પિતાએ જગુઆર નહીં ખરીદી આપતા પુત્રએ BMWને પાણીમાંં વહાવ દીધી, જાણો આખો મામલો

હરિયાણાના યમુનાનગર જિલ્લામાં એક યુવકે પોતાની BMW કાર કેનાલમાં વહાવી દીધી હતી. પિતાએ જગુઆર કાર ન લઈ આપતા પુત્રએ આવું પગલું ભર્યું હતું. પિતાએ કાર લઈ આપવાની ના કહેતા પુત્ર કેનાલ ખાતે ગયો હતો અને તેના ધસમસતા પાણીમાં કારને ફેંકી દીધી હતી.

આ આખા મામલાનો વીડિયો સામે આવ્યો છે. જેમાં જોઈ શકાય છે કે BMW કાર કેનાલમાં દૂર જઈને ફસાઈ ગઈ છે. તરવૈયાઓની મદદથી કારને બહાર કાઢવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. કાર દાદુપુર હેડ પાસે પાણીના ટાપુ પર ફસાયેલી છે. પોલીસે આ મામલે કાર ચાલકની અટકાયત કરી લીધી છે અને તેની પૂછપરછ કરવામાં આવી રહી છે.

નોંધનીય છે કે પંજાબ અને હરિયાણાના યુવાઓને મોંઘી કારનો ખૂબ ક્રેઝ હોય છે. આજકાલ કાર ઉપર પંજાબી અને હરિયાણી ગીતો પણ બની રહ્યા છે. અનેક યુવાઓ મોંઘી કારનો શોખ પૂરો કરવા માટે પોતાના પરિવારને પરેશાન પણ કરતા હોય છે. આવો જ મામલે યમુનાનગરમાં સામે આવ્યો છે.

હરિયાણાના યુવકો જગુઆર અને લેમ્બોર્ગિની જેવી મોટી મોટી કંપનીઓની કાર પસંદ કરે છે. જોકે, દર વખતે માતાપિતા તેમના પુત્રના મોંઘી કારના શોખ પૂરા કરી શકતા નથી. જગુઆર કંપનીની કારની પ્રારંભિક કિંમત રૂ. 40થી 50 લાખ હોય છે. અનેક કારની કિંમત તો એક કરોડથી પણ વધારે હોય છે.