જમ્મૂૃ-કાશ્મીર સરહદે અખ્નૂરમાં ફાયરીંગ, વડોદરાના જવાન આરીફ પઠાણ શહીદ

જમ્મુ કશ્મીરના ઉધમપુર ખાતે આવેલી અખ્નુર ચેક પોસ્ટ પર થયેલા ફાયરીંગમાં વડોદરાના જવાન આરીફ પઠાણ મોહમ્મદ સફી શહીદ થયો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, પરિવારજનોને પાસેથી મળેલી જાણકારી અનુસાર એલઓસીપર થયેલી અથડામણમાં આરીફ શહીદ થયો છે. જોકે, પાકિસ્તાન દ્વારા કરાયેલા ગોળીબારમાં કે આતંકવાદી જૂથ સાથેની અથડામણમાં આરીફે શહીદી વ્હોરી છે, તે અંગે હજી સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.

પાકિસ્તાન દ્વારા સીઝફાયરનું ઉલ્લંઘન કરી છેલ્લાં ત્રણ દિવસથી જમ્મુ કશ્મીરની સરહદ પર ફાયરિંગ કરવામાં આવી રહ્યું હોવાથી સરહદ પર વાતાવરણ તંગ છે. ત્યારે સોમવારે વહેલી સવારે જમ્મુ કશ્મીરના રાજૌરી જિલ્લાની સરહદ પર ગોળીબાર કરાયો હતો. આર્મીની સત્તાવાર જાહેરાત અનુસાર, પાકિસ્તાન દ્વારા સુંદરબની સેક્ટરના ગામો અને ભારતીય ચેકપોસ્ટને ટાર્ગેટ કરીને ગોળીબાર કરવામાં આવ્યો હતો.

વડોદરાના નવાયાર્ડ રોશન નગરમાં રહેતો 24 વર્ષિય આરીફ પઠાણ મોહમ્મદ સફી દેશની રક્ષા કરવાના સપનાં સાથે આર્મીમાં જોડાયો હતો. છેલ્લાં ત્રણ વર્ષથી તેનું જમ્મુ કશ્મીરમાં પોસ્ટિંગ હતું. અને હાલ આરીફ જમ્મુ કશ્મીરના ઉધમપુર જિલ્લાની અખ્નુર ચેક પોસ્ટ પર ખડેપગે દેશની સરહદની રક્ષા કરી રહ્યો હતો.

તા. 22 જુલાઈ 2019ને સોમવારના રોજ આરીફ ફરજ બજાવી રહ્યો હતો ત્યારે સવારે 8 વાગ્યાના અરસામાં એલ.ઓ.સી. પર સામે તરફથી ફાયરિંગ શરૂ થયું હતું. જેમાં એક ગોળી આરીફની છાતીમાં વાગતાં, તેને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તબીબોએ આરીફને મૃત ઘોષિત કર્યો હતો.

આરીફ પઠાણ શહીદ થયો હોવાની જાણ થતાં પરિવારજનોમાં માતમ છવાઈ ગયો હતો. તો બીજી તરફ દેશની સરહદ સાચવવામાં પુત્ર શહીદ થયો હોવા અંગે ગર્વની લાગણી પણ વ્યક્ત કરી હતી. પરિવારજનોના જણાવ્યા પ્રમાણે, અખ્નુર ચેક પોસ્ટ પર આતંકવાદીઓએ હુમલો કર્યો હતો. અને આતંકવાદી સાથેની મૂઠબેડમાં આરીફ પઠાણ શહીદ થયો હતો. તો બીજી તરફ, એલ.ઓ.સી. પર છેલ્લાં ત્રણ દિવસથી પાકિસ્તાન દ્વારા સીઝફાયરનું ઉલ્લંઘન કરી ફાયરિંગ કરવામાં આવી રહ્યું હોવાથી, પાકિસ્તાની સૈન્યને વળતો જવાબ આપવામાં પણ આરીફ શહીદ થયો હોવાની શક્યતાઓ જોવાઈ રહી છે. જોકે, આ અંગે આર્મી દ્વારા સત્તાવાર જાહેરાત આ લખાય છે ત્યાં સુધી કરવામાં આવી નથી.