આર્ટિકલ 370 પર અરજી કરનારને SCએ ખખડાવ્યા : કહ્યું જો કોઈ મુશ્કેલી હોય તો સંશોધિત પિટિશન દાખલ કરો

જમ્મુ-કાશ્મીરમાં આર્ટિકલ-370 હટાવવાની વિરુદ્ધ થયેલી પિટિશન પર સુનાવણી કરતાં સુપ્રીમ કોર્ટે અરજી કરનારને  જોરદાર ફટકાર લગાવી છે. ચીફ જસ્ટિસ રંજન ગોગોઈએ અરજી કરનારને તમામ પિટિશન પરત લેવાનું કહ્યું છે. આ દરમિયાન ચીફ જસ્ટિસે પિટિશનકર્તાને કહ્યું કે આ કેવા પ્રકારની પિટિશન છે. તેઓએ કહ્યું કે જો તેમને કોઈ મુશ્કેલી છે તો સંશોધિત પિટિશન દાખલ કરે.

સુપ્રીમ કોર્ટે ગુરુવારે બે પિટિશનો પર સુનાવણી કરી. પહેલી પિટિશનમાં આર્ટિકલ 370 હટાવવાનો વિરોધ કરવામાં આવ્યો તો બીજી પિટિશનમાં કાશ્મીરમાં પત્રકારો માટે સરકારનો નિયંત્રણ હટાવવાની માંગ કરવામાં આવી. પહેલી પિટિશન એમએલ શર્માએ કરી હતી. આ પિટિશનમાં કહેવામાં આવ્યું હતું કે, ‘સરકારે આર્ટિકલ 370 હટાવીને મનસ્વી વર્તન કર્યુ છે. આર્ટિકલ 370 હટાવવામાં સરકારે સંસદીય રસ્તો નથી અપનાવ્યો, રાષ્ટ્રપતિનો આદેશ ગેરબંધારણીય છે.’ એમએલ શર્માની પિટિશન પર સુનાવણી કરતાં ચીફ જસ્ટિસે કહ્યું કે, આ કેવા પ્રકારની પિટિશન છે. મને સમજમાં નથી આવતું. તેઓએ પૂછ્યું કે પિટિશનકર્તા કેવી રાહત ઈચ્છે છે.