મહેબૂબા મુફ્તિની દિકરીએ અમિત શાહને લખ્યો પત્ર, ‘મને ધમકાવવામાં આવી હતી’

જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તિ અને ઉમર અબ્દુલ્લાની ધરપકડ કરી લેવામાં આવી છે. ઇન્ટરનેટ અને મોબાઇલ ફોન સેવા બંધ રાખવામાં આવી છે. આ બધાની વચ્ચે મહેબૂબા મુફ્તિની દીકરી ઇલ્તિઝા જાવેદે એક ઓડિયો મેસેજ જાહેર કર્યો છે. ઓડિયો સંદેશમાં તેણીએ કહ્યું છે કે તેને નજરકેદ રાખવામાં આવી છે, તેમજ જો ફરીથી મીડિયા સાથે વાત કરશે તો ગંભીર પરિણામો ભોગવવા પડશે તેવી ધમકીઓ આપવામાં આવી રહી છે. ઇલ્તિઝાએ ગૃહમંત્રી અમિત શાહને એક પત્ર પણ લખ્યો છે.

ઇલ્તિઝાએ અમિત શાહને લખેલા પત્રમાં લખ્યું છે કે, “આજે આખો દેશ સ્વતંત્રતા દિવસની ઉજવણી કરી રહ્યો છે ત્યારે કાશ્મીરીઓને પશુઓની જેમ કેદ કરી રાખવામાં આવ્યા છે. તેમને માનવાધિકારોથી વંચિત રાખવામાં આવ્યા છે.”

ઓડિયો સંદેશમાં મહેબૂબાની પુત્રીએ જણાવ્યું છે કે, “મેં મીડિયા સાથે વાતચીત કરી હોવાથી મને પણ નજરકેદ કરી લેવામાં આવી છે. મેં મીડિયા સાથેની વાતચીતમાં કાશ્મીરમાં કર્ફ્યૂ લગાવવામાં આવ્યા બાદ લોકો પર શું વીતી રહ્યું છે તેની વાત કરી હતી. જે બાદ મને ધમકાવવામાં આવી હતી કે જો ફરીથી મીડિયા સાથે વાતચીત કરીશ તો ગંભીર પરિણામ ભોગવવા પડશે. મારી સાથે ગુનેગાર જેવું વર્તન કરવામાં આવી રહ્યું છે. મારી પર સતત નજર રાખવામાં આવી રહી છે. જે કાશ્મીરીઓએ અવાજ ઉઠાવ્યો છે, તેની જેમ હું પણ જીવનો ખતરો અનુભવી રહી છું.”

નોંધનીય છે કે જમ્મુ-કાશ્મીરમાંથી આર્ટિકલ 370 હટાવ્યા બાદ મહેબૂબા મુફ્તિ અને નેશનલ કોન્ફરન્સના નેતા ઉમર અબ્દુલ્લાને નજરકેદ કરી લેવામાં આવ્યા હતા. જે બાદમાં બંનેની ધરપકડ કરી લેવામાં આવી હતી. બંનેને શ્રીનગરમાં એક ગેસ્ટ હાઉસમાં રાખવામાં આવ્યા છે.

આ પહેલા ઇલ્તિઝાએ વોટ્સએપ મેસેજમાં કહ્યુ હતું કે, “બે દિવસથી મને નજરકેદ કરી લેવામાં આવી છે. લોકોને ઘર બહાર નીકળતા રોકવામાં આવે છે. એકસાથે અનેક લોકોને નજરકેદ કરી લેવાયા છે. ગૃહમંત્રી ખોટું બોલી રહ્યા છે કે ફારુક અબ્દુલ્લા અને બીજા નેતાઓને નજરકેદ નથી કરવામાં આવ્યાં. સજ્જાદ લોન, ઇમરાન અન્સારી, મારી માતા અને ઉમર અબ્દુલ્લાની અટકાયત કરી લેવામાં આવી છે.”