જહાજમાં ચઢી રહેલું ટ્રક દરિયામાં ખાબક્યું, જૂઓ સીસીટીવી ફૂટેજ

ભાવનગર અને દહેજ વચ્ચે ચાલી રહેલી રો-રો ફેરી સર્વિસના કારણે સુરત તરફથી સામાન લઈ જવામાં જહાજનો ઉપયોગ કરવામાં આવે છે. અંદાજે 10 ક્લાકનો સમય બચી જતો હોવાના કારણે ટ્રક જેવા મોટા વાહનોમાં સામાન લોડ કરી જહાજ મારફત મોકલવામાં આવે છે. આવી જ એક ઘટના આજે જહાજમાં ટ્રકને ચઢાવતી વખતે ભાવનગરના ઘોઘા ખાતે બની છે. પણ ટ્રકની બ્રેક ફેઈલ થવાના કારણે દુર્ઘટના ઘટી. આખીય ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ જવા પામી છે.

જૂઓ વીડિયો…

સીસીટીવીમાં જોવા મળે છે કે સામાન સાથે લદાયેલું ટ્રક ફેરી સર્વિસના જહાજમાં લોડ થવા માટે ફૂલ સ્પીડે આવી રહ્યું છે અને અચાનક બ્રેક ફેઈલ થવાના કારણે ટ્રક ચાલક કાબૂ ગૂમાવે છે અને ટ્રક જહાજના બદલે દરિયામાં ખાબકે છે. ટ્રકમાં સવાર ડ્રાઈવર અને ક્લિનર પણ ટ્રક સાથે જ દરિયામાં પડી જાય છે. જોકે, બન્નેને નજીકના ટગ દ્વારા રેસ્કયુ કરી લેવામાં આવ્યા હતા. નાની ઈજાઓ થતાં તેમને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.

જહાજમાં ટ્રકને લઈ જવા માટે ખાસ પ્રકારે મોટી જેટ્ટી તૈયાર કરવામાં આવી છે. આ જ જેટ્ટી દ્વારા ટ્રકને જહાજમાં લોડ કરવામાં આવી રહ્યો હતો. પણ ટ્રકની બ્રેક ફેઈલ થવાથી ટ્રકના ડ્રાઈવરે કાબૂ ગૂમાવ્યો હતો. ટ્રક ઉંધા માથે દરિયામાં પડી ગયું હતું. આજુબાજુના કર્મચારીઓએ ડ્રાઈવર અને ક્લિનરને કેબિનમાંથી ખેંચીને બહાર કાઢ્યા હતા.