કોંગ્રેસમાં ધમાચકડી: આખરે સિદ્વુએ પંજાબ કેબિનેટમાંથી આપ્યું રાજીનામું

પંજાબ સરકારના મંત્રીપદેથી સિદ્વુએ રાજીનામું આપી દીધું છે. આ અંગેની જાણકારી ખુદ સિદ્વુએ ટવિટ કરીને આપી છે. સિદ્વુએ ટવિટ કરીને લખ્યું છે કે મેં 10મી જૂને જ કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીને પોતાનું રાજીનામું મોકલી આપ્યું હતું. તેમણે રાજીનામા પત્રમાં લખ્યું છે કે પંજાબ કેબિનેનટમાં મંત્રી પદેથી રાજીનામું આપું છું. આ લેટર સિદ્વુએ 10મી જૂન 2019ના રોજ લખેલો છે. આ પહેલાં 10 જૂને સિદ્વુએ રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંદી અને અહેમદ પટેલ સાથે મુલાકાત કરવાના ફોટો પણ શેર કર્યા હતા.

નોંધનીય વાત એ છે કે સિદ્વુનો પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદરસિંહ સાથે લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો છે. જેના કારણે તેઓ સતત હેડલાઈન્સમાં રહ્યા છે. બન્ને નેતાઓ વચ્ચે કડવાશ એટલી બધી વધી ગઈ હતી કે સિદ્વુએ કેબિનેટ બેઠકમાં ભાગ લેવાનું પણ બંધ કરી દીધું. લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસના ખરાબ દેખાવ બાદ નવજોતસિંહ સિદ્વુને કોંગ્રેસના કેટલાક નેતાઓએ ટારગેટ કર્યા હોવાની ફરીયાદ પણ કરવામાં આવી હતી. આના કારણે સિદ્વુ નારાજ થયા હતા.

લોકસભાની ચૂંટણીમાં સિદ્વુની પત્ની નવજોત કૌર સિદ્વુને ટીકીટ નહીં આપવાના મામલેથી વિવાદની શરૂઆત થઈ હતી. અમરિંદરસિંહે કહ્યું હતું કે ટીકીટ માટે સિદ્વુની પત્નીનું સમર્થન કર્યું હતું. અમરિંદરે સિદ્વુને અતિમહત્વકાંક્ષી પણ ગણાવી નાંખ્યા હતા. આ ઉપરાંત પાકિસ્તાનના સેના પ્રમુખ કમર બાજવા સાથેની સિદ્વુની મુલાકાત અંગે પણ અમરિંદરે ટીકા કરી હતી.

લોકસભા ચૂંટણીના પરિણામો બાદ અમરિંદરે ખરાબ દેખાવ માટે સિદ્વુને જવાબદાર ઠેરવ્યા હતા. ત્યાર બાદ પંજાબના મંત્રી સાધુસિંહ ધર્મસોતે પણ સિદ્વુની આકરી ટીકા કરી હતી અને કહ્યું હતું કે સિદ્વુને પ્રોબ્લેમ છે તો રાજીનામું આપી દે. ભાજપ છોડીને સિદ્વુ કોંગ્રેસમાં આવ્યા હતા, હવે કોંગ્રેસ છોડીને સિદ્વુ ફરી પાછા ક્યાં જશે, એ તો ભગવાન જાણે.