એર ઇન્ડિયાનું સંપૂર્ણપણે ખાનગીકરણ કરવાની મોદી સરકારની તૈયારી

કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર એર ઇન્ડિયાનો 100 ટકા હિસ્સો વેચવાની તૈયારીમાં છે. નાગરિક ઉડ્ડયન મંત્રી હરદીપ પુરીએ જણાવ્યું હતું કે સરકાર એરલાઇન્સનો બિઝનેસ ચલાવવા માંગતી નથી. આ કામ પ્રાઇવેટ કંપનીએ કરવું જોઈએ. તેમણે કહ્યું કે એર ઇન્ડિયાનું સંપૂર્ણપણે ખાનગીકરણ થશે. એર ઇન્ડિયાની ખરીદી માટે અનેક લોકો ઉત્સુક છે.ઉલ્લેખનીય છે કે એર ઇન્ડિયા લાંબા સમયથી કરજમાં ડૂબેલી છે અને આર્થિક સંકટોનો સામનો કરી રહી છે.

થોડા દિવસો પહેલાં જ સરકારી ઑઇલ કંપનીઓનું બીલ ન ચુકવી શકનારી એર ઇન્ડિયાની સપ્લાય સ્થગિત કરી દીધી હતી.હરદીપ પુરીએ કહ્યું કે એર ઇન્ડિયાનું ખાનગીકરણ વહેલીતકે થશે.

અમિત શાહ જે એર ઇન્ડિયાનો સરકારી હિસ્સો વેચવાની કમિટીના અધ્યક્ષ છે તેઓ પણ આ મુદ્દે મક્કમ છે. અગાઉ કૅબિનેટ સેક્રેટરીની અધ્યક્ષતામાં એક બેઠક યોજાઈ ચુકી છે. આગામી દિવસોમાં હજુ એક રાઉન્ડ ટેબલ બેઠક થશે.પુરીએ ઉમેર્યુ કે નાગરિક ઉડ્ડયન મંત્રાલય, એવિશન ટર્બાઇન ફ્યૂલનો જી.એસ.ટીમાં સમાવેશ કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. નાણા મંત્રી નિર્મલા સીતારમણને આગામી દિવસોમાં આ નિર્ણય મંજૂર કરવા વિનંતી કરાશે.એર ઇન્ડિયાએ કર્મચારીઓના પગાર પેટે દર મહિને 300 કરોડ ચુકવવા પડે છે. મે મહિનામાં કર્મચારીઓને 10 દિવસ મોડો પગાર મળ્યો હતો. નાણાકીય વર્ષ 2017-18ની સરખામણીએ વર્ષ 2018-19માં એર ઇન્ડિયાના દેવામાં 3,351.93 કરોડ રૂપિયાનો વધારો થયો છે. નાણાકીય વર્ષ 2017-18માં એરલાઇનનું દેવું 55,000 કરોડ  હતું જે વધીને 58,351.93 કરોડ થયું છે.