ધૂંધવાયેલા પાકિસ્તાને સમઝૌતા એક્સપ્રેસને દોડતી અટકાવી

જમ્મૂ-કાશ્મીરમાંથી કલમ 370 રદ્દ કરવાના ભારતના નિર્ણય બાદ ધૂંધવાયેલા પાકિસ્તાને ભારત સાથેના સંબંધોનો અંત આણવાના પ્રયાસો શરૂ કરી દીધા છે. ગઈકાલે ભારત સાથેના વ્યાપારિક સંબંધો તોડી નાંખ્યા હતા અને કેટલીક એરસ્પેસને ભારત માટે બંધ કરવાનો નિર્ણય કર્યો હતો. જ્યારે આજે અટારીથી લાહોર વચ્ચે દોડતી સમઝૌતા એક્સપ્રેસને અટકાવી દીધી છે.

પાકિસ્તાને ટ્રેન ડ્રાઈવર અને ગાર્ડને સમઝૌતા એક્સપ્રેસ સાથે મોકલવાનો ઈન્કાર કર્યો છે. અટારી રેલવે સ્ટેશનના સુપ્રિન્ટેન્ડન્ટ અરવિંદ કુમાર ગુપ્તાએ ન્યૂઝ એજન્સીઓને જણાવ્યું કે આજે પાકિસ્તાનથી સમઝૌતા એક્સપ્રેસ ભારત આવવાની હતી. પરંતુ પાકિસ્તાનથી મેસેજ આવ્યો છે કે ભારતીય રેલ પોતાના ડ્રાઈવરો અને ક્રુ મેમ્બરો સાથે સમઝૌતા એક્સપ્રેસને ભારત લઈ આવે. પાકિસ્તાન રેલવેએ સુરક્ષાના કારણોસર આ નિર્ણય કર્યો છે. હવે જેમની પાસે વિઝા છે તેવા ભારતીય રેલ ડ્રાઈવર અને ગાર્ડને પાકિસ્તાન મોકલી સમઝૌતા એક્સપ્રેસને તેડી લાવવા મોકલવામાં આવશે.

આ પહેલાં પાકિસ્તાને ભારત માટેના નવ માર્ગો પૈકી ત્રણ વાયુ માર્ગ બંધ કરી ધી છે. આના કારણે એર ઈન્ડીયાની યુરોપ, અમેરિકા અને મધ્ય એશિયામાં જતી ફ્લાઈટ પર અસર પડશે. આ સિવાય અંદાજે 50 ફ્લાઈટના સમયમાં 10થી 15 મીનીટનો વધારો થઈ જશે. સૂત્રો કહી રહ્યા છે કે બાકીના અન્ય માર્ગોને પણ બંધ કરવામાં આવે તેવી શક્યતા છે. પુલવામા અટેક બાદ પાકિસ્તાને વાયુ માર્ગ બંધ કરી દેતા અંદાજે 430 કરોડનું નુકશાન થયું હતું.