ભારત ચંદ્ર પર પગ મુકશે, ચંદ્રના દક્ષિણધ્રુવ પર પગ મુકનાર વિશ્વનો પ્રથમ દેશ બનશે, જાણો મિશન વિશે

સતીષ ધવન સ્પેસ સેન્ટરના લોન્ચિંગ પેડ-2 પર ચંદ્રયાન-2ને લઈ જવાની તૈયારી અંતિમ ચરણમાં છે. તેનું રિહર્સલ થઈ ગયું છે. જીએસએલવી માર્ક-3 રોકેટમાં ઇંધણ ભરાઈ ગયું છે. આ રોકેટના સૌથી ઉપરના હિસ્સામાં ચંદ્રયાન-2 રખાયું છે. 14-15 જુલાઈની રાત્રે 2.51 વાગે તે નીકળશે. 6-7 સપ્ટેમ્બરે તે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતરશે ત્યારે ભારત આવું કરનાર વિશ્વનો પ્રથમ દેશ બનશે. આ પહેલાં રશિયા, અમેરિકા અને ચીન ચંદ્ર પર જઈ ચૂક્યાં છે પરંતુ તેમનું લેન્ડિંગ દક્ષિણી ધ્રુવ પર નહોતું. ચંદ્રયાનમાં 25 ગ્રામનું એક સાધન નાસાનું પણ છે. લોન્ચિંગમાં રાષ્ટ્રપતિ કોવિંદ પણ સામેલ છે. – અનિરુદ્ધ શર્મા, શ્રી હરિકોટા

ઇસરોના ચેરમેન કે. સિવને કેવી સફર હશે તે જણાવ્યું..
ઓર્બિટર પહેલાં 16 દિવસ પૃથ્વીના પાંચ ચક્કર લગાવશે. ત્યારપછી 5 દિવસ ચંદ્રમા તરફ ચાલશે. ચંદ્રના ચાર ચક્કર લગાવશે. 100 કિમીના અંતરે ચંદ્રની ભ્રમણ કક્ષામાં પહોંચશે, 27 દિવસ સુધી ત્યાં જ ચક્કર મારશે. ત્યારપછી લેન્ડર ઓર્બિટરથી અલગ થશે અને 4 દિવસ ચંદ્રના ચક્કર કાપશે. 30 કિમીના અંતરે પહોંચશે તો 15 મિનિટમાં ચંદ્ર પર લેન્ડ કરશે. આ સૌથી ક્રિટિકલ સમય છે. – કે. સિવન

બાળપણમાં લાઇટ જતી રહે ત્યારે ચાંદો જોયા કરતી, આજે ચંદ્ર પર રિસર્ચ કરે છે
પીઆરએલના વિજ્ઞાની ડૉ.મેઘા યુ.ભટ્ટ ચંદ્રયાન-2 સાથે સક્રિયપણે જોડાયેલા છે. ઇન્ટરનેશનલ સાયન્સ જર્નલ ‘નેચર’ એ આગામી 50 વર્ષમાં વિશ્વના મૂન રિસર્ચને દિશા આપનાર પાંચ યુવા વિજ્ઞાનીઓમાં અમદાવાદના ડૉ.મેઘા ભટ્ટને પણ સામેલ કર્યા છે. દિવ્ય ભાસ્કર સાથેની વિશેષ વાતચીતમાં ડૉ.ભટ્ટે પોતાના બાળપણ, વિજ્ઞાનમાં રુચિ તથા ચંદ્રયાન-2 અભિયાન વિશે રસપ્રદ માહિતી આપી હતી. પ્રસ્તુત છે આ વાતચીત તેમના જ શબ્દોમાં…..

બાળપણ અને વિજ્ઞાનમાં રુચિ 
‘મધ્યપ્રદેશના કટની જિલ્લાનું કૈમોર ગામ મારું વતન. અહીં જ મારો જન્મ થયો હતો. બાળપણમાં જ્યારે ગામમાં રાત્રે વીજળી ચાલી જતી ત્યારે કલાકો સુધી ચંદ્રને નિહાળ્યા કરવાનું મને ગમતું. આ ગામમાં રહીને જ મેં ધોરણ બાર સુધીનો અભ્યાસ કર્યો. સ્કૂલના અભ્યાસ વખતે નીલ આર્મસ્ટ્રોંગનો ચંદ્ર પર ડગ માંડતો વીડિયો નિહાળીને ચંદ્ર પ્રત્યેનું આકર્ષણ વધારે પ્રબળ બન્યું. માતા અને પિતા આ વિશે ઘણી વાતો કરતા. પિતા શિક્ષક હતા. તેમની વાતો બાદ મને આ વિષયમાં વધુ રસ પડ્યો.

સ્પેસ સાયન્સમાં અભ્યાસ
પરિવારમાં પહેલેથી જ શિક્ષણનો આગ્રહ એટલે ગ્રેજ્યુએશન અને પૉસ્ટ ગ્રેજ્યુએશન જબલપુરમાં કર્યું. હાયર એજ્યુકેશન પૂર્ણ કર્યા બાદ ફેલોશીપના રિસર્ચર તરીકે અમદાવાદના સ્પેસ એપ્લિકેશન સેન્ટરમાં આવવાનું થયું ત્યારે એ દિવસોમાં ચંદ્રયાન-1 મિશનની તૈયારી ચાલી રહી હતી. એ પછી જર્મની, અમેરિકામાં વસવાટ દરમ્યાન અભ્યાસ-સંશોધનનો વ્યાપ વધતો ગયો (ડૉ.મેઘા ભટ્ટ એપ્રિલ 2018થી અમદાવાદ પીઆરએલમાં સાયન્ટિસ્ટ તરીકે કામ કરે છે).

ચંદ્રયાન-2 મિશન વિશે
ચંદ્રયાન -2 એક ચેલેન્જિગ મિશન છે. તેમાં આર્બિટર, લેન્ડર અને રૉવર છે. આ મિશન ટેકનોલોજીની રીતે અત્યંત મહત્ત્વનું છે. ચંદ્રયાન-2 પૃથ્વીની નીઅર સાઇડમાં હાયર લેટિટ્યુડમાં લેન્ડ કરશે. આ જગ્યાએ લેન્ડ કરનાર ભારત વિશ્વનો પહેલો દેશ બનશે. જે સ્થળે ચંદ્રયાન-2નું લેન્ડર ‘વિક્રમ’ ઉતરાણ કરશે તે જગ્યા પૃથ્વી તરફની હશે. તેના કારણે સિગ્નલ અને ટ્રાન્સમિશન મળશે. આ એ ભાગ છે જે આપણે પૃથ્વી પરથી જોેઇ શકીએ છીએ. આ મિશન થકી પહેલીવાર આપણે ચંદ્રની સપાટીનું ઑબ્ઝર્વેશન અને રિસર્ચ કરી શકીશું.