વધુ બે કંપનીઓને તાળાં, હજારો લોકો ગુમાવશે નોકરી

દેવાના સંકટમાં ઘેરાયેલી અનિલ અંબાણી સંચાલિત કંપની રિલાયન્સ કેપિટલ ડિસેમ્બરથી પોતાની બે સબ્સિડરી કંપનીઓ બંધ કરવાનો નિર્ણય લીધો છે. બંને કંપનીઓ ફાયનાન્સના કામકાજ સાથે જોડાયેલી છે. કંપનીએ સોમવારે આ જાણકારી આપી. રિલાયન્સ કેપિટલની બે ફાયનાન્સિંગ કંપનીઓ – રિલાયન્સ કૉમર્શિયલ ફાયનાન્સ તથા રિલાયન્સ હોમ ફાયનાન્સની કુલ સંપત્તિ 25 હજાર કરોડ રૂપિયા છે. આ બંને કંપનીઓ પર તાળાં લાગવાથી હજાર લોકો નોકરીઓ ગુમાવશે.

બે વર્ષ પહેલા રિલાયન્સ કૉમ્યુનિકેશન્સ પર તાળાં લાગ્યા બાદ અનિલ અંબાણીનો આ બીજો મોટો બિઝનેસ છે, જે બંધ થવા જઈ રહ્યો છે. અંબાણી ડિફેન્સ બિઝનેસ રિલાયન્સ નેવલ પણ ભારે આર્થિક સંકટોનો સામનો કરી રહ્યો છે.

અનિલ અંબાણીએ કંપનીની વાર્ષિક બેઠકમાં કહ્યું કે, ‘બિઝનેસ, ટ્રાન્સફોર્મેશન અંતર્તગ રિલાયન્સ કેપિટલે લેન્ડિંગ (લૉન આપનારા) બિઝનેસમાંથી બહાર નીકળવાનો નિર્ણય લીધો છે. અમારા બંને બિઝનેસ રિલાયન્સ કૉમર્શિયલ ફાયનાન્સ અને રિલાયન્સ હોમ ફાયનાન્સ અમારા તમામ લેન્ડર્સ સાથે મળી કામ કરી રહ્યાં છે અને અન્ય હિતધારક રિઝોલ્યૂશન પ્લાનને અંતિમ રૂપ આપશે, જે ડિસેમ્બર પૂરું થઈ જવાની આશા છે.’

ફાયનાન્શિયલ શેર હોલ્ડર તરીકે જળવા રહેશે

તેમણે કહ્યું કે, લેન્ડિંગ બિઝનેસના બંધ ગયા પછી પણ રિલાયન્સ કેપિટલ આ કંપનીઓની ફાયનાન્શિયલ શેર હોલર તરીકે યથાવત રહેશે જેથી નવા મેનેજમેન્ટ અંતર્ગત શેરહોલ્ડર વેલ્યૂમાં વધારો થાય તથા રિલાયન્સ કેપિટલનું દેવુ 25 હજાર કરોડથી નીચે આવી શકે.

રિલાયન્સ કેપિટલમાં 15 હજાર કર્મચારી

1986માં લૉન્ચ થયેલી રિલાયન્સ કેપિટલમાં આશરે 15 હજાર કર્મચારીઓ કામ કરે છે. કંપની પાસે મ્યૂચુઅલ ફંડ અને બે વીમા કંપનીઓ પણ છે, જેમાં જાપાની કંપની નિપ્પોનની 43 ટકા ભાગીદારી છે, જે પહેલા 49 ટકા હતી.

કેન્યામાં મૂળ સૌરાષ્ટ્રના બિઝનેસમેનની લૂંટના ઈરાદે હત્યા

 

મૂળ સૌરાષ્ટ્રના કેશોદ નિવાસી હાલ કેન્યામાં રહેતા ભારતીય બિઝનેસમેનની તેમના જ ઘરમાં હત્યા કરવામાં આવી હતી. આ ઘટના ગત મંગળવારે બની હતી. કેન્યામાં રહેતાં સીમેન્ટ ટાયકૂન ચેતન વ્યાસનો મૃતદેહ તેમના જ ઘરમાંથી મળી આવ્યો હતો. કેન્યા પોલીસે આ ઘટનામાં ત્રણ શકમંદોમાંથી એકની ધરપકડ કરી છે અને હાલ અન્ય આરોપીઓને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યાં છે.

ઘરના બેડરુમમાંથી મળી આવ્યો મૃતદેહ
55 વર્ષના ચેતન વ્યાસનો મૃતદેહ તેમનાં ઘરનાં જ બેડરુમમાંથી મળી આવ્યો હતો. પોલીસે જણાવ્યું હતું કે જ્યારે તેમનો મૃતદેહ મળ્યો ત્યારે તેમના હાથ-પગ બાંધેલા હતાં. કેરીકો ડેપ્યુટી પોલીસ કમાન્ડર પૌલ નાસિઓએ એક સ્થાનિક વેબસાઈટને જણાવ્યાનુસાર આરોપીઓએ ઘરના ધાબા પરથી અંદર પ્રવેશ કર્યો હતો. પૌલના જણાવ્યાનુસાર,’આરોપીઓએ ઘરના ધાબા પર રહેલી ટાઈલ્સને ઉખાડીને ઘરની અંદર પ્રવેશ કર્યો હતો. આ પછી તેઓ રસોડામાંથી બેડરુમ તરફ ગયાં હતાં. જ્યાં ચેતન સૂઈ રહ્યાં હતાં. આ પછી બદમાશોએ દોરડાથી તેમને બાંધ્યા અને મોતને ઘાટ ઉતાર્યાં હતાં.’

ભત્રીજાએ ટ્વિટ કરીને માગી હતી વિદેશમંત્રીની મદદ
ચેતનભાઈના ભત્રીજા અમિત વ્યાસે વિદેશમંત્રી એસ.જયશંકરને ટ્વીટ કરીને મદદ માગી હતી. અમિતભાઈએ ટ્વીટ કરીને લખ્યું હતું કે,’સર, મારા અંકલ જે રાય સીમેન્ટમાં કામ કરી રહ્યાં છે તેમના વિશે સમાચાર જાણવા ઈચ્છું છું.’ જોકે, પરિવારને ચેતનભાઈની કશી જાણ થઈ શકે એ પહેલા જ પરિવારને દુઃખદ સમાચારની જાણકારી મળી હતી.

ત્રણ શકમંદોમાંથી એકની ધરપકડ
કેરિકો કન્ટ્રી ડેપ્યુટી પોલીસ કમાન્ડર પેટ્રિસિયા નાસિયોએ પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે,’ચેતનના ઘરની બહાર રહેલા CCTV ફૂટેજના આધારે ત્રણ શકમંદોમાંથી એકની ધરપકડ કરવામાં આવી છે. જેની ધરપકડ કરવામાં આવી છે તે ગાર્ડ તરીકે રાયની સીમેન્ટ ફેક્ટરીમાં જ નોકરી કરતો હતો.’ નાસિયોએ એ પણ ઉમેર્યું હતું કે, ‘મૃતકનું ગળું દબાવીને હત્યા કર્યા પછી બદમાશોએ ઘરની તોડફોડ કરી હતી અને છ કોથળીઓ લૂંટી લીધી હતી. નાસીયોએ જણાવ્યું હતું કે, અમારી પાસે ચોક્કસ બાતમી નથી કે આખરે એ કોથળીઓમાં શું હતું અને આ હત્યા કરવા પાછળનો હેતું શું છે?’

પ્લાસ્ટિકના કચરામાંથી બનાવ્યો વિશાળ ચરખો, ગાંધી જયંતી પર કરાશે લોકાર્પણ

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની 150મી જન્મ જયંતીની પૂર્વ સંધ્યાએ નોએડામાં 1250 કિલો વજનના ચરખાનું લોકાર્પણ કરવામાં આવશે, જેને પ્લાસ્ટિકના કચરામાંથી બનાવવામાં આવ્યો છે. નોએડા ઑથોરિટીએ સોમવારે કહ્યું કે, આ ચરખો ગાંધીજીના સ્વદેશીના સપનાને દર્શાવે છે. પ્લાસ્ટિકના કરચામાંથી બનાવવામાં આવેલો આ અત્યાર સુધીનો સૌથી મોટો ચરખો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.

ઑથોરિટીએ જણાવ્યું કે, આ ચરખો બનાવવામાં આશરે 1250 કિલો પ્લાસ્ટિકના કચરાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ચરખાને સેક્ટર 94માં લગાવવામાં આવ્યો છે. મહામાયા ફ્લાઈઓવર પાસે સ્થિત ચરખાનું ઉદઘાટન મંગળવારે ગૌતમ બુદ્ધ નગરના સાંસ મહેશ શર્મા અને નોએડાના ધારાસભ્ય પંકજ સિંહ કરશે.

ચરખાનો આકાર 14X20X8 ફૂટ છે. નોએડા ઑથોરિટીની CEO રિતુ માહેશ્વરીએ કહ્યું કે, આ લોકોની વચ્ચે પ્લાસ્ટિકનો યોગ્ય રીતે ઉપયોગ કરવા માટે જાગૃતતા લાવવાનો પણ પ્રયાસ છે. તેમના હવાલેથી કહેવામાં આવ્યું કે, ‘વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એકવાર પ્લાસ્ટિકનો ઉપયોગ બંધ કરવાનું આહવાન કર્યું હતું અને નોએડા આ દિશામાં પ્રયત્નો કરી રહ્યું છે. અમે નોએડામાં સામાન્ય નાગરિકો અને સંસ્થાઓ તથા સંગઠનોને સ્વેચ્છાએ પ્લાસ્ટિક કચરાનો સંગ્રહ કરવા માટે 11 સપ્ટેમ્બરથી 27 ઑક્ટોબર સુધી અભિયાન ચલાવી રહ્યાં છીએ.’

અમદાવાદમાં ભારે વાવાઝોડા સાથે વરસાદ, કેટલીક જગ્યાએ વૃક્ષો ધરાશાયી

અમદાવાદમાં છેલ્લા કેટલાક સમયથી ભારે વરસાદ પડી રહ્યો છે. અમદાવાદમાં સોમવાર રાત્રે ફરી ભારે પવન સાથે વરસાદ શરૂ થયો હતો. હવામાન વિભાગ દ્વારા 40થી 45Km/hની ઝડપે પવન ફૂંકાવાની આગાહી કરવામાં આવી છે.તો બીજી તરફ અનેક જગ્યાએ વૃક્ષો ધરાશાયી પણ થયા હતા.

અમદાવાદમાં ભારે પવન સાથે વરસાદ

અમદાવાદના કેટલાક વિસ્તારમાં ભારે પવન ફૂંકાવાની સાથે વરસાદ શરૂ થયો છે. હવામાન વિભાગ દ્વારા પણ આગામી 12 કલાક 40થી 45 Km/hની ઝડપે પવન ફૂંકાવાની આગાહી કરવામાં આવી છે. અમદાવાદમાં ભારે પવનને કારણે ચાંદખેડા સહિતના કેટલાક વિસ્તારમાં વૃક્ષ પણ ધરાશાયી થયા હતા. કૃષ્ણનગર રોડ,નવાવાડજ ખાતે પણ એક કાર પર ઝાડ પડ્યુ હતું.હવામાન વિભાગ દ્વારા કહેવામાં આવ્યુ છે કે ભારે પવન ફુંકાવાની સ્થિતિમાં લોકોએ સુરક્ષિત જગ્યાએ ઉભુ રહેવુ જોઇએ.

કેટલીક જગ્યાએ નવરાત્રિ પણ રદ

ભારે વરસાદ અને પવનને કારણે ગરબા રસીકોએ પણ નિરાશ થવાનો વારો આવ્યો હતો. કેટલાક ક્લબ તેમજ પાર્ટી પ્લોટમાં વરસાદને કારણે આયોજકોએ નવરાત્રિનો પોગ્રામ રદ કરી દીધો હતો જેને કારણે ગરબા રસીકોએ ટ્રેડિશનલ ડ્રેસમાં પરત ફરવાનો વારો આવ્યો હતો.

અમરેલી SOGએ હત્યા કરી લૂંટ ચલાવતા સિરિયલ કિલરને પકડ્યો

અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના હાડીડા ગામે વૃધ્ધાનું ખૂન કરી લૂંટ કરનાર સિરિયલ કિલરની અમરેલી એસઓજીએ ધરપકડ કરી છે. આરોપી ઝડપાતા અમરેલી તથા ભાવનગર જીલ્લામાં બનેલા પાંચ વણશોધાયેલી હત્યાના ભેદ ઉકેલાયા છે. સિરિયલ કિલરે ભાવનગર તથા અમરેલી જિલ્લામાં હત્યા કરીને માનસિક સંતોષ લેવા માટે નિશાની રૂપે મૃતકની કોઈ વસ્તુ લઇ જતો હતો. તેને જોઈ અને માનસિક આનંદ મેળવતો હતો. તેને પૈસાની જરૂરિયાત પડતા એમાંથી કેટલીક વસ્તુઓ વેચી દીધી હતી. જેમાં બે સોનીની પણ ધરપકડ કરવામાં આવી છે. અમરેલી SOGએ છેલ્લા ત્રણ મહિનામાં લાઠીદડ ગેંગ અને સીરિયલ કિલર મળી જિલ્લાની 12 હત્યાના ભેદ ઉકેલ્યા છે.

 

હાડીડાના વૃદ્ધાની હત્યા કરી હતી
24 સપ્ટેમ્બરનાં રોજ હાડીડા ગામના જાનબાઇબેન નરશીભાઇ ઘોડાદ્રા, (ઉં.વ.આશરે 70) ઘરે એકલા હતાં ત્યારે કોઇ અજાણ્યા ઇસમે જાનબાઇબેનને દોરી વડે ગળે ટુંપો દઇ મોત નિપજાવી હતી. તેમણે પહેરેલી સોનાની ટોટો જોડી, સોનાની કડીઓ, સોનાની નખલી સોનાનો નાકનો દાણો, પ્લાસ્ટીકના પાટલા, સોનાની ચીપ્સ વાળાતથા પગના ચાંદીના છડાંની કિંમતના દાગીનાની લૂંટ થઈ હતી.

સિરિયલ કિલર મહુવાનો રહીશ, કપાસની દલાલી કરતો
આરોપી મિલન ભકાભાઇ રાઠોડ (રાવળદેવ), (ઉ.વ.32, રહે.સેદરડા, બસ સ્ટેશન સામે, જોગી શેરી, તા.મહુવા, જિ.ભાવનગર)ની એસઓજીની ટીમે હત્યાના ગુનામાં ધરપકડ કરી છે. આરોપી દેખીતી કપાસની દલાલીનો ધંધો કરે છે.

 

એકલતાનો લાભ લઈને વૃદ્ધને શિકાર બનાવતો
કપાસની દલાલી કરવા ગામો-ગામ ફરી, એકલ-દોકલ રહેતા વૃધ્ધ લોકોની રેકી કરી, તેઓની એકલતાનો લાભ લઇ, પાણી પીવાના બહાને ઘરમાં જઇ, હાથેથી અથવા સુતરની દોરી વડે ગળાટુંપો આપી હત્યા કરી નાખતો હતો. ત્યારબાદ મૃતકના શરીર પરથી ઘરેણા તથા રોકડ રકમની લૂંટ કરતો હતો. હત્યા કરી લાશને એવી રીતે ગોઠવીનો જતો કે જેનાથી પ્રથમ દ્રષ્ટીએ હત્યા થયેલાની શંકા ન જાય. લૂંટમાં લીધેલી વસ્તુ પૈકી કોઇ એક વસ્તુ આ લૂંટની નિશાની (ટ્રોફી) તરીકે પોતાની પાસે રાખતો હતો. અને તેને જોઇ જોઇને માનસિક આનંદ મેળવતો હતો.

આરોપીએ લૂંટ માટે કરેલી હત્યાઓની કબુલાત

(1)24 સપ્ટેમ્બરે સાવરકુંડલા તાલુકાના હાડીડા ગામે એક વૃધ્ધાનું દોરી વડે ગળા ટુંપો આપી મોત નિપજાવી, તેના શરીર પરથી સોના ચાંદીના દાગીના મળી 62,800/- લૂંટી લીધા હતા.

(2) 26 ઓગસ્ટે ભાવનગરના મહુવા તાલુકાના લોયંગા ગામે એક વૃદ્ધાનું દોરી વડે ગળા ટુંપો આપી મોત નિપજાવી, તેના શરીર પરથી સોના ચાંદીના દાગીના મળી રૂ.45000 લૂંટી લીધા હતા.

(3) આશરે છ એક માસ પહેલા ભાવનગર જીલ્લાનામહુવા તાલુકાના દેગવડા ગામના લીલુબેન નામના આધેડ મહિલાનું ગળું દબાવી, મોત નિપજાવી,લૂંટ ચલાવી હતી.

(4) આશરે ચારેક વર્ષ પહેલા ભાવનગર જીલ્લાના મહુવા તાલુકાના સેંદરડા ગામના ગોવિંદભાઇ ટપુભાઇ હડીયા પાસેથી પ્રથમ રૂ.60000 અને ત્યાર બાદ રૂ. 40000 વ્યાજે લીધેલા હતા. રૂપિયા પાછા આપવા ન પડે તે માટે ગોવિંદભાઇ ટપુભાઇ હડીયા પોતાના ઘરે ખાટલામાં સુતા હતા ત્યારે તેમનું ગળું દબાવી હત્યા કરી નાખી હતી.

(5) આશરે સતર-અઢાર વર્ષ પહેલા ભાવનગર જિલ્લાના સેંદરડા ગામના રહેવાસી અને પોતાના બાપુજીના કુટુંબી કાકી શાંતુબેન નાનજીભાઇ રાઠોડ ઘરે એકલા હોય, તે સમયે તેના ઘરે જઇ તેમનું ગળું હાથેથી દબાવી હત્યા કરી પાંચ-છ હજાર રૂપિયાની લૂંટ કરી હતી.

 

આરોપીએ આ સિવાય કરેલી ચોરીનાં બનાવોની વિગત

(1) પોતાના ગામના બાવાજીની દીકરી ધારડી તા.તળાજા મુકામે સાસરે
હતા અને તે બહેન નહાવા માટે બાથરૂમમાં જતાં તેમની કાનની સોનાની બુટીની ચોરી કરી હતી.

(2) પોતાના ફઇ કાત્રોડી, તા.જેસર મુકામે સાસર લગ્ન પ્રસંગમાં ગયેલા ત્યારે તેમના સબંધીના દાગીનાની ચોરી કરેલી હતી.

આરોપીઓ પાસેથી મળી આવેલો મુદ્દામાલ

સોના-ચાંદીના દાગીના, રોકડ 58000, બાઈક તથા મોબાઇલ ફોન મળી કુલ કિ.રૂા. 1,12,200નો મુદ્દામાલ સિરિયલ કિલર મિલન પાસેથી પોલીસે કબ્જે કર્યો હતો. જયારે સોની આરોપીઓ પાસેથી 1,03,600 નો મુદ્દામાલ રિકવર કર્યો હતો.

આરોપીની પુછપરછ દરમિયાન તેણે હાડીડા ગામે કરેલી લૂંટ તથા લોંગીયા અને દેગવડા ગામે કરેલી લૂંટનો સોના-ચાંદીનો મુદ્દામાલ મહુવા સરાફ બજારમાં આવેલી નટવરલાલ વી.મથુરાદાસ નામની દુકાને વેચેલી હોવાની કબુલાત કરી હતી. જેથી પોલીસે સોની વેપારીઓને લૂંટનો મુદ્દામાલ રાખવા બદલ ધરપકડ કરી છે. તેઓની પાસેથી હાડીડા ગામે થયેલી લૂંટનો અસલ મુદ્દામાલ રિકવર કર્યો હતો.

 

ધરપકડ કરાયેલા સોની આરોપીઓ
(1) પ્રણવ વિનોદરાય મહેતા, (ઉં.વ.39, રહે.મહુવા, હાઉસીંગ બોર્ડ પાછળ.)
(2) મિહીર નયનભાઇ મહેતા, (ઉં.વ.37, રહે.મહુવા, ગણપતિ મંદિર પાસે, કૃષ્ણ સોસાયટી)

અન્ય ન નોંધાયેલા ગુનાઓની તપાસ
પકડાયેલા સિરિયલ કિલરની પુછપરછ દરમિયાન હજુ પણ વધુ વણ શોધાયેલ ખૂનના ગુનાઓની હકીકત ખુલવા પામે તેવી શક્યતા રહેલી છે. આરોપીએ કબુલાત આપેલી તે પૈકી જે ગુનાઓ નોંધાયેલ નથી, તેવા પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી, ગુનાઓ નોંધવાની તજવીજ હાથ ધરવામાં આવેલી છે.

જાહેર જનતાને અપીલ
(1) ઘરમાં એકલા રહેતાં વૃધ્ધ દંપતિએ તથા સિનીયર સીટીઝનોએ અજાણ્યા ફેરીયા, રાહદારી ઇસમો કે શંકાસ્પદ ઇસમોને ઘરમાં પ્રવેશ ન આપવો.

(2) ઘરમાં પ્રવેશ કરવાના મુખ્ય દરવાજા, ડેલી, ખડકી બંધ રાખવી.

(3) શક્ય હોય તો દરવાજામાં બહાર કોણ છે તે જોવા માટેના મેગ્નીફાઇંગ ગ્લાસ ફીટ કરાવવા.

(4) આવા ગુન્હા આચરતા આરોપીઓ પાણી પીવાના બહાને તથા સરનામું પુછવાના બહાને એકલ-દોકલ વ્યક્તિઓને ટાર્ગેટ બનાવતા હોય છે. જેથી આવી વ્યક્તિઓ પાણી માંગે કે સરનામું પુછે ત્યારે તેમનાથી એક ચોક્કસ અંતર બનાવી રાખવું.

(5) પોતાના રહેણાંક વિસ્તાર આજુ બાજુ કોઇ શંકાસ્પદ વ્યક્તિ આંટા ફેરા મારતો દેખાય તો તરત જ નજીકના પોલીસ સ્ટેશન કે જીલ્લા પોલીસ કન્ટ્રોલ રૂમનો સંપર્ક કરવો.

(6) સતર્કતા એ જ સલામતી છે. સતર્ક રહો, સલામત રહો.

મહેસાણાના ઓશિયા મોલની રાત્રે લિફ્ટ તૂટી બેઝમેન્ટમાં ખાબકી

મહેસાણા બાયપાસ પાસે આવેલા ઓશિયા શોપિંગ મોલમાં ખરીદી કરવા ગયેલા શિક્ષક પોતાના બાળકો સાથે શોપિંગ કરવા ગયા હતા. તેઓ અન્ય લોકો સાથે લિફ્ટમાં ઊભા રહ્યા કે ગણતરીની સેકન્ડોમાં ઘડાકાભેર લિફ્ટ તૂટીને બેઝમેન્ટમાં ખાબકી હતી. લિફ્ટ તૂટતા જ અંદર રહેલા લોકોએ બૂમાબૂમ કરી મૂકી હતી. જો કે, અંદર રહેલા પરિવારે અન્યને હિંમત આપી હતી. મોલના કર્મચારીઓને લિફ્ટ તોડીને તમામને બહાર કાઢ્યા હતા.

લોકો ડરી ગયા
લિફ્ટ તૂટી પડતા અંદર રહેલા લોકો બૂમાબૂમ કરી મૂકી હતી. ડરના માર્યા લોકો અને બાળકો ધ્રૂજતા હતા. ત્યારે અંદર રહેલા પ્રાથમિક સ્કૂલના શિક્ષક મુકેશ પરીખે તેમના બાળકો સાથે મળીને અંદર રહેલા લોકોને મોટિવેટ કર્યા હતા. લોકોએ જીવવાની આશાઓ છોડી દીધી હતી. ત્યારે મુકેશ તેમના બાળકો સાથે અન્યને હિંમત આપતા દેખાયા હતા.
લિફ્ટમાં મોબાઈલ નેટવર્ક ગુમ
લિફ્ટમાં મોટી સંખ્યામાં બાળકો મહિલાઓ સહિતના લોકો હતા. કેપેસિટી મુજબના લોકો લિફ્ટમાં હતા કે કેમ એ જાણી શકાયું નથી. પરંતુ લિફ્ટમાં 15થી વધારે લોકો હતા. લિફ્ટમાં મોબાઈલ નેટવર્ક પણ આવતું બંધ થઈ જતા લોકો વધારે ચિંતીત બન્યા હતા.

મોલના કર્મીઓ વહારે આવ્યા
ઓશિયા મોલના કર્મચારીઓ દેવદૂત બનીને લિફ્ટમાં ફસાયેલા લોકોને બચાવવા પ્રયાસ કર્યા હતા. ભારે જહેમત બાદ મોલના કર્મીઓએ લિફ્ટનો દરવાજો તોડીને બધાને એકબાદ એક બહાર કાઢ્યા હતા. લિફ્ટમાં ફસાયેલાઓને નવી જિંદગી મળ્યાનો અનુભવ થયો હતો.

બનાસકાંઠાના ભાભરમાં 5 કલાકમાં ધમાકેદાર 5 ઈંચ વરસાદથી ખેડૂતો એરંડા કપાસ જુવાર પાકને મોટું નુકસાન

ભાભર તાલુકા પંથકમાં પાછોતરા વરસાદે કુદરતી મહેરના બદલે કહેર વર્તાવ્યો છે. નવરાત્રિના બીજા દિવસે ધોધમાર વરસાદ પડતા શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા અને ખેડૂતોના ઊભા પાકને મોટું નુકસાન થવા પામ્યું છે.

ઢીંચણ સમા પાણી ભરાયા
છેલ્લા 24 કલાકમાં સાત ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. જ્યારે આજે પાંચ કલાકમાં પાંચ ઇંચ જેટલો વરસાદ પડતા મુશ્કેલીઓ વધી જવા પામી છે. ભાભર શહેરના લાટી બજાર ખાડીયા વિસ્તાર આઝાદ ચોક વાવ રોડ અને નીચાણવાળી સોસાયટી વિસ્તારમાં ઢીંચણ સમા પાણી ભરાઇ જવા પામ્યા હતા. વરસાદી પાણીના નિકાલ માટેની ભૂગર્ભ ગટર લાઇનો પાણી ગાળી ન શકતા મુશ્કેલી સર્જાઇ હતી.

 

લીલા દુષ્કાળના એંધાણ
ભાભર મામલતદારના આદેશથી પાલિકાના વહીવટીતંત્રએ પાણીનો નિકાલ કરાવ્યો હતો. રહીશોએ હાસકારો અનુભવ હતો. જ્યારે વધુ વરસાદને લઈને ખેડૂતોને પડતા ઉપર લાત સમાન એરંડા કપાસ જુવારના પાકને મોટું નુકસાન થવા પામ્યું છે. ખેતરમાં કાપણી કરીને રાખેલા બાજરી અને જુવાર પાક પલળી જતાં નુકસાન થવા પામ્યું છે. વરસાદનો કહેર વર્તાતા હવે લીલા દુષ્કાળનાં એંધાણ વર્તાઇ રહ્યા છે ખેડૂતોને નુકસાન આપવા માંગ ઉઠી રહી છે. ભાભર તાલુકાના ઢીંકવાળી વડપગ ગોસણ ઊજનવાડા ઊંડાઈ બુરેઠા કપરુપુર ચીચોદરા ખારા નેસડા કારેલા અબાળા વગેરે ગામોમાં એરંડા કપાસ જુવાર અને મોટું નુકસાન થવાના અહેવાલ મળી રહ્યા છે.

 

કાંકરેજ તાલુકામાં સતત બે દિવસ થી ભારે વરસાદ એક દિવસ મા 3 ઇંચ વરસાદ ખાબક્યો 
કાંકરેજ તાલુકના ના થરા સહિત તાલુકામાં છેલા બે દિવસ થી પડી રહેલા અનરાધાર વરસાદને કારણે ઠેર ઠેર પાણી ભરાયા છે. જ્યારે ખેતી પાકો મા પાણી ભરાઈ રહેતા કપાસ , એરંડા અને ઘાસચારાના પાકને વ્યાપક અસર થવાની ભીંતિ સેવાઈ રહી છે. એક દિવસમાં 3 ઇંચથી વધુ વરસાદ પડતા થરાનું બજાર સૂમસામ ભાસતું હતું. એક તરફ નવરાત્રિનો પ્રારંભ થયો છે. ગરબી ચોકોમાં પાણી ભરાયા છે ત્યારે ખેલૈયાઓના ગરબે રમવાનો ઉત્સાહ ઉપર પાણી ફરી રહ્યા છે .