ટીકટોક સ્ટાર અલ્પિતા ચૌધરીએ એક સમયે મરવાનું મન બનાવી લીધું હતું, જાણો શું બનવાનું હતું સપનું?

ટીકટોક પર વીડિયો બનાવી રાતોરાત ગુજરાતભરના પોલીસવાળા માટે ચર્ચાસ્પદ બનેલી અને હાલ સસ્પેન્ડેડ મહિલા પોલીસ કોન્સટેબલ અલ્પિતા ચૌધરીએ સોશિયલ મીડિયાનું પેજ પર ઈન્ટવ્યુ આપ્યો છે. અલ્પિતાએ આ ઈન્ટરવ્યુમાં કેટલીક અંગત અને કેટલીક ચોંકાવનારી વાતો કરી છે.

અલ્પિતાએ કહ્યું કે વીડિયો અપલોડ થયા બાદ એક સમયે આપઘાત કરવાનું મન બનાવી લીધું હતું પણ આપઘાત કરવાથી શું વળે એમ વિચારી મનને મક્કમ કરી લીધું હતું. બીજા દિવસે ઉપરી પોલીસ અધિકારી એવા મનજીતા વણઝારાએ પણ મને ખખડાવ્યા હતા.

અલ્પિતાએ કહ્યું કે વીડિયો અપલોડ થયો તો લોકો મને ઓળખતા થયા, પણ મારી નોકરી જતી રહી છે. મેં મારા મનોરંજન માટે વીડિયો બનાવ્યો હતો, અન્ય લોકો પણ બનાવે છે પરંતુ મારી જેમ એવી જગ્યાએ વીડિયો ન બનાવતા કે પોતાની જાતને જ તકલીફ થઈ જાય. આ ઉપરાંત અન્યને તકલીફ થાય તેવા વીડિયો બનાવવામાં ન આવે તેવી અપીલ કરીશ.

તેણે કહ્યું કે મારી ઈચ્છા પહેલાંથી જ મોડેલ બનવાની હતી પણ કુટુંબમાં બધા સરકારી કર્મચારી હોવાથી મેં પણ પોલીસ ખાતાને જોઈન કર્યું. ચાર વર્ષથી પોલીસમાં નોકરી કરી છે. હવે ટર્નિંગ પોઈન્ટ આવ્યું છે. મને સોન્ગ કે ફિલ્મોમાં ઓફર મળશે તો એ અંગે ચોક્કસપણે વિચાર જરૂર કરીશ.

તેણે વધુમાં કહ્યું કે ડિપાર્ટમેન્ટમાં દરેકને એન્જોય કરવાની તક મળવી જોઈએ અને રોજ એક કલાક સ્ટાફને મનોરંજન કે અન્ય કોઈક રીતે માનિસક રાહત મળે તેવા આયોજન કરવાની જરૂર રહેલી છે.