નેત્રાવતી નદીના કિનારેથી CCD ના માલિકનો મૃતદેહ મળી આવ્યો, કાલ રાતથી હતા લાપતા

ગુમ થયાના એક દિવસ બાદ દેશની સૌથી મોટી કોફી ચેઇન કાફૅ કાફી ડૅના માલિક વી.જી. સિદ્ધાર્થ મૃત હાલતમાં મળી આવ્યા છે. તેમનો મૃતદેહ નદીમાંથી બહાર કાઢવામાં આવ્યો છે. વી.જી. સિદ્ધાર્થ કોફી ડૅ એન્ટરપ્રાઇઝ લિમિટેડ (CDEL)ના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર હતા. વી.જી. સિદ્ધાર્થ પૂર્વ કેન્દ્રીય વિદેશ મંત્રી અને વર્તમાન બીજેપી નેતા એસ.એમ. કિષ્નાના જમાઈ છે. મળતી માહિતી પ્રમાણે સ્થાનિક માછીમારોએ નદીમાંથી વી.જી. સિદ્ધાર્થનો મૃતદેહ બહાર કાઢ્યો હતો.

પોલીસને મેગલુરુના હોઇગ બજાર પાસે આવેલી નેત્રાવતી નદીના કાંઠેથી તેનો મૃતદેહ મળી આવ્યો છે. સિદ્ધાર્થ સોમવારે સાંજે રહસ્યમય પરિસ્થિતિમાં લાપતા થયા હતા. પોલીસકર્મીઓ, તરવૈયાઓ અને માછીમારો સહિત લગભગ 200 લોકો તેની શોધખોળમાં લાગ્યા હતા.

પોલીસના જણાવ્યા પ્રમાણે સિદ્ધાર્થ સોમવારે બપોરે બેંગલુરુથી હાસન જિલ્લામાં સક્લેશપુર માટે રવાના થયા હતા. જોકે, અડધે રસ્તે તેણે પોતાના ડ્રાઇવરને મેંગલુરુ તરફ જવાનું કહ્યું હતું. તેઓ અંતે સોમવારે રાત્રે દક્ષિણ કન્નડ જિલ્લાની નેત્રાવતી નદીના પુલ પર જોવા મળ્યા હતા.

પોલીસના કહેવા પ્રમાણે તેમણે પોતાના ડ્રાઇવરને કહ્યુ હતુ કે તેઓ પુલ નજીક ટહેલવા માટે જઈ રહ્યા હતા. તેઓ પરત ન ફરતા ડ્રાઇવરે પોલીસને જાણ કરી હતી. સિદ્ધાર્થના ડ્રાઇવર બસવરાજ પાટિલના કહેવા પ્રમાણે, “સિદ્ધાર્થ નેત્રાવતી નદીના પુલ પર એવું કહીને કાર નીચે ઉતર્યા હતા કે તેઓ થોડા સમય માટે અહીં ફરવા માંગે છે. તેમણે મને પુલના બીજા છેડે ઉભા રહેવાનું કહ્યું હતું. એક કલાક સુધી તેઓ પરત ન ફરતા મેં પોલીસને જાણ કરી હતી.”

કાફે કૉફી ડૅ(CCD) બ્રાન્ડ નામથી કૉફીની રેસ્ટોરન્ટ ચલાવતી કંપની કોફી ડે એન્ટરપ્રાઇઝના સંસ્થાપક તેમજ ચેરમેન વી.જી. સિદ્ધાર્થ સોમવાર સાંજથી ગુમ થઈ ગયા હતા. કંપનીએ શેર બજારને મંગળવારે આપેલી જાણકારીમાં આ વાતની પુષ્ટિ થઈ હતી. જે બાદમાં BSE પર સીસીડીના શેરમાં 20 ટકાનો કડાકો બોલી ગયો હતો. સીસીડીના શેર 52 અઠવાડિયાની સૌથી નીચલી સપાટી એટલે કે રૂ. 154.05 સુધી પહોંચી ગયો હતો. શેરની કિંમતમાં આવેલા ઘટાડા બાદ રોકાણકારોના રૂ. 813.32 કરોડ ડૂબી ગયા છે.

સામે આવ્યો પત્ર

તેમણે બોર્ડ ઓફ ડિરેક્ટર્સ અને સીસીડી પરિવારને એક પત્ર લખ્યો છે. પત્રમાં સિદ્ધાર્થે કંપનીની આર્થિક હાલત અને તેમના ઉપર નાણાકીય બોઝની વાત લખી છે. પત્રમાં તેમણે લખ્યુ છે કે, “હું મારૂ સર્વસ્વ ત્યજી રહ્યો છું. આપ સૌને નીચું જોવું પડે તેવી સ્થિતીમાં મૂકવા બદલ દિલગીર છું. મેં લાંબી લડાઈ લડી તેમ છતાં ખાનગી ભાગીદારો અને લેણદારોનું દબાણ જીરવી શક્યો નહીં. 6 મહિના પહેલાં મેં મિત્ર પાસેથી ખૂબ મોટી રકમ ઉધાર લીધી હતી. ઇનકમટેક્સના પૂર્વ ડીજીએ મને ખૂબ પ્રતાડીત કર્યો હતો. આપણે ફેરરિટર્ન સબમીટ કર્યુ હોવા છતાં તેમના દ્વારા આપણો સોદો પાછો ઠેલવવામાં આવ્યો હતો. આ આઘાતના કારણે આપણને ખૂબ જ મોટો ફટકો પડ્યો હતો.”

આરોપી કુલદીપ સેંગર પાર્ટીમાંથી સસપેન્ડ, ભાજપ સરકારનો મોટો નિર્ણય

ઉન્નાવ કેસમાં ચારે તરફથી બદનામી થયા બાદ ઉત્તરપ્રદેશ ભાજપના અધ્યક્ષે સ્પષ્ય કર્યું છે કે, આરોપી કુલદીપસિંહ સેંગરને બે વર્ષ માટે પાર્ટીમાંથી સસ્પેન્ડ કર્યો છે અને એ સસ્પેન્ડ રહેશે.

ઉન્નાવ મામલામાં વિપક્ષે મંગળવારે સંસદથી રોડ સુધી ભાજપ પર હુમલો કર્યો હતો. બીજી તરફ, ઉત્તરપ્રદેશની યોગી આદિત્યનાથ સરકારે આ મામલાની તપાસ સીબીઆઈને સોંપી દીધી છે. મંગળવારે સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવ પીડિતાને મળવા પહોંચ્યા હતાં. તેમણે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પર સીધી હુમલો કર્યો હતો કે, મુખ્યમંત્રી પર ભરોસો કરી શકાય તેમ નથી.

અખિલેશે આરોપ લગાવ્યો કે, મુખ્યમંત્રીની જાણકારીમાં બધુ જ થાય છે. જ્યારે કોંગ્રેસ મહામંત્રી પ્રિયંકા ગાંધી અને બીએસપી ચીફ માયાવતીએ પણ સરકાર પર મિલીભગતનો આરોપ લગાવ્યો હતો.

પ્રિયંકા ગાંધીએ ટ્વીટ કર્યું કે, આપણે કેમ કુલદીપ સેંગર જેવા લોકોના હાથમાં સત્તાની તાકાત અને સંરક્ષણ આપીએ છીએ અને પીડિતોને કેમ એકલા લડવા માટે છોડી દઈએ છીએ ? પ્રિયંકાએ એ પણ માંગ કરી કે હજુ માંડુ થયું નથી. ભગવાન ખાતર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ અપરાધી અને એના ભાઈને સત્તામાંથી બહાર કરી દેવા જોઈએ.

બીજી તરફ, ઉન્નાવ ગેંગ રેપની પીડિતાની તબિયત હજુ નાજુક છે.

નહીં લાગે હવે કોઈ પણ મેળામાં રાઈડ: અમદાવાદના કાંકરીયા રાઈડની ઘટના બાદ મોટો નિર્ણય

અમદાવાદના કાંકરીયા એમ્યુઝમેન્ટ પાર્કમાં રાઈડ તૂટી પડવાની ઘટના બાદ ગુજરાત સરકાર દ્વારા દરેક રાઈડની સંપૂર્ણ ચકાસણી કરવાનો નિર્ણય કર્યો છે તો સામે પક્ષે ગુજરાત એમ્યુઝમેન્ટ એસોસિએશન દ્વારા વળતો નિર્ણય લેવામાં આવ્યો છે.

ગુજરાત એમ્યુઝમેન્ટ એસોસિએશને રાજકોટ ખાતે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે અમદાવાદમાં રાઈડ તૂટી પડવાની ઘટના બાદ ગુજરાત સરકાર દ્વારા સખત નિયમો બનાવવામાં આવ્યા છે. જેના કારણે રાઈડનાં સંચાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ગુજરાત સરકાર દ્વારા ઘડવામાં આવેલા નવા નિયમો મુજબ મેળામાં રાઈડ મૂકવાનો રાઈડ સંચાલકો દ્વારા ઈન્કાર કરવામાં આવ્યો છે.

ગુજરાત એમ્યુઝમેન્ટ એસોસિએશને મુખ્યમંત્રી વિજય રૂપાણી સમક્ષ માંગ મૂકી છે કે નવા નિયમોમાં ફેરફાર કરવામાં આવે. જ્યાં સુધી નવા નિયમોમાં ફેરફાર નહીં થાય ત્યાં સુધી રાઈડ સંચાલકો ગુજરાતના કોઈ પણ મેળામાં રાઈડ મૂકશે નહીં.

ડાંગની નદીઓમાં પુર જેવી સ્થિતિ, સુરતમાં વિયર કમ કોઝવે ઓવર ફ્લો, રાજકોટમાં આજી-2, ડોડી ડેમ ઓવરફલો

સુરત સિટી અને સુરત જિલ્લામાં ભારે વરસાદના પગલે સતત ત્રીજા દિવસે રાંદેર-કતારગામને જોડતા કોઝ વેને બંધ રાખવામાં આવ્યો છે. હાલ કોઝ વે 6 મીટરની ભયજનક સપાટી વટાવી 6.41 મીટરથી વહી રહ્યો છે. જેના કારણે કોઝ વે ખાતે અદભૂત નજારો સર્જાયો છે. અને લોકો કોઝ વેનો નજારો જોવા ઉમટી પડ્યા છે. 

ત્રણ દિવસથી સુરત સિટી અને સુરત જિલ્લામાં વરસી રહેલા વરસાદના પગલે ત્રણ દિવસ પહેલાં કોઝ વેએ 6 મીટરની ભયજનક સપાટી વટાવતા વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો છે. હાલ કોઝ વેની સપાટી 6.41 મીટર છે. જેને પગલે કોઝ વે ખાતે અદભૂત નજારો જોવા મળી રહ્યો છે. 

સુરત વિયર કમ કોઝવે

રાજ્યભરમાં વરસાદી માહોલ છવાયેલો છે. અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદને પગલે ક્યાંક પાણી ભરાયા છે. જેને પગલે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. ત્યારે સૌથી વધુ વરસાદ ડાંગ જિલ્લામાં નોંધાયો છે. ડાંગ જિલ્લામાં ભારે વરસાદને પગલે નદીઓમાં પૂરની સ્થિતિ ઉભી થઈ છે. તો ડાંગના 17 કોઝવે ઉપર પાણી ફરી વળતા 30થી વધુ ગામો સંપર્ક વિહોણા બન્યાં છે. જેને કારણે લોકો જીવનના જોખમે પુલ પસાર કરી રહ્યાં છે. ભારે વરસાદને કારણે ધોડવહળ, સુપદહાડ, આંબાપાડા, કુમારબંધ, ચીખલદા, સુસરદા, ધૂળચોંડ, ગાયખાસ, ચવડવેલ, ચોકયાં, દબાસ, માછળી, બોરપાડા, સતિવાગણ, લિંગા, કોસંબીયા અને પાંડવા ગામ સંપર્ક વિહોણા બન્યા છે. 

રાજ્યમાં ભારે વરસાદને પગલે ૫૯ ગામો વીજળી વિહોણા બન્યા છે. તો બીજી તરફ, નવસારીના ગણદેવીના વેગણીયા નદીનો પુલ પાણીમાં ગરકાવ થયો છે. પુલ પાણીમાં ગરકાવ થતા ગણદેવી બીલીમોરાનો શોર્ટકટ માર્ગ બંધ થયો છે. તો ઉપરવાસમાં વરસાદ બંધ થતાં નદીમાં પાણીના સ્તર ઘટ્યા છે. 

આજી ડેમ -રાજકોટ

પાણીની સતત આવક બાજ આજી-2ના ત્રણ દરવાજા ખોલવામાં આવ્યા છે. ડેમના દરવાજા ખોલવામાં આવતા નીચાણવાળા વિસ્તારોમાં આવતા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. તો બીજી બાજુ પાંભર ઈટાળા ગામ ખાતે આવેલો ડોડી જળસંપત્તિ સિંચાઈ ડેમ ઓવરફ્લો થઈ ગયો છે. એક જ રાતમાં આ ડેમ ઓવરફ્લો થઈ જતાં ખેડૂતોમાં આનંદની લાગણી વ્યાપી છે. 

ભાવનગરના વલ્લભીપુર અને ઉમરાળા પંથકમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. 6 ઇંચ કરતા વધુ વરસાદ પડતાં નદીઓમાં નવા નીરની આવક થઈ છે. વલ્લભીપુર શહેરમાં અનેક વિસ્તારોમાં મકાનની દિવાલ ધરાશાયી થઈ છે. તો ઘેલો નદીમાં નવા નીરની આવક પણ થઈ છે. 

આઝમખાનની યુનિ. પર તંત્રની રેડ, ચોરી થયેલા 1774 પુસ્તકો મળી આવ્યા, 4 લોકોની અટકાયત

ઉત્તરપ્રદેશના રામપુરમાં આવેલી જૌહર યુનિ. પર તંત્રે રેડ પાડી હતી. જૌહર યુનિવર્સીટી સમાજવાદી પાર્ટીના નેતા અને વરિષ્ઠ નેતા આઝમ ખાનની છે. આ સમયે યુનિવર્સીટીની બહાર ખૂબ જ મોટી સંખ્યામાં પોલીસ બળ છે. તંત્રના વરિષ્ઠ અધિકારી યુનિવર્સીટી કેમ્પસની અંદર છે અને હાલમાં તપાસ અભિયાન શરુ છે.  આ દરમિયાન પોલીસને 300 પુસ્તકો અત્યારસુધીમાં મળ્યા છે. પોલીસનું કહેવું છે કે આ પુસ્તકો ચોરી કરવામાં આવ્યા હતા. આ પુસ્તકો 100થી 150 વર્ષ જૂના છે. આ અંગે યુનિવર્સીટીના 4 અધિકારીઓની અટકાયત કરવામાં આવી છે. પોલીસ કપ્તાન અજયપાલ શર્માનું કહેવું છે કે 1774માં રામપુરમાં સ્થપાયેલા મદ્રેસા આલિયાથી આ પ્રાચીન પુસ્તકોની ચોરી કરવામાં આવી હતી જે જૌહર યુનિવર્સીટીની લાઈબ્રેરીથી મળી આવ્યા છે.

રિપોર્ટમાં જણાવ્યા અનુસાર મદ્રેસા આલિયાના પુસ્તકોની ચોરીને લઈને આ રેડ કરવામાં આવી છે. જૌહર યુનિવર્સીટીની અંદર આવેલી મુમતાજ સેન્ટ્રલ લાઈબ્રેરીમાં સીઓ સહીત પોલીસ અધિકારીઓ તપાસ કરી રહી છે. ઘટના સ્થળે એસપી અજયપાલ શર્મા અને ડીવાયએસપી અરુણકુમાર પણ હાજર છે.

આ પહેલા જૌહર યુનિવર્સીટી સામે તંત્રે કાર્યવાહી કરી હતી અને કેસ દાખલ કર્યો હતો. 25 જુલાઈના રોજ રામપુરના ઉપ જિલ્લા અધિકારીએ યુનિવર્સીટીની અંદરથી પસાર થઇ રહેલા સાર્વજનિક રસ્તા પર કરવામાં આવેલો કબ્જો હટાવવા માટે માંગ કરી હતી. આ સિવાય તંત્રે આઝમ ખાનને ક્ષતિપૂર્તિ માટે 3 કરોડ 27 લાખ 60 હજાર રૂપિયા આપવાની વાત કરી છે. આઝમ ખાને કબ્જો મુક્ત થવા સુધી રોજ 9,10,000 રૂપિયા દર મહિને લોક નિર્માણ વિભાગને આપવા માટે આદેશ આપ્યો છે.

25 જુલાઈના રોજ જૌહર યુનિવર્સીટીએ 7 હેક્ટર જમીન પટ્ટાના વિવાદને રદ કર્યો હતો. આ જમીન 2013માં 30 સાલ માટે મૌલાના મહોમ્મદ અલી જૌહર ટ્રસ્ટના સંયુક્ત સચિવ અહમદ ખાનના નામે લીઝ પર લેવામાં આવી હતી.

મોદી સરકારે રચ્યો ઈતિહાસ: વિપક્ષને અત્યાર સુધીનો સૌથી મોટો ઝટકો, ત્રિપલ તલાક બીલ રાજ્યસભામાં પાસ

મુસ્લિમ મહિલાઓ માટેનું ત્રિપલ તલાક બીલ લોકસભામાં પાસ થયા બાદ મોદી સરકારે ઈતિહાસ રચ્યો છે. રાજ્યસભામાં ચાર ક્લાકની મેરેથોન ચર્ચા બાદ ત્રિપલ તલાક બીલ રાજ્યસભમાં પાસ કરવામાં આવ્યું છે. રાજ્યસભામાં મોદી સરકાર અલ્પમતમાં છે, બહુમતિમાં નથી અને છતાં ત્રિપલ તલાક બીલ પાસ કરીને મોદી સરકારે વિપક્ષને મોટામાં મોટો ઝટકો આપ્યો છે.

ત્રિપલ તલાક બીલ પર ચર્ચાના અંતે વોટીંગ કરવામા આવ્યું હતું. બીલને સિલેક્શન કમિટીને મોકલવાનો પ્રસ્તાવની વિરુદ્વમાં 100 વોટ પડ્યા હતા જ્યારે ફેવરમાં 84 વોટ પડ્યા હતા. આમ ત્રિપલ તલાક બીલને સિલેક્શન કમિટી પાસે મોકલવાનો પ્રસ્તાવ રાજ્યસભામાં ઉડી ગયો હતો. કાયદા મંત્ર રવિશંકર પ્રસાદે રાજ્યસભામાં બીલ રજૂ કર્યુ હતું. સિલેક્શન કમિટી પાસે મોકલવાનો ઠરાવ ઉડી ગયા બાદ બીલ પર વોટીંગ કરવામા આવ્યું હતું.

જ્યારે બીલ પર વોટીંગ કરવામા આવ્યું ત્યારે બીલની ફેવરમાં 99 વોટ પડ્યા હતા અને વિરુદ્વમાં 84 વોટ પડ્યા હતા. આમ મોદી સરકારે વિપક્ષને અત્યાર સુધીની સૌથી મોટી મહાત આપી હતી. હવે રાષ્ટ્રપતિની મંજુરી મળે એટલે ત્રિપલ તલાક બીલ સીધો કાયદો બની જશે. હવે કોઈ પણ વ્યક્તિ એક સાથે ત્રણ તલાક બોલી શકશે નહીં.

ફરીથી સુરત પાસીંગની ગાડીઓ પાસેથી ટોલ ટેક્સ વસૂલવામાં આવશે, સચીન-પલસાણા ટોલ પ્લાઝા પર લાગ્યું બોર્ડ

સુરતના સચીન-પલસાણા હાઈવે પર જવા માંગતા વાહનચાલકો માટે માઠા સમાચાર છે. સચીન-પલસાણા ટોલ પ્લાઝા પર સુરત પાસીંગની ગાડીઓને ટોલ ટેક્સ ભરવામાંથી મૂક્તિ આપવામાં આવી હતી પણ આજે ટોલ પ્લાઝા પર ટોલ ટેક્સ ભરવાનું બોર્ડ મૂકી દેવામાં આવ્યું હતું.

જ્યારે સચીન-પલસાણા ટોલ પ્લાઝા શરૂ કરવામા આવ્યો હતો ત્યારે પણ સુરત પાસીંગની ગાડીઓ પાસેથી ટોલ ટેક્સ લેવાના મામલે ભારે વિવાદ થયો હતો અને આંદોલનો થયા હતા. બાદમાં સુરત પાસીંગની ગાડીઓને ટોલ ટેક્સ ભરવામાંથી મૂક્તિ આપવામાં આવી હતી.

લાંબા સમય બાદ સચીન-પલસાણી ટોલ પ્લાઝા પર નવેસરથી બોર્ડ મૂકવામાં આવ્યા છે. જેમાં સ્પષ્ટપણે લખાયું છે કે GJ-5 અથવા સુરત શહેરમાં રજિસ્ટર્ડ થયેલા બિન વાણિજ્યિક વાહનોને (કાર, જીપ, વાન) 1-08-2019ના રોજથી એક તરફી વીસ રૂપિયા અને બેતરફી 30 રૂપિયાની ફી ચૂકવવાની રહેશે.  આ નિર્ણય કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા બનાવવામાં આવેલી સમિતિના આધારે લેવામાં આવ્યો છે.

આ ઉપરાંત બોર્ડ પર લખવામાં આવ્યું છે કે આ ટોલ ચાર્જ કંપનીને આર્થિક નુકશાન થતાં મંજુર કરવામા આવ્યું છે આ સિવાય જે લોકલ બિન વાણિજ્યિક વાહનો કાર, જીપ અને વાનના ચાલકો-માલિકો માસિક પાસ ઈચ્છતા હોય તો તેમને 265 રૂપિયામાં આ પાસ આપવામાં આવશે,

રેવ પાર્ટી: શું ભાવ હોય છે રેવ પાર્ટીમાં જવાનો, કપલ એન્ટ્રી અને સિંગલ એન્ટ્રીના કેટલા રૂપિયા આપવા પડે છે? જાણો

યુવાનોમાં રેવ પાર્ટીનું ક્રેઝ જોવા મળે છે. આ ક્રેઝમાં પોલીસની કાર્યવાહીનો પણ સામનો કરવો પડે છે. પોલીસે અનેક રેવ પાર્ટી પર દરોડા પાડ્યા છે છતાં ક્યાંકને ક્યાંક રેવ પાર્ટીના નામે ધીંગા મસ્તી અને નશીલા પદાર્છોના સેવનની ગેરકાયદે પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. ખાસ કરીને ફાર્મ હાઉસોમાં રેવ પાર્ટીઓ યોજવામાં આવે છે અથવા તો સિટીથી દુર હાઈવે પર કે ઓછી જાણીતી જગ્યાએ પાર્ટીનું આયોજન કરવામાં આવે છે.

હવે રેપ પાર્ટી માટે સિટી બહારના વિસ્તારોની પસંદગી કરવામાં આવે છે. ખુલ્લી જમીનને આવી હાઈપ્રોફાઈલ રેવ પાર્ટી માટે હાઈ રેટ પર હાયર કરવામાં આવે છે. હવે તો રેવ પાર્ટીના ઈવેન્ટ ઓર્ગેનેઈઝરો પણ કામે લાગ્યા છે.

પોલીસ સૂત્રોની માનીએ તો વ્હોટ્સ અપ પર માલેતુજાર ઘરના નબીરાઓનું ગ્રુપ યુવાઓ અને અમીર બાપની ઔલાદોને રેવ પાર્ટીની આયોજન કરે છે. સામાન્ય રીતે આયોજક દ્વારા કપલ એન્ટ્રી માટે દસ હજાર રૂપિયા અને સિંગલ એન્ટ્રી માટે પંદર હજાર રૂપિયા લે છે. કેટલીક રેવ પાર્ટીઓમાં દારુ, જુગાર, સેક્સ ડીલથી લઈને અનેક પ્રકારની ગેરકાયદે પ્રવૃત્તિઓ કરવામાં આવે છે.

પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે યુવતીઓને મનોરંજનના નામે બોલાવવામાં આવે છે અને તેમની સાથે અનૈતિક કામો કરાવવામાં આવે છે. આવી રેવ પાર્ટીઓમાં પ્રાઈવેટ રૂમની પણ વ્યવસ્થા કરવામાં આવતી હોય છે. મોટાભાગે આવી પાર્ટીઓનું આયોજન મહિના અંતિમ દિવસોમાં કરવામાં આવે છે. આયોજકો દ્વારા ભાગ લેનારા યુવાનોને અંત સુધી એડ્રેસ આપવામાં આવતું નથી. પહેલાં એક ચોક્કસ જગ્યાએ બધાને એકઠાં કરવામાં આવે છે અને ત્યાર બાદ તેમને રેવ પાર્ટીના નિશ્ચિત સ્થળ સુધી લઈ જવામાં આવે છે. આમાં સ્થાનિક પોલીસને પણ રૂપિયા સુદ્વાં પહોંચાડવામાં આવે છે.

સૂત્રોના જણાવ્યા મુજબ આવી હાઈપ્રોફાઈલ પાર્ટીઓમાં ડ્રગ્સનું વેચાણ ધૂમ થાય છે.

ઈતિહાસની પ્રથમ ઘટના, બ્રિટનના નવા વડાપ્રધાન 24 વર્ષ નાની ગર્લફ્રેન્ડ સાથે Live-in માં રહેશે

બ્રિટનના નવા વડા પ્રધાન બોરિસ જ્હોનસન સોમવારે પોતાની મહિલા મિત્ર કૈરી સાયમન્ડ્સની સાથે ડાઉનિંગ સ્ટ્રીટ સ્થિત પ્રધાનમંત્રી આવાસમાં રહેવા માટે પહોંચ્યા છે. દુનિયાભરમાં મશહૂર લંડનના આ એડ્રેસ પર પહેલીવાર કોઈ અવિવાહિત કપલ સાથે રહેશે. સાયમન્ડ્સની સાથે રહેવાની પુષ્ટિ બાદ એ તમામ અટકળો પર લગામ લાગી ગઈ છે કે, પ્રધાનમંત્રી આવાસમાં કોઈ લિવ ઈન કપલ રહેશે કે નહીં. સાયમન્ડ્સ એક એવી વસ્તુનું પ્લાનિંગ કરી રહી છે કે જેના કારણે સોશિયલ મીડિયામાં હોબાળો મચી ગયો છે.

ખબર છે કે, નવા પીએમ અને તેમની ગર્લફ્રેન્ડ એક ડોગને દત્તક લેવા જઈ રહી છે, જે તેમની સાથે રહેશે. કોઈ નવા ડોગને લેરી સાથે રહેવું પડશે. લેરી અહીં રહેતી એક બિલાડીનું નામ છે. જે સત્તાવાર રીતે ઉંદરને પકડવા માટે રાખવામાં આવી છે. લોકોને ડર છે કે, જો સાયમન્ડ ડોગ લાવશે તો તે બિલાડી સાથે કેવી રીતે રહેશે. લોકોનું માનવું છે કે, બંને પાળતૂ પ્રાણીઓ ખુબ ઝઘડશે, જેના કારણે પીએમ આવાસનો માહોલ ખરાબ થશે.

જ્હોનસન (55) અને સાયમન્ડ્સ (31) દક્ષિણ લંડનના એક ફ્લેટમાં સાથે રહેતાં હતા. જ્હોનસન ગત અઠવાડિયે જ વડા પ્રધાન બન્યા છે. જ્હોનસન પોતાની પત્ની મારિના વ્હીલર સાથે છૂટાછેડા લેવાની પ્રક્રિયામાં છે. મારિનાની મા દીપ કૌર ભારતીય મૂળના હતા. વ્હીલર અને જ્હોનસનનાં ચાર બાળકો છે. અને ગત વર્ષે સપ્ટેમ્બરમાં તેમણે લગ્નના 25 વર્ષ બાદ અલગ થવાનું એલાન કર્યું હતું.

પ્રખ્યાત પંજાબી સિંગર ગુરુ રંધાવા પર કેનેડામાં થયો હુમલો, મોઢું બગાડી નાખ્યું

પ્રખ્યાત પંજાબી સિંગર ગુરુ રંધાવા પર કેનેડાના વેંકુવરમાં હુમલો થયો હતો. હુમલો કરનાર વ્યક્તિની ઓળખ હજી સુધી થઈ શકી નથી. આ હુમલામાં તેના ચહેરા પર ગંભીર ઈજા પહોંચી છે. જોકે, હવે તેની તબિયત પહેલા કરતા સારી છે. આ અંગેની જાણકારી તેના મિત્ર અને પંજાબી સિંગર પ્રીત હરપાલ સિંહે પોતાના ફેસબુક પેજ પર શેર કરી હતી. તેણે આ હુમલાની આકરી નિંદા કરતા કહ્યું કે ‘હું ગુરુને બહું પહેલાથી ઓળખું છું તે ખૂબ જ સાચો વ્યક્તિ છે. તે હંમેશા બીજાને માન આપતો હોય છે.’

સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે કે ગુરુ રંધાવા પર જ્યારે હુમલો થયો તે સમયે પ્રીત હરપાલ પણ તેની સાથે જ હતો. ગુરુ એક શો પૂર્ણ કરીને પરત ફરી રહ્યો હતો તે દરમિયાન જ તેના પર હુમલો કરવામાં આવ્યો હતો. તેના પર કોણે હુમલો કર્યો અને કયા કારણોસર હુમલો કર્યો તે અંગે કોઈ જાણકારી મળી શકી નથી. તેની એક તસવીર વાયરલ થઈ રહી છે જેમાં તે હુમલાના કારણે પોતાના ચહેરા પર આવેલા લોહીને સાફ કરી રહ્યો છે.