મેટ્રો રેલ માટે સુરતીઓનું સપનું સાકાર થવા તરફ, નીતિન પટેલે ફાળવ્યા 50 કરોડ, તાપી શુદ્વિકરણની ફરી જાહેરાત

નાણા મંત્રી જે પ્રકારે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત પર વારી ગયા તેવી રીતે તેઓ દક્ષિણ ગુજરાત પર વારી ગયા છે. દ.ગુજરાતમાં સિંચાઈની મબલખ યોજના આપી છે. પાણી પુરવઠા માટે જોગવાઈ કરી છે. સુરતની મહત્વકાંક્ષી બે યોજના પ્રત્યે સુરતીઓના સપનાને સાકાર કરવાની દિશા તરફ ડગ માંડ્યા છે.

અમદવાદમાં મેટ્રો રેલ પ્રોજેક્ટનું પ્રથમ તબક્કાનું કામ પૂર્ણ કરી દેવાયું છે અને બીજા તબક્કાની શરૂઆત કરવાની પણ જાહેરાત કરી દેવામાં આવી છે. અમદવાદ મેટ્રો રેલના ફેઝ-2 માટે તથા સુરત મેટ્રો રેલ પ્રોજેક્ટ માટે નાણા મંત્રી નીતિન પટેલે મિકેનિકલ કામગીરી માટે 50 કરોડની જોગવાઈ કરી છે.

નાણા મંત્રી નીતિન પટેલે સુરત અંગે વધુ એક જાહેરાત કરી છે. દ.ગુજરાતની જીવાદોરી તાપી નદીના શુદ્વિકરણ માટે 922 કરોડની યોજનાનો પણ બજેટમાં સમાવેશ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત સુરત-કડોદરા પાસે હાઈવે પર અંડર બ્રિજ બનાવવા માટે 110 કરોડ રૂપિયાની ફાળવણી કરી છે.

સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે બનશે એરો ડ્રોમ, નીતિન પટેલે બજેટ સ્પીચમાં કરી જાહેરાત

નાણા મંત્રી નીતિન પટેલે બજેટ રજૂ કરતી વખતે જણાવ્યું કે સ્ટેચ્યુ ઓફ યુનિટી માટે વિશેષ જોગવાઈ કરી છે. નાણા મંત્રીએ જણાવ્યું કે લોહ પુરુષ સરદાર વલ્લભભાઇ પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા “સ્ટેચ્યુ ઓફ યુનિટી” પ્રવાસન સ્થળ તરીકે ખૂબ જ લોકપ્રિય બની છે. અત્યાર સુધીમાં આશરે 20 લાખ પ્રવાસીઓએ સ્ટેચ્યુની મુલાકાત લીધી છે. દરરોજ આશરે 10 હજાર પ્રવાસીઓ આવે છે. તે ધ્યાને લઇ પ્રવાસીઓ માટે વેલી ઓફ ફ્લાવર્સ, જંગલ સફારી, શ્રેષ્ઠ ભારત ભવન, નેવીગેશન ચેનલ, ચિલ્ડ્રન ન્યુટ્રીશન પાર્ક, કેકટસ ગાર્ડન, એકતા નર્સરી, વિશ્વ વન તેમજ રાત્રિ રોકાણ માટેની સુવિધાઓ વિકસાવવામાં આવી રહી છે. આમ, આ વિસ્તારના સંતુલિત વિકાસ માટે 260 કરોડ કરતાં વધુ રકમનો ખર્ચ કરવામાં આવશે.

નાણામંત્રીએ જણાવ્યું કે ગુજરાતના કાર્યરત 11 એરપોર્ટ અને પાંચ એરસ્ટ્રીપ સાથે વિમાની સેવામાં ગુજરાત આગેકદમ કરી રહ્યું છે.  વિમાની સેવા પાછળ 442 કરોડ રૂપિયા ખર્ચવાનો અંદાજ મૂકવામાં આવ્યો છે.

તેમણે જણાવ્યું કે સરદાર સરોવર, શેત્રુંજ્ય ડેમ, સાબરમતિ રિવરફ્રન્ટ જેવા વોટર ડેસ્ટીનેશન પર વિમાન ઉતરાણની સેવા શરૂ કરવા વોટર એરોડ્રોમ બનાવવા માટે પાંચ કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે.

તેમણે જણાવ્યું કે આ સાથે જ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે વન અને પર્યાવરણની સુવિધા માટે 69 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. તેમજ સ્ટેચ્યુ ઓફ યુનિટીનો એરિયલ વ્યૂ જોઈ શકાય તે માટે હેલિકોપ્ટર સેવા પાછળ એક કરોડ રૂપિયાના ખર્ચનો અંદાજ મૂકવામાં આવ્યો છે. રાજપીપળા ખાતે એરપોર્ટ-એરોડ્રોમના ફિઝીબિલીટી રિપોર્ટ તૈયાર કરવા માટે એક કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે.

બજેટમાં નીતિન પટેલની જાહેરાત: 2020ની જગન્નાથ યાત્રા પહેલાં 1 લાખ 25 હજાર ખેડુતોને વીજ કનેકશન આપી દેવાશે

ગુજરાતનું 2019નુ બજેટ રજૂ કરતા નાણા મંત્રી નીતિન પટેલે જણાવ્યું કે વડાપ્રધાન મોદીના સંકલ્પ પ્રમાણે વર્ષ-2022 સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવા પૂરતું વળતર મળે તે માટે સરકારે ઝીરો ટકાના દરે પાક ધિરાણ ટેકાના ભાવે ખરીદી, પાક વીમો, કિસાન સન્માન નિધિ, ખેડૂતોને સમયસર વીજળીની સુવિધા, સિંચાઈ માટે યોગ્ય વ્યવસ્થા, કૃષિ યાંત્રીકરણ માટે સહાય, ખેડૂતોના પાકના સંગ્રહ માટે નવા ગોડાઉન અને કોલ્ડ સ્ટોરેજ બનાવવા માટે મોટા પાયે નાણાકીય સહાય આપી રહી છે.

રાજ્યના લાખો ગ્રામજનો જેમાં મોટા પ્રમાણમાં આવક મેળવી રહ્મા છે તેવા પશુ પાલન વ્યવસાયને વધુ વિકસાવવા અને ગુજરાતના 1600  સ્કલોમીટર લાંબા દરીયા કિનારાનો ઉપયોગ કરી લાખો માછીમારોની આવકમાં વધારો કરવા તેમને વધુને વધ સુવિધાઓ પ્રાપ્ત કરાવવામાં આવી છે. તેમની આવક વધે તે માટે સરકાર સતત પ્રયત્નશીલ છે.

નીતિન પટેલે વધુમાં જણાવ્યું કે દર અષાઢી બીજે જગન્નાથની રથયાત્રા નીકળે છે. ગુજરાત સરકારે નિર્ધાર કર્યો છે કે અત્યાર સુધીમાં જેટલા ખેડુતોએ વીજ જોડાણ માટે અરજી કરી છે તેવા તમામને આવતી અષાઢી બીજ સુધી વીજ કનેક્શન આપી દેવામાં આવશે.અત્યારે પડતર તમામ 1 લાખ 25 હજાર માંગણીઓને નવા વીજ કનેકશન આપી દેવામાં આવશે.

નીતિન પટેલનું બજેટ: પ્રધાનમુંત્રી કિસાન સન્માન યોજના હેઠળ 28 લાખ ખેડુતોને 1131 કરોડ ચૂકવાયા

ગુજરાતના નાણા મંત્રી અને ડેપ્યુટી સીએમ નીતિન પટેલે મોડીફાઈ કરેલા બજેટને રજૂ કર્યું હતું. આ બજેટમાં ખેડુતો પર શ્રીકાર વર્ષા કરી હતી.

પ્રધાનમુંત્રી કિસાન સન્માન યોજના અંતર્ગત ભારત સરકારે રાજયના 28 લાખ ખેડૂતોને સહાયના પ્રથમ બે હપ્તા પેટે 1131 કરોડ ચૂકવ્યા છે. જે બદલ નીતિન પટેલે વડાપ્રધાન મોદીનો આભાર માન્યો હતો. ભારત સરકારે બે હેકટરની મયાષદા દૂર કરી છે. જેથી રાજયના બધા ખેડૂતોને આ યોજનાનો લાભ મળશે.

નીતિન પટેલે બજેટમાં કર્યો યોજનાઓનો વરસાદ, ખેડુતો પર શ્રીકાર વર્ષા, ધોધમાર ભરતીઓની જાહેરાત

રાજ્યના નાણામંત્રી નીતિન પટેલે આજે ગુજરાતનું નાણાં બજેટ રજૂ કર્યુ, આ સમયે પીએમ મોદી અને અમિત શાહનો આભાર માનીને બજેટમાં મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરી. નીતિન પટેલે વર્ષ 2019-2020ના બજેટમાં જળ, જીડીપી અને રોજગારને પ્રાધાન્ય આપ્યુ હતુ. ભરતીઓની ધોધમાર જાહેરાત કરવામાં આવી હતી.

વિધાનસભાના ચોમાસુ સત્રમાં નાણામંત્રી નીતિન પટેલે નાણાંકીય વર્ષ 2019-20નું પૂર્ણ કદનુંપૂર્ણ બજેટ કર્યુ, જેમાં જળ, રોજગારી અને જીડીપીને પ્રાધાન્ય આપ્યુ, બજેટની શરૂઆતમાં ખેડૂતોને આપવામાં આવતી વાર્ષિક રૂ.6000ની સહાય મુદ્દે પીએમ મોદીનો આભાર માન્યો હતો.

આ પહેલા સવારે નાણામંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે, ગુજરાતને વૈશ્વિક ઓળખ મળે એવું આ બજેટ હશે.
મુખ્યમંત્રી એપ્રેન્ટિસશીપ યોજના સહિત વિવિધ રોજગાર યોજનાઓનો 15 લાખ યુવાનોને લાભ અપાશે. જ્યારે આગામી 3 વર્ષમા મુદ્રા યોજના હેઠળ 50 લાખ લાભાર્થીઓને લાભ આપવામાં આવશે.

તેમણે જણાવ્યું કે રાજ્ય સરકાર આગામી 3 વર્ષમાં નવા 60 હજાર કર્મચારીઓની ભરતી કરશે, અને સાથે સાથે 70 હજાર સખી મંડળ બનાવશે
‘વ્હાલી દીકરી યોજના’, જ્યારે દીકરી 9મા ધોરણમાં આવે ત્યારે 6000ની સહાય અપાશે. તેમજ 18 વર્ષ પૂર્ણ કરે ત્યારે 1 લાખની સહાય અપાશે. આ યોજનામાં કુલ 133 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

તેમણે જણાવ્યું કે  દીકરી માટે રાજ્ય સરકારની ખાસ યોજના, ‘વ્હાલી દીકરી યોજના’ અંતર્ગત દીકરી પહેલા ધોરણમાં આવે ત્યારે 4000ની સહાય આપવામાં આવશે

નીતિન પટેલે 2,04,815 કરોડનુ બજેટમાં ખેડૂતોને આપવામાં આવતી વાર્ષિક રૂ.6000ની સહાય મુદ્દે પીએમ મોદીનો આભાર માન્યો હતો. બજેટમાં કૃષિ, રોજગારી અને પાણી પર ભાર મુકાયો.

નાણાંકીય વર્ષ 2019-20નું પૂર્ણ કદનુંપૂર્ણ કદનુ બજેટ, રાજ્યની સ્થાપના બાદ પહેલીવાર 2 લાખ કરડોનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે.

2 લાખની આવક ધરાવતા પરિવારોને સહાય આપવા દીકરી 18 વર્ષની થાય ત્યારે 1 લાખ રૂપિયા આપવાની નાણામંત્રીની જાહેરાત કરવામાં આવી છે.
રાજ્યના મૉડીફાઇડ બજેટમાં વડાપ્રધાન મોદીના સુત્ર સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસને નજર સમક્ષ રાખવામાં આવ્યુ, રાજ્યના નાગરિકોને સુખાકારી અને વિકાસ માટે ખાસ આયોજનો કર્યા.

નવી સોલાર રૂફટોપ યોજનામાં 3 કિલોવોટનો પ્લાન્ટ ફીટ કરાવનાર પરિવારને 40 ટકા સબસિડી, 3 થી 10 ટકા માટે 20 ટકા સબસિડી માટે રૂ.1000 કરોડની જોગવાઇ, આનો લાભ 2 લાખ પરિવારોને લાભ મળશે.

નાણામંત્રી નીતિન પટેલે પહેલીવાર મોટુ બજેટ રજૂ કર્યુ, નાણાંકીય વર્ષ 2019-20નું પૂર્ણ કદનું બજેટ, રાજ્યની સ્થાપના બાદ પહેલીવાર 2 લાખ કરડોનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે

નાણામંત્રી નીતિન પટેલે સ્ટેચ્યૂ ઓફ યુનિટી માટે 260 કરોડની અને નર્મદા યોજના માટે 6595 કરોડની ફાળવણી કરી છે.
ભારત સરકારે રાજ્યના 28 લાખ ખેડૂતોને સહાયના પ્રથમ બે હપ્તા પેટે 1,131 કરોડ ચૂકવ્યા, ભારત સરકારે બે હેક્ટરની મર્યાદા દૂર કરી છે, જેથી રાજ્યના બધા ખેડૂતોને આ યોજનાનો લાભ મળશે.

કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ માટે 7111 કરોડની ફાળવણી કરવામાં આવી છે. ખેડૂતોને ઝીરો ટકાના દરે લોન મળે તે માટે વ્યાજ સહાય માટે 952 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

2020 સુધી તમામ વિસ્તારમાં નળ દ્વારા શુધ્ધ પીવાનુ પાણી પહોંચાડાશે, જેના માટે હાલ 4500 કરોડની ફાળવણી કરવામાં આવી છે
ઉદ્યોગોના દુષિત પાણીને શુદ્ધ કરીને દરિયામાં નિકાલ માટે પીપીપી ધોરણે પાઇપ લાઇન નંખાશે, આ માટે રૂ.2,275 કરોડ ખર્ચાશે. આ માટે આ વર્ષે 500 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

નીતિન પટેલે વર્ષ 2019-2020ના બજેટમાં જળ, જીડીપી અને રોજગારને પ્રાધાન્ય આપ્યુ હતુ.

સીએ સ્ટાર્સ-વંચિત વિદ્યાર્થીઓને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બનવામાં મદદરૂપ બનવાનો વિશિષ્ટ પ્રોગ્રામ

સમગ્ર વિશ્વમાં અત્યંત ઉત્સાહભેર 1 જુલાઇના રોજ સીએ ડેની ઉજવણી કરવામાં આવે છે, પરંતુ સુરતમાં સીએનો અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ માટે આ દિવસ વિશિષ્ટ છે. શહેરના સીએ રવી છાવછરિયા સીએનો અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય નિર્માણ માટે મહત્વપૂર્ણ ભુમિકા ભજવી રહ્યાં છે. શહેરના જાણીતા શિક્ષણવિદ્ અને લેખક સીએ રવી છાવછરિયા છેલ્લાં ત્રણ વર્ષથી વંચિત વિદ્યાર્થીઓ માટે સીએ સ્ટાર્સ નામનો ઉમદા પ્રોગ્રામ ચલાવી રહ્યાં છે.

સીએ બનવા માગતા પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને ગુણવત્તાયુક્ત શિક્ષણ પ્રદાન કરવાના ઉદ્દેશ્ય સાથે સીએ રવી છાવછરિયા દર વર્ષે 40 થી 45 વિદ્યાર્થીઓની પસંદગી કરીને તેમને સીએની પરિક્ષામાં સફળ બનવા માટે સજ્જ કરે છે. ચાર વર્ષના સમય દરમિયાન આ વિદ્યાર્થીઓ પાસેથી કોઇપણ પ્રકારની ફી લીધા વિના તથા વિનામૂલ્યે રહેઠાંણ અને ભોજન ઉપલબ્ધ કરાવવામાં આવે છે.

ઉલ્લેખનીય છે કે સીએ રવી છાવછરિયા પાસે શિક્ષણ મેળવનારા લગભગ 90 ટકા વિદ્યાર્થીઓ સીએ પરિક્ષાના તમામ ત્રણ લેવલ સફળતાપૂર્વક પાસ કરે છે અને પ્રોફેશ્નલ કારકિર્દી બનાવવાની દિશામાં આગળ વધે છે. ભારતમાં સીએ સ્ટાર્ટ પોતાના પ્રકારનો પ્રથમ પ્રોગ્રામ છે, જ્યાં કોઇપણ પ્રકારની ફી લીધા વિના વંચિત વિદ્યાર્થીઓને સીએ બનવા માટે જરૂરી શિક્ષણ ઉપલબ્ધ કરાવવામાં આવે છે. આ પ્રોગ્રામનો ખર્ચ સીએ રવી પોતે ઉપાડે છે તેમજ તેઓ કોઇપણ પ્રકારનું દાન પણ લેતાં નથી.

સીએ સ્ટાર્સના મોટાભાગના વિદ્યાર્થીઓ ફર્સ્ટ જનરેશન લર્નર હોય છે તથા તેમના માતા-પિતા શ્રમિક, ફુટપાથ વેન્ડર, નાના ખેડૂત અથવા રિક્ષા ડ્રાઇવર હોય છે. કેટલાંક બાળકો અનાથ પણ હોય છે, જેઓ ગુણવત્તાયુક્ત શિક્ષણ અને સચોટ માર્ગદર્શનથી ઉજ્જવળ ભવિષ્યનું નિર્માણ કરવા સજ્જતા કેળવે છે. આ પ્રકારની પહેલથી અત્યાર સુધીમાં ઘણાં વિદ્યાર્થીઓના જીવનમાં ઉજાસ લાવવામાં સફળતા મળી છે તથા અન્યોને પ્રેરણા મળી છે. મોટાભાગના વિદ્યાર્થીઓ નોન-ઇંગ્લિશ મીડિયમ બેકગ્રાઉન્ડ ધરાવે છે તથા ગામડા અને નાના શહેરોની સરકારી શાળામાંથી અભ્યાસ કરીને જીવનમાં આગળ વધવાનો મક્કમ નિર્ધાર અને જુસ્સો ધરાવતા હોય છે.

હરિદ્વારમાં ડૂબી ગયેલા ફેનિલ ઠક્કરનો મૃતદેહ મળી આવ્યો, સાંસદ પાટીલ સરકાર સાથે સંપર્કમાં

હરિદ્વાર પાસે નદીમાં સુરતના યુવાનો તણાઈ ગયા હતા. એ પૈકી એક યુવક ફેનિલ ઠક્કરનો મૃતદેહ મળ્યો હતો જયારે બાકી બે યુવાનો જેનીશ ઉર્ફે જિમી પટેલ અને કૃણાલ કોસાડીની શોધખોળ બે દિવસથી સ્થાનિક વહીવટી તંત્ર કરી રહ્યું છે.

આજે નવસારીના સાંસદ સીઆર પાટીલએ ઉત્તરાખંડના ચીફ સેક્રેટરી યુ કે સિંહ, ડીજીપી અનિલ રતીરી, અને એસએસપી જેવા ઉચ્ચ અધિકારી સાથે વાત કરીને સુરતના યુવાનોની શોધખોળમાં વધુ વેગ આપવાની તાકીદ કરી છે. ડીજીપીએ સાંસદ સી આર પાટીલને માહિતી આપી હતી કે આવતીકાલે સવારથી બે ડ્રોન અને સુરતના યુવકોને સાથી રાખીને ફરી શોધખોળ શરુ કરશે.

એસડીઆરએફની ટીમને બોલાવી લેવામાં આવી છે અને જરૂર પડશે તો એનડીઆરએફની ટીમને બોલાવવાનો નિર્ણય લઇ લેવામાં આવ્યો છે. સાંસદ સી આર પાટીલ આ મુદ્દે ઉત્તરાખંડ સરકાર સાથે સતત સંપર્કમાં છે

રાજ્યસભાની ચૂંટણી: કોંગ્રેસ આપશે અલ્પેશ ઠાકોર સહિત તમામ કોંગ્રેસી ધારાસભ્યોને વ્હીપ

પાંચમી જુલાઈએ ગુજરાત રાજ્યસભાની ખાલી પડેલી બે સીટ માટે પેટાચૂંટણી યોજવામાં આવનારી છે. ખાસ કરીને કોંગ્રેસના ધારાસભ્યોને લઈ કોંગ્રેસ દ્વારા તમામ ધારાસભ્યોને હાજર રહેવાની સૂચના આપવામાં આવી છે. કોંગ્રેસના ધારાસભ્યોને આવતીકાલે અમદાવાદના કોંગ્રેસ કાર્યાલય પર અચૂક ઉપસ્થિત રહેવા માટે સૂચના આપવામાં આવી છે ત્યારે હોદ્દાઓ પરથી રાજીનામું ધરી વિવાદમાં ઘેરાયેલા રાધનપુરના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર તથા તેમની સાથેના ધારાસભ્ય ભરતસિંહ ઠાકોર અને ધવલસિંહ ઠાકોરને કોંગ્રેસ દ્વારા રાજ્યસભાની ચૂંટણીમાં કોંગ્રેસ તરફે વોટીંગ કરવા માટે વ્હીપ આપવામાં આવે તેવું જાણવા મળી રહ્યું છે.

કોંગ્રેસના પ્રવક્તા મનિષ દોષીએ જણાવ્યું કે કોંગ્રેસના તમામ ધારાસભ્યોને આવતીકાલે ઉપસ્થિત રહેવા માટે સૂચના આપવામાં આવી છે. આવતીકાલે કોંગ્રેસના ચિહ્ન પર ચૂંટાયેલા દરેકે દરેક ધારાસભ્યને રાજ્યસભાની ચૂંટણીમાં વોટ આપવા માટે કોંગ્રેસ તરફથી સત્તાવાર વ્હીપ(આદેશ) આપવામાં આવશે.

મનિષ દોષીએ સ્પષ્ટતા કરી છે કે કોંગ્રેસના ચિહ્ન પર ચૂંટાયેલા ધારાસભ્યોમાં તમામનો સમાવેશ થઈ જાય છે. એટલે કોઈને અલગથી આદેશ આપવાનો પ્રશ્ન ઉપસ્થિત થતો નથી. અલ્પેશ ઠાકોર અંગે પૂછાયેલા પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યું કે ધારાસભ્ય અલ્પેશ ઠાકોર દ્વારા હાઈકોર્ટમાં જાતે જ સ્પષ્ટતા કરવામાં આવી છે કે તેઓ કોંગ્રેસમાં છે અને માત્ર હોદ્દાઓ પરથી રાજીનામું આપ્યું છે એટલે આપોઆપ તેઓ કોંગ્રેસના ધારાસભ્ય છે એટલે તેમને પણ રાજ્યસભાની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવારોની તરફેણમાં વોટ આપવા માટે વ્હીપ આપવામાં આવશે. આ સાથે તેમની સાથેના અન્ય ધારાસભ્યોને પણ આવી જ રીતે કોંગ્રેસના ઉમેદવારોની તરફેણમાં વોટ આપવા માટે વ્હીપ આપવામાં આવશે.

શું કોંગ્રેસમાં ફરી એક વાર ભંગાણ થશે?

( સૈયદ શકીલ દ્વારા ): 28 ડિસેમ્બર 1885માં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની સ્થાપના થઈ ત્યારથી લઈને આજદિન સુધી કોંગ્રેસમાં એનક પ્રકારના વિવાદો, ઘમાસાણ થઈ ચૂક્યા છે. આઝાદીકાળ અને ત્યાર પછીના સમયગાળામાં કોંગ્રેસના 1.5 કરોડ મેમ્બર હતા ને સાત કરોડથી પણ વધારે પાર્ટીશિપેન્ટ સાથે સત્તામાં આવી હતી. 1947માં આઝાદી મળી અને કોંગ્રેસ દેશની મુખ્ય રાજકીય પાર્ટી બની. આઝાદીથી લઈને 2019 સુધીમાં કોંગ્રેસે 17 ચૂંટણી જોઈ અને તેમાં 6 વખત સંપૂર્ણ બહુમત સાથેની સરકાર બનાવી અને ચાર વખત સત્તારુઠ ગઠબંધનનું નેતૃત્વ કર્યું. અંતે 50 વર્ષ સુધી દિલ્હીની ગાદી પર કોંગ્રેસનું રાજ રહ્યું. કોંગ્રેસે સાત વડાપ્રધાન આપ્યા. પરંતુ 2014માં 44 અને 2019માં 54 બેઠક સાથે કોંગ્રેસ ભૂંડો દેખાવ જોવા મળ્યો છે. કોંગ્રેસનો ઉદ્વાર ગાંધી પરિવાર સિવાય કોઈએ કર્યો નથી અને થશે પણ નહીં. કોંગ્રસમાં નોન-ગાંધી પ્રમુખોના કારણે છેવટે કોંગ્રેસની હાલત મરણપથારીએ પહોંચી ગઈ હતી.

2019માં ભાજપ-એનડીએના ભવ્ય વિજય બાદ કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી રાજીનામા ટસથી મસ થઈ રહ્યા નથી. આ પ્રવાહીશીલ સ્થિતિમાં કોંગ્રેસમાં ફરી એક વાર ભંગાણની સ્થિતિ સર્જાયેલી જોવા મળી રહી છે.

સમયે-સમયે કોંગ્રેસની નીતિઓનો વિરોધ થતો રહ્યો ચે. રામમનોહર લોહિયા જવાહરલાલ નેહરૂની નીતિઓના કટ્ટર વિરોધી હતા. તેમણે ઈન્દીરા ગાંધીને સત્તા સ્થાનેથી ઉખેડી ફેંકી દીધા હતા જ્યારે વિશ્વનાથ પ્રતાપસિંહ બોફોર્સ પ્રકરણ બાદ રાજીવ ગાંધીને સત્તા સ્થાને ખદેડી દીધા હતા.

લોહિયાએ કોંગ્રેસ હટાવોનો નારો આપ્યો હતો. આની અસર 1967ની સામાન્ય ચૂંટણીમાં જોવા મળી. દેશના 9 રાજ્ય પ.બંગાળ, બિહાર, ઓડિશા, મધ્યપ્રદેશ, તમિલનાડુ, કેરળ, હરિયાણા, પંજાબ અને ઉત્તરપ્રદેશમાં બિન કોંગ્રેસી સરકારો બની. લોહિયા બિન કોંગ્રેસી સરકારોના સૂત્રધાર બન્યા હતા.

ત્યાર બાદ આવ્યા લોક નાયક જયપ્રકાશ નારાયણ. જેપીએ ઈન્દીરા ગાંધીને સત્તાથી ઉખાડી નાંખવા માટે સંપૂર્ણ ક્રાન્તિનો નારો આપ્યો. જેપી આંદોલનને જબરદસ્ત જનસમર્થન મળ્યું. આ સ્થિતિમાં ઈન્દીરા ગાંધીએ ઈમરજન્સી લાગૂ કરી. વિરોધી નેતાઓને જેલમાં બંધ કરી દેવાયા.લોકોએ વિરોધ કર્યો અને 1977માં જનતા પાર્ટીની સ્થાપના કરવામાં આવી. મોરારજી દેસાઈના નેતૃત્વમાં જનતા પાર્ટીની સરકાર બની, પણ આ સરકાર ચૌધરી ચરણસિંહની મહત્વકાંક્ષાના કારણે લાંબી ચાલી નહીં.

ઈન્દીરા ગાંધી ખરાબ રીતે હાર્યા ફરી સત્તા સ્થાને આવ્યા અને શીખ અંગરક્ષકો દ્વારા તેમની નિર્મમ હત્યા કરવામાં આવી. રાજીવ ગાંધી વડાપ્રધાન બન્યા. 1987માં બોફોર્સ કાંડમાં રાજીવ ગાંધી સામે ભ્રષ્ટાચારના આરોપ મૂકવામાં આવ્યા. વિશ્વનાથ પ્રતાપસિંહે રાજીવ ગાંધી વિરુદ્વ મોરચો ખોલ્યો અને વડાપ્રધાન બની ગયા. ત્યાર બાદ નરસિંહરાવની સરકાર આવી. વાજેપયી-અડવાણીએ અયોધ્યા ખાતે રામ જન્મભૂમિ મંદિર આંદોલન શરૂ કર્યું અને વાજેપયી ભાજપના પ્રથમ વડાપ્રધાન બન્યા. ફરી એક વખત સોનિયા ગાંધીના નેતૃત્વમાં કોંગ્રેસનો વિજય થયો અને મનમોહનસિંહને વડાપ્રધાન બનાવાયા. 10 વર્ષ મનમોહન સરકાર ચાલી.

2004માં વિજય બાદ કોંગ્રેસના નેતાઓની ઈચ્છા હતી કે સોનિયા ગાંધી વડાપ્રધાન બને પણ શરદ પવારે બળવો કર્યો. શરદ પવારને પીએમ બનવું હતું. તે વખતના ગાંધી પરિવારના નજીકના નેતાઓએ સોનિયા ગાંધીના વિદેશ કૂળનો મુદ્દો ઉભો કર્યો. શરદ પવારે બળવો કરી રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી(એનસીપી)ની રચના કરી. પણ એનસીપી મહારાષ્ટ્ર પુરતી જ સીમીત રહી ગઈ. દેશના અન્ય રાજ્યોમાં એનસીપી અસર છોડી શકી નહીં.

2014માં નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ મૂક્ત ભારતનો નારો આપ્યો. અને આ નારાએ જબરદસ્ત અસર કરી અને ભાજપની સંપૂર્ણ બહુમતિ સાથેની સરકાર બની અને તેનું પુનરાવર્તન 2019માં પણ થયું. 2014-2019માં કોંગ્રેસની એટલી બધી દારુણ સ્થિતિ બની કે વિપક્ષનો દરજ્જો પણ મળી શક્યો નહીં.

2019ની લોકસભાની ચૂંટણીમાં કારમા પરાજ્ય બાદ કોંગ્રેસમાં મહામંથન ચાલી રહ્યું છે. રાહુલ ગાંધીને સિનિયર કોંગ્રેસીઓ ગાંઠતા નથી, ગણકારતા નથી. રાહુલ ગાંધીની સામે તેઓ શરૂથી જ હતા અને હાલ છે. રાહુલ ગાંધીએ સિનિયર કોંગ્રેસીઓ પર ભડાશ પણ કાઢી છે. સિનિયર કોંગ્રેસીઓની તાકાત આજે પંચાયત ચૂંટણી જીતવાની પણ નથી પરંતુ સોનિયા ગાંધીના દરવાજે પડ્યા રહીને યેનકેન રીતે ખુરશી પર ચીટકી રહેવા માંગી રહ્યા છે.

રાજીનામા પ્રશ્ને રાહુલ ગાંધીના અડગ રહેવાના કારણે અને સિનિયર કોંગ્રેસીઓ દ્વારા કરવામાં આવી રહેલા કારસ્તાનોથી કોંગ્રેસમાં ફરી એક વાર ભંગાણની સ્થિતિ સર્જાયેલી જોવા મળી રહી છે. સિનિયર કોંગ્રેસી નેતાઓ ગમે ત્યારે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાં બે તડાં પાડી તેવી હિલચાલ ચાલી રહી છે. રાહુલ ગાંધી કોંગ્રેસના સંગઠનને બેઠું કરવા માટે છૂટ્ટોદૌર માંગી રહ્યા છે અને સિનિયર કોંગ્રેસીઓ વાયા સોનિયા ગાંધી રાહુલ ગાંધીના માર્ગને અવરોધી રહ્યા હોવાનું કોંગ્રેસના વર્તુળો જણાવી રહ્યા છે.

નજીકનાં ભવિષ્યમાં જ કોંગ્રેસમાં મોટાપાયા પર કડાકા-ભડાકા થઈ શકે તેવા એંધાણ જોવા મળી રહ્યા છે.  કોંગ્રેસમાં ત્રીજી વાર ભંગાણના વર્તારા  સર્જાયા છે. કોંગ્રેસની કાયાપલટ કરવા માંગતા રાહુલ ગાંધી વર્સીસ સિનિયર કોંગ્રેસીઓનો ડખો અંતે તો છૂટાછેડા સુધી પહોંચી શકે છે તેવી આશંકાના કારણે કોંગ્રેસમાં ઘમાસાણ સર્જાયેલું છે. હાલમાં મુદ્દો એ છે કે રાહુલ ગાંધી વિરુદ્દનો ઝંડો કોના હાથમાં પકડાવવામાં આવે. ઈતિહાસમાં લોહિયા, જેપી, વિશ્વનાથ પ્રતાપસિંહ અને શરદ પવાર હતા તો રાહુલ વિરુદ્વ કોણ જાહેરમાં આવે છે તેને લઈને ભારે ચર્ચા ચાલી રહી છે.

કોંગ્રેસની ધમાચકડીમાં હાર્દિક પટેલનું હવે શું? રાહુલ ગાંધીના ગૂંચવાયેલા કોકડાથી ભારે ફટકો

પાછલા બે મહિનાથી રાહુલ ગાંધીના રિસામણા ચાલી રહ્યા છે. રાજીનામું આપ્યા બાદ કોંગ્રેસ બિલ્કુલ ફનાફાતીયા થવા તરફ જઈ રહી છે. કોંગ્રેસીઓ નોન-ગાંધીને પ્રમુખ પદે જોવા ઈચ્છતા નથી, તો સિનિયર નેતાઓ રાહુલ ગાંધીને જરા પણ ફાવવા દેવા માંગતા નથી. આ સ્થિતિમાં ગુજરાતમાંથી પાટીદાર સમાજના યુવા નેતા અને કોંગ્રેસના સ્ટાર પ્રચારક તરીકે ખ્યાતિ મેળવેલા હાર્દિક પટેલની સ્થિતિ શું છે તે અંગે તરેહ-તરેહની ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે.

રાહુલ ગાંધીએ રાજીનામું આપ્યા બાદ કોંગ્રેસીઓ તેમને રાજીનામું પરત ખેંચી લેવા માટે રજૂઆતો કરી રહ્યા છે, પત્રો લખી રહ્યા છે, તેમની તરફેણમાં રાજીનામા આપી રહ્યા છે અને લોહીથી પત્રો પણ લખી રહ્યા છે. આ બધા રાજકીય દાવપેચમાં કોંગ્રેસની સ્થિતિ અત્યંત કફોડી થઈ રહી છે. આગવાનો, હોદ્દેદારો અને કાર્યકરોમાં મોટાપાયા પર હતાશા અને નિરાશા વ્યાપેલી જોવા મળી રહી છે. રાહુલ ગાંધીએ નોન ગાંધીને પ્રમુખ બનાવવાની ઓફર કર્યા બાદ કેટલાક નામો ચર્ચામાં આવી રહ્યા છે. તેમાં સુશીલ કુમાર શિંદે, એન્ટોની, વીરપ્પા મોઈલી, અશોક ગેહલોતના નામ ચર્ચાઈ રહ્યા છે. સિનિયર કોંગ્રેસીઓની ઈચ્છા છે કે રાહુલ ગાંધીના સ્થાને પ્રિયંકા ગાંધીને પ્રમુખ બનાવવામાં આવે પણ રાહુલ ગાંધીએ ગાંધી પરિવાર સિવાયની વ્યક્તિનું નામ પ્રમુખ પદ માટે રજૂ કરવા મહેતલ આપી છે અને આ મહેતલની મિયાદ ખતમ થવા તરફ છે. સિનિયર કોંગ્રેસીઓએ ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને યુપીમાં કોંગ્રેસનો જનાજો કાઢ્યો હોવાથી રાહુલ ગાંધીએ જાહેરમાં તેમના પર રોષ ઠાલવી ચૂક્યા છે. સિનિયર કોંગ્રેસીઓએ રાહુલ ગાંધીના રોડ મેપને સંપૂર્ણપણે નિષ્ફળ બનાવી દેતા કોંગ્રેસમાં ભારે ઉથલપાથલ સર્જાયેલી છે.

જે હોય તે કોંગ્રેસના ગૂંચવાયેલા કોકડાથી મોટાપાયા પર નુકશાન થઈ રહ્યું છે. કોંગ્રેસીઓ દિશાવિહિન બની ગયા છે. જેને મનમાં આવે તે રીતે કામ થઈ રહ્યું છે. આની અસર કોંગ્રેસમાં જોડાયેલા જુસ્સાવાળા કાર્યકરો અને યુવા નેતાઓ પર પડી રહી છે.

રાહુલ ગાંધીની ધમાચકડીમાં ગુજરાતના યુવા અને તરવરીયા નેતા હાર્દિક પટેલના રાજકીય ભાવિની પણ ચર્ચા કરવામાં આવી રહી છે. હાર્દિક પટેલને સિનિયર કોંગ્રેસીઓ સહેજ પણ ચાલવા દેવા માંગતા નથી, પણ રાહુલ ગાંધીના સીધા આશિર્વાદથી હાર્દિક પટેલે રાષ્ટ્રીય સ્તરે કોંગ્રેસમાં કાઠું કાઢ્યું છે. હાર્દિક પટેલને યુવક કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ બનાવવાની ચર્ચા પણ ચાલી હતી પણ હવે રાહુલ ગાંધીના એપિસોડથી આ મામલો પણ ઘોંચમાં પડી ગયો છે અથવા તો અભરાઈએ ચઢાવી દેવામાં આવ્યો હોવાનું માલૂમ પડી રહ્યું છે.