આજે અટલજીની પ્રથમ પુણ્યતિથિઃ રાષ્ટ્રપતિ અને પીએમ મોદીએ શ્રદ્ધાંજલિ પાઠવી

દેશના પૂર્વ વડાપ્રધાન અને ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતા રહેલા અટલ બિહારી વાજપેયીની આજે પ્રથમ પુણ્યતિથિ છે. દેશના નેતાઓ દ્વારા તેમને શ્રદ્ધાંજલિ આપવામાં આવી. નવી દિલ્હી ખાતેના તેમના સ્મૃતિ સ્થળ ‘સદૈવ અટલ’ પર રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ સહિત દિગ્ગજ નેતાઓએ શ્રદ્ધાંજલિ આપી.

ઉલ્લેખનીય છે કે પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયની તબિયત ધણી લાંબો સમય ખરાબ રહી હતી અને તેઓનું 16 ઓગસ્ટ, 2018ના રોજ નિધન થયું હતું. દિલ્હીમાં આવેલ સદૈવ અટલ પર અટલ બિહારી વાજપેયની પુણ્યતિથિ પર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

અટલ   બિહારી વાજપેયીની દિકરી નમિતા કૌલ ભટ્ટાચાર્ય અને પૌત્રી નિહારીકા સહિત પરિવારના અન્ય સભ્ય પણ ઉપસ્થિત રહ્યાં. પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના નિધન બાદ ભાજપ દ્વારા તેમના અસ્થિયોનું દેશની 100 નદીમાં વિસર્જન કરવામાં આવ્યું હતું. જેની શરૂઆત હરિદ્વારાના ગંગા નદીમાં વિસર્જનથી કરવામાં આવી હતી.

પોતાની કવિતા અને ભાષણને લઇને જાણીતા અટલ બિહારી વાજપેયી ભાજપના સંસ્થાપકોમાંથી એક હતા. પૂર્વ પીએમ અટલ બિહારી વાજપેયીને 2014માં દેશનું સર્વોચ્ચ સમ્માન ‘ભારત રત્ન’થી સન્માનિત કરવામાં આવ્યાં હતા.